Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

માળીયા પંથકમાં માછીમારી માટેની નેટનું વિતરણ કરવા ધારાસભ્યની રજુઆત

માળીયામિંયાણાતા.૩૦:માળીયાના હંજીયાસર કરાડીયા વેણાસર સહિતના રણકાંઠે પાગડીયા માછીમારો ઝીંગાની સિઝન લઈ પરીવારનુ ગુજરાન ચલાવે છે જેમની નેટ તણાઈ જતા માછીમારો સિઝનથી વંચિત રહેવા બેકારીનો સામનો કરી રહ્યા છે.

માળીયામિંયાણા પંથકમાં અગાઉ ભારે વરસાદને કારણે મચ્છુ નદીના પાણીએ પુર જેવી સ્થિતિ સર્જી દીધી હતી જેના ધમસમતા પાણીએ મચ્છુ નદીમાં રહેલી ગાંડી વેલ તણાઈ દરિયામાં જતા માછીમારોની નેટમાં ભરાઈ ગઈ હતી જેના કારણે નેટ તણાઈને તુટી ગઈ છે જેથી માછીમારો માછીમારી કરી શકે તે માટે તેમને નેટનું વિતરણ કરવા મત્સ્ય વિભાગ સમક્ષ મોરબીના ધારાસભ્ય દ્વારા માંગણી કરવામાં આવેલ છે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે અગાઉ માળીયામિંયાણા પંથકના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો જેથી મચ્છુ નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મચ્છુ નદીમાંથી ઉપરથી ગાંડી વેલ તણાઈને આવી હતી જેથી માળીયાના હજીયાસર વેણાસર લાખિયાસર નાગાવાડી સુરજબારી મૂળવદર કરાડીયા અને ટીકર જેવા માછીમારી કરવાના સ્થળોએ પુરના પાણી આવવાને લીધે માછીમારી કરવા માટેની જરૂરી એવી નેટમાં ગાંડી વેલ વીંટળાઈ જતા નેટ તણાઈને નષ્ટ પામી છે

માળીયા વિસ્તારના માછીમારોને આર્થિક નુકશાન થયુ છે હાલ માળીયાના રણકાંઠાના ગામોમાં જેવા કે વેણાસર રણકાંઠે ટીકર દ્યાંટીલા મંદરકી સહીતના વિસ્તારોમાં હાલ માછીમારી કરવાની સિઝન ભરપૂર ચાલુ હોય પણ નેટના અભાવે માછીમારો માછીમારી કરી શકતા ન હોવાથી તેમના રોજગારીનો ગંભીર પ્રશ્ન ઉદ્દભવ્યો છે આથી ધારાસભ્યએ મત્સ્ય ઉધોગના કમિશનર રૂબરૂ મળી માળીયા પંથકના માછીમારો ફરીથી રોજગારી મેળવી શકે તે માટે તેમને માછીમારી કરવા માટે અતિવૃષ્ટિમાં થયેલી નુકશાનીનું વળતર ચૂકવવા અથવા નેટનું વિતરણ કરવાની માંગ કરવામાં આવેલ છે જે વહેલી તકે માછીમારોનો ગંભીર પ્રશ્ર હલ થાય તેવી રજુઆત કરાઈ છે

(12:17 pm IST)