Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બે દિ'માં કચ્છમાં દે ધનાધનઃ મુન્દ્રા-૮, રાપર-૭, ભચાઉ-અંજાર પ, ગાંધીધામ ૪ માંડવી ૧II , ભુજમાં ૧ ઇંચ

મુન્દ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તાર પાણી પાણી, રાપર-ભચાઉ-ગાંધીધામ અને અંજારમાં પણ વરસાદની જોરદાર જમાવટ, હજીયે ધાબડીયો માહોલ

ઓમાન તરફ વાવાઝોડાના પગલે કચ્છમાં પલટાયેલા હવામાન વચ્ચે કચ્છમાં શનિવાર રાતથી અને રવિવાર આખો દિવસ પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજારથી મુન્દ્રા, માંડવી તરફની કાંઠાળ પટ્ટીમાં વરસાદી માહોલ જામ્યો હતો.

આ બે દિવસ દરમ્યાન રીતે ગાંધીધામ માં ચાર ઇંચ, માંડવીમાં દોઢ ઇંચ, અંજારમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી જગ્યાએ છૂટો છવાયો ધોધમાર વરસાદ પડ્યો હતો. પણ, મેદ્યરાજા સૌથી વધુ મુન્દ્રા શહેર ઉપરાંત મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને રાપર શહેર તેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ મહેરબાન રહ્યા હતા અને શનિ-રવિ દરમ્યાન મુન્દ્રામાં આઠ ઇંચ વરસાદ પડી ગયો હતો. મુન્દ્રા તાલુકામાં ઘણા ગામોમાં ઓછા વરસાદની બુમરાણ પણ હતી, પણ, ભાદરવાની વિદાય દરમ્યાનમાં મેઘરાજાએ મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં એકસરખું વ્હાલ વરસાવ્યું હતું, સતત ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. આમ, મોડે મોડે મુન્દ્રા પંથકના ગામોના નદી, નાળા, ચેકડેમ વરસાદના કારણે છલકાઈ ઉઠ્યા છે.

જયારે રાપરમા પણ મેદ્યરાજાએ જોરદાર જમાવટ કરી હતી. જોકે, કચ્છના અન્ય તાલુકાઓ ગાંધીધામ, ભચાઉ, અંજાર, માંડવી અને ભુજમાં પણ ધીમો ધીમો વરસાદ ઝાપટા રૂપે ચાલુ રહ્યો હતો. આજે સોમવારે પણ સવારથી જ આખાયે કચ્છમાં ભીનું, ભેજવાળું વાતાવરણ છે અને વરસાદી માહોલ છે. ભુજમાં આગ ઝરતી ગરમી વચ્ચે વરસાદને પગલે ઠંડક થઈ છે. કુલ સાત તાલુકાઓમાં વરસાદ છે, જયારે કચ્છના ત્રણ તાલુકાઓ નખત્રાણા, અબડાસા અને લખપતમાં ઝાપટા છે. પણ, કયાંક કયાંક ગ્રામ્ય વિસ્તરોમાં છૂટો છવાયો વરસાદ છે.

(11:57 am IST)