Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઓઝત નદીનો પાળો તૂટતા કેશોદનો ઘેડ પંથક જળ બંબાકારઃ એક હજાર વિઘામાં મગફળીના પાકમાં પાણી ફરી વળતા નુકશાન

અનેક ગામો સંપર્ક વિહોણાઃ નદીનો પાળો તૂટેલ હોવાથી વારંવાર વરસાદમાં હાલાકીઃ ગામના લોકોને દવાખાને લઇ જવામાં પણ તકલીફ

રાજકોટ તા.૩૦ : છેલ્લા થોડા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં સર્વત્ર વરસાદ વરસતા લીલા દુષ્કાળની ભિતી સેવાઇ રહી છે આવા સમયે  અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે અને પાકને પારાવાર નુકશાન થયુ છે ત્યારે કેશોદ તાલુકાનો ઘેડ પંથક જળબંબાકાર થઇ ગયો છ.ે

ઘેડ પંથકમાં ૧ હજાર વિઘામાં વાવેલી મગફળીનો પાક ભારે વરસાદમાં સાફ થઇ ગયો છ.ેઆ ઉપરાંત કપાસ, તલ સહિતના પાકને નુકશાન થયું છ.ે

ઘેડ પંથકના બામણસા, અખોદર, પાડોદર, સરોડ સહિતના ગામના ખેડુતોએ મહા મહેનતે પોતાના વાડી-ખેતરોમાં મગફળીનું વાવેતર કર્યુ હતું. પરંતુ ઓજત નદીનો પાળો તૂટતા તેના પાણી સમગ્ર ઘેડ પંથકમાં ફરી વળતા ખેડુતોની માઠી બેઠી છે ત્યારે સરકાર દ્વારા હાય આપવામાં આવે તેવી માંગ થઇ છે.

બામણશાગીરના ''અકિલા''ના ફેસબુક શ્રોતા આહિર મશરીભાઇ કરાંગીયાએ જણાવ્યું હતું કે કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં આજે સવારથી મેઘરાજાએ વિરામ લીધો છ.ે પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસ ખૂબજ પડેલા ભારે વરસાદના કારણે ઓજત નદીમાં ઘોડાપુર આવ્યા હતા.

ઓજત નદીનો પાળો તૂટેલો હોવાથી આ નદીના પાણી કેશોદના ઘેડ પંથકના સરોડ, અખોદર, પાડોદર, બાલાગામ, ભામણસા, સહિત અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા અને આ ગામોના વાડી અને ખેતરોમાં પણ પાણી ભાઇ ગયા હતા. જેના કારણે પાકને ભારે નુકશાન થયું છે.

ઓજત નદીના પાણી ફરી વળતા ૧૦ જેટલા ગામોનો સંપર્ક તૂટયો છે. અને જુનાગઢના ફાયરબ્રિગેડના ટીમે રેસ્કયુ કરીને બામણસા,  મુળિયાસા, મઢડા, પંચાળા સહિતના ગામોમાં રેસ્કયુ પાણીમાં  ફસાયેલા લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા.

વરસાદી પાણીએ ઘેડ પંથકમાં ભારે તારાજી સર્જી અને પાણી-પાણી થઇ ગયું છે.

પોરબંદરના ગેરેજ ઘેડમાં પણ વરસાદી પાણીના કારણે તારાજી સર્જાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. અને ગેરેજ ઘેડ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું છે.

કેશોદ અને પોરબંદરના ઘેડ વિસ્તારમાં સર્વત્ર પાણી ભરાઇ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવા  પડી રહ્યો છે.

આ વિસ્તારના લોકોને કેશોદ જુનાગઢ, પોરબંદર જવામાં મુશ્કેલી સર્જાઇ છે અને બિમાર લોકોને સારવાર માટે લઇ જવામાં પણ ભારે મૂશ્કેલી પડી રહી છે.

(3:42 pm IST)