Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કારકિર્દી ઘડતર માટેની નવી દિશાઓનો બેરોજગારો લાભ ઉઠાવે : રોજગાર અધિકારી

વઢવાણમાં કારકિર્દી આયોજન સપ્તાહનું સમાપન

 સુરેન્દ્રનગર,તા.૩૦:સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયૂકત ઉપક્રમે હાથ ધરવામાં આવેલ કારકિર્દી આયોજન સપ્તાહનો સમાપન સમારોહ જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી.કે. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વઢવાણ સ્થિત શ્રી એમ.યુ. શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો.

આ સમાપન સમારોહમાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી.કે. ત્રિવદીએ રોજગાર વિભાગ દ્વારા યોજાતા કારકિર્દી દ્યડતર માટેના કાર્યક્રમોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી દ્યડતર માટે માર્ગદર્શન આપવાની સાથે વિવિધ રોજગાર ભરતી મેળાઓ પણ યોજવામાં આવે છે, જેનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

રોજગાર અધિકારીશ્રી ત્રિવેદીએ આજના યુગમાં કારકિર્દી ઘડતર માટે અનેક નવી નવી દિશાઓ ખૂલી રહી છે, તેમ જણાવી વિજ્ઞાન મેળાનો ભાવાર્થ સમજાવી વધુમાં ઉમેર્યું હતું કે, વિજ્ઞાનમાં રૂચિની સાથે  રચનાત્મક અને નવિન અભિગમ ધરાવતા લોકો માટે વૈજ્ઞાનિક ક્ષેત્રે કારકીર્દી દ્યડતરની અનેક તકો રહેલી છે.

પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રાજય સરકારશ્રીની વિવિધ યોજનાકિય સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.એમ.યુ. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યશ્રી ભૈરવીબેન દવેએ સ્વાગત પ્રવચન અનેઆભારવિધિ શાળાના શિક્ષક ચાવડાએ કરી હતી.

આ કાર્યક્રમમાં નાયબ માહિતી નિયામક એચ.બી. દવે,  જિલ્લાની વિવિધ શાળાના કેરિયર કોર્નર શિક્ષકશ્રીઓ તેમજ શિક્ષકગણ સહિત બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતાં.

(12:24 pm IST)