Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

માંડવી તાલુકા પાંજરાપોળ ગૌશાળા-ઢોરવાડા સમિતિ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો

કચ્છમાં કપરા દુષ્કાળમાં અબોલજીવોની સેવા કરનારની ભરપુર પ્રશંસા કરાઇ

ભુજ,તા.૩૦: માંડવી તાલુકા પાંજરાપોળ-ગૌશાળા સંસ્થાઓ અને ઢોરવાડા સમિતિ દ્વારા માંડવી પાંજરાપોળની નાગલપુર શાખા ખાતે શીતલ પાર્ટી પ્લોટમાં આજે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા પૂર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાની ઉપસ્થિતિમાં ગત વર્ષે કચ્છમાં ઊભી થયેલી અછતની કપરી પરિસ્થિતિમાં સરકાર, જનપ્રતિનિધિઓ, તંત્ર, મહાજનોએ સાથે મળીને જે રીતે અબોલ જીવોને સેવા કાર્યોથી બચાવવાની કુશળ કામગીરીની કાર્યસિધ્ધિ બદલ આજે માંડવીના આંગણે અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું.

     આ પ્રસંગે માંડવી તાલુકાની વીસથી વધુ પાંજરાપોળ, ગૌશાળા અને ઢોરવાડા સમિતિઓ દ્વારા જીવદયા પ્રવૃતિની ભાવનાને અનુમોદન આપવા સાથે રાજય સરકાર દ્વારા ખુલ્લાં દીલે લેવાયેલાં ઐતિહાસિક નિર્ણયો, બચાવ-રાહત-સહાયના કાર્યો, મહાજનો, દાતાઓના દાન અને જનપ્રતિનિધિઓની સુઝ-માર્ગદર્શન ના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજયમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ રાજયમંત્રી  તારાચંદભાઈ છેડા, અછતના નાયબ કલેકટર પઠાણ, મામલતદાર ભગીરથસિંહ ઝાલાનું પણ સ્મૃતિચિન્હ અને શાલ પહેરાવી અબોલ જીવોને બચાવવાની કામગીરી બદલ અભિવાદન કરાયું હતું.

કાર્યક્રમને સંબોધતાં રાજયમંત્રી વાસણભાઈ આહિરે રાજય સરકાર દ્વારા સાડા નવ મહિના જેટલા લાંબા સમય સુધી કચ્છની અછતની પરિસ્થિતિ દરમિયાન સુપેરે કામગીરી પાર પાડવામાં રાજય સરકારની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ, વિશ્વભરના કચ્છીજનો, મહાજનો, ગૌશાળા-પાંજરાપોળ અને ઢોરવાડા સમિતિના સંયુકત પ્રયાસોથી ખાસ કરીને કયાંયે એક પણ પશુનું મરણ પામ્યું ન હતું તેનો રાજીપો વ્યકત કરી તેમણે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે રીતે સતત બેઠકો, કરોડો કીલો દ્યાસ, ખેડૂતોને ઇનપુટ સહાય, રૂ. ૩૫૦ કરોડ ઉપરાંત પશુઓ માટે સબસીડી સહાય જેવા લેવાયેલાં અનેક પગલાંઓનો ઉલ્લેખ કરી કચ્છના જીવદયા પ્રેમી સંસ્થાઓ સાથે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમ દ્વારા જે રીતે રાત-દિવસ જોયાં વિના પશુઓની સેવાને યાદ કરી સૌનો રાજય સરકાર વતી આભાર માન્યો હતો.

મુખ્ય મહેમાન સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છમાં સમગ્ર અછતની પરિસ્થિતિ દરમિયાન જે રીતે અબોલ જીવોને બચાવવાનું અને દ્યાસ-પાણીનું સુનિયોજિત આયોજન કરાયું તેનો ઉલ્લેખ કરી રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની કચ્છની અવાર-નવાર મૂલાકાત લઇ અછતના મુકાબલા માટે તંત્ર સાથે બેઠકો કરાઇ, અછતનો ચિતાર મેળવતાં રહીને જે રીતે રેલ્વે રેકના માધ્યમથી દ્યાસ પુરૂ પડાયું અને અછત સંદર્ભે ઢોરવાડા, પાંજરાપોળને સબસીડી સહાય સહિતના સંવેદના પ્રગટ કરતાં ત્વરિત નિર્ણયો લેવાયાં હતા તેની સાથે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કલેકટર રેમ્યા મોહન તથા સમગ્ર વહીવટીતંત્ર, મહાજનો- ગૌશાળા-પાંજરાપોળ સંગઠ્ઠનો, બધાએ ખભે-ખભાં મીલાવીને જે રીતે  અદ્દભૂત કાર્ય કરાયું તેની પણ સરાહના કરી હતી.

પૂર્વ રાજયમંત્રીશ્રી તારાચંદભાઈ છેડાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જયારે સંસ્થાઓ વતી શ્રી હરખચંદભાઈ તલકશી શાહે દુષ્કાળની કપરી પરિસ્થિતિમાં પાંજરાપોળ માટે રૂ. ૩૫/- લેખે સબસીડી સહાય સહિત તંત્ર દ્વારા ઢોરવાડાઓની સમયસર મંજૂરી અને જીવદયા પ્રેમી સંસ્થાઓ અને કચ્છના માલધારીઓ સૌએ સાથે મળીને જે રીતે કાર્ય સિધ્ધ કર્યું તે બદલ રાજય સરકાર, દાતોનો આભાર વ્યકત કર્યો હતો.

અછત નાયબ કલેકટરએન.યુ. પઠાણે પણ સન્માન બદલ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

પ્રકાશભાઈ ગઢવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન જગદીશસિંહ જાડેજાએ કર્યું હતું.

આ પ્રસંગે  તાલુકા પંચાયતના અધ્યક્ષા ગંગાબેન સેંદ્યાણી, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ શાહ, અછત શાખાનો સ્ટાફ અને સ્થાનિક અધિકારીઓ વગેરે, ગૌશાળા-પાંજરાપોળ અને ઢોરવાડા સંસ્થાઓના પદાધિકારીઓ, અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.  આભારદર્શન મામલતદાર શ્રી ડાંગીએ કર્યું હતું.

(12:20 pm IST)