Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

માતાના મઢે પહેલા જ નોરતે ૧ લાખ લોકો ઉમટ્યાઃ ટ્રાફિક જામઃ પાંચ કી.મી. લાંબી વાહનોની કતાર

ભકતોના ઘોડાપુર વચ્ચે ગોંડલના કંડકટરને હાર્ટએટેક આવતા મોતઃ બાઇકો ઉંધા વળ્યાઃ ૮ને ઇજા

ભુજ, તા.૩૦: રવિવારે કચ્છમાં માતાના મઢ તરફ દર્શનાર્થીઓના ભારે ઘસારના કારણે ટ્રાફિક જામ થયો હતો. જોકે, છેલ્લા બે દિવસ શુક્ર અને શનિવાર દરમ્યાન ૫૦ હજાર દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. પ્રથમ નોરતે રવિવારે વાહનો અને પગપાળા યાત્રિકોના ભારે દ્યસારાના કારણે માતાના મઢમાં મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. વહેલી સવારથી જ પદયાત્રીઓ ઉપરાંત, બાઇકો, છકડો રિક્ષાઓ, તુફાન જીપો, મીની ટેમ્પો, એસટી બસો અને ખાનગી કારો સહિતના વાહનો સાથે શ્રદ્ઘાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેને પગલે આવવા અને જવા બન્ને તરફનો હાઇવે રોડ વાહનોથી ઉભરાઈ જતાં પાંચ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. લાંબી લાંબી વાહનોની કતારોમાં સૌ અટવાયા હતા. જોકે, ટ્રાફિક વ્યવસ્થાને પાટે ચડાવવા પોલીસને નાકે દમ આવી ગયો હતો. પોલીસની મદદે અન્ય સેવાભાવી લોકો પણ આવ્યા હતા.

ઘટસ્થાપન વિધિ બાદ મહાપ્રસાદઃ મોબાઈલ ફોન-કેમેરાની મનાઈ

ચૌદશ અને અમાસના શુક્ર-શનિ દરમ્યાન ૫૦ હજાર જેટલા શ્રદ્ઘાળુઓએ દર્શન કર્યા હતા. શનિવારે રાત્રે માતાના મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ટ્રસ્ટીઓ તેમ જ માઇભકતોની ઉપસ્થિતમાં દ્યટસ્થાપન વિધિ પૂર્ણ થયા બાદ વિધિવત રીતે અશ્વિન નવરાત્રિનો પ્રારંભ થયો છે. રવિવારે રજાનો દિવસ અને પ્રથમ નોરતું હોઈ સવારથી જ મોટી સંખ્યામાં ઉમટેલા ભકતો બપોર, સાંજ અને રાત સુધીમાં તો સતત વધતા ગયા હતા. જાણે માઇભકતોનું દ્યોડાપુર ઉંમટયું હોય તેમ એક જ દિવસમાં દર્શનાર્થીઓની સંખ્યા એક લાખને વટાવી ગઈ હતી. મંદિર પરિસરમાં લાંબી લાંબી લાઈનો લાગી હતી. રવિવારથી જ ઓધવરામ સમિતિ દ્વારા દિવસ રાત મહાપ્રસાદની વ્યવસ્થા પણ સુંદર રીતે શરૂ કરી દેવાઈ છે.

દરમ્યાન રવાપરથી માતાના મઢ વચ્ચે બન્ને તરફ આવતો જતો ટ્રાફિક જામ થયો હતો. જેને પગલે પાંચ કિલોમીટર સુધીની લાંબી લાઈનો સાથે હાઇવે ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા. ટ્રાફિક જામ વચ્ચે ગોંડલ માતાના મઢ માટે દોડતી સ્પેશિયલ બસના કંડકટર બકુલભાઈ ઈશ્વર જોશી (ઉ.૫૬, સાયણ સોસાયટી, ગોંડલ) ને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જોકે, ફરજ પરના પોલીસ કર્મચારીએ ટ્રાફિક જામ વચ્ચે બાઇક ઉપર તેમને માતાના મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા હતા. પણ, તેમનું  દુઃખદ મોત થયું હતું. હવે દરરોજ માતાના મઢ તરફ દર્શનાર્થે લોકોની ભીડ ઉમટશે જેને ધ્યાને લઈને પોલીસ, તંત્ર તેમ જ મંદિર દ્વારા સંયુકત રીતે વ્યવસ્થાનું આયોજન કરાયું છે, જે અનુસાર ગેટ નંબર ચાર માંથી દર્શન કરનારાઓને પ્રવેશ અને ગેટ નંબર ૩ માંથી મહાપ્રસાદ લઈને બહાર નીકળવાની વ્યવસ્થા કરાઈ છે. વાહનો ગામ, મંદિર અને બજારથી દૂર અલગ પાર્કિંગ વ્યવસ્થામાં પાર્ક કરવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. મંદિરમાં કેમેરા તેમ જ મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ છે.

શ્રદ્ઘાનું બળ- વરસાદ વચ્ચે  સેવાકેમ્પોની કસોટી

છેલ્લા બે દિવસ થયા કચ્છમાં વરસાદને પગલે પદયાત્રીઓ માટે મુશ્કેલીના મંડાણ થયા છે. જોકે, બે દિવસથી સારો એવો વરસાદ હોવા છતાંયે પદયાત્રીઓ અને સેવાકેમ્પના સેવાભાવી માઇભકતોની અનોખી શ્રદ્ઘાના દર્શન થયા હતા. ટાઢ, તડકાને સહન કરનાર પદયાત્રીઓની સફર વરસાદ અને વરસાદી માહોલ વચ્ચે પણ ચાલુ રહી હતી. વરસાદ પણ શ્રદ્ઘાળુઓની શ્રદ્ઘાને ડગાવી શકયો નથી. એજ રીતે, સેવાકેમ્પમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યું હતું, પણ, માતાના મઢ તરફ ડગ માંડનાર પદયાત્રીઓ અને વાહનચાલકોની સેવામાં સેવાકેમ્પ વરસાદના વિઘ્ન વચ્ચેય ધમધમતા રહ્યા હતા.

(11:41 am IST)