Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હસ્નાપુર, મધુવંતી, આંબાજળ સહિત જૂનાગઢ જિલ્લાનાં ૧૧ ડેમ ફરી ઓવરફલો

મછુન્દ્રી, રાવલ અને હિરણ-બે ડેમ પણ છલોછલ

જુનાગઢ તા. ૩૦: સતત વરસાદથી હસ્નાપુર, મધુવંતી, આંબાજળ સહિત જૂનાગઢ જિલ્લાનાં ૧૧ ડેમ ફરી ઓવરફલો થયા હોવાનાં સમાચાર છે.

સૌરાષ્ટ્ર અને સોરઠમાં શનિવારથી મેઘરાજાએ મુકામ કર્યો છે આજે પણ થાકયા વગર મેઘરાજા કૃપા વરસાવી રહ્યા નદી, નાળા, ડેમો છલકાય ગયા છે.

જુનાગઢ સ્થિત સિંચાઇ વિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ તમામ ડેમોમાં ઉપરવાસ વરસાદથી પાણીની વિપુલ આવક છે. જેમાં અનેક ડેમો ઓવરફલો થયા છે.

જુનાગઢને પીવાનું પાણી પુરૃં પાડતો ગિરનાર જંગલમાં આવેલ હસ્નાપુર ડેમ ફરી ઓવરફલો થયો છે.

આ જ પ્રમાણે આણંદપુર ડેમ, વિલીંગ્ડન ડેમ પણ નવેસરથી છલોછલ થયા છે. જુનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર શનિવાર રાતથી ઓવરફલો છે.

સિંચાઇ વિભાગનાં સુત્રોનાં વધુમાં જણાવ્યા મુજબ હિરણ-૧, મધુવંતી, આંબાજળ, ઓઝત-બે, મોટા ગુજરીયા, વૃજળી, બાંટવા ખારો, ઝાંજશ્રી, ધ્રાુફડ સહિતનાં ડેમો ઓવરફલો થયેલ છે.

આ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાનો હિરણ-બે, મછુન્દ્રી, રાવલ ઉપરાંત પોરબંદર જિલ્લાનો શિંગોડા, અમીપુર, અડવાણા, ફોદાળા અને સારણ ડેમ ઓવરફલો થયા છે.

આ તમામ ડેમોની નીચે આવતાં ગામોનાં લોકોને સલામત સ્થળે ખસી જવા સાવચેત કરવામાં આવ્યા છે.

(11:57 am IST)