Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભાવનગરમાં પહેલા જ નોરતે ખૂનઃ બનેવીના ભાઇએ ગોળી મારી

ગોહિલવાડમાં ફાયરીંગના વધી રહેલા બનાવોઃ બહેન રિસામણે હોય તેની દાઝ રખાઇઃ લોન્ડ્રી કોન્ટ્રાકટર અબ્દુલ વહાબ શેખનો ભોગ લેવાયોઃ મુસ્લિમ સમાજમાં ચકચારઃ બનેવીના ભાઇ સહિત બે શખ્સો ફરાર

ભાવનગર તા. ૩૦ :.. ભાવનગરમાં નોરતાની પહેલી રાત્રે પોલીસ ચોકી નજીક યુવાન ઉપર ફાયરીંગ કરી ખુન કરાયાનો બનાવ બનવા પામ્યો છે. મૃતક યુવાનની બહેન રીસામણે હોય બનેવીનાં ભાઇ સહિત બે એ હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું છે.

મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં બોરતળાવ, ધોબી સોસાયટીમાં રહેતાં અને ઇસ્કોન કલબમાં લોન્ડ્રીનો કોન્ટ્રાકટ રાખી કામ કરતાં અબ્દુલ વહાબ ફકીર મહંમદ શેખ ઉ.૩પ  નામનો યુવાન પોતાનું એકટીવા નં. જી.જે. ૦૪, સી. ઇ. પ૯૦૧લઇ તેમનાં સસરા કાસમભાઇ ગફારનાં ઘેર મતવા ચોક તરફ જતો હતો ત્યારે રાત્રે એસ. ટી. સ્ટેન્ડ થી ચાવડી ગેઇટ તરફ જવાનાં રસ્તે ચાવડી ગેટ પોલીસ ચોકીથી થોડે દુર પહોંચો હતો ત્યારે બે શખ્સોએ ઘસી આવી ગળાનાં ભાગે રીવોલ્વરથી ગોળી મારી નાસી છૂટયા હતાં.

દરમ્યાન એક રીક્ષા ચાલકે યુવાનને રીક્ષામાં બેસાડી સારવાર માટે સરટી હોસ્પીટલ ખસેડાયેલ જયાં તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ બનાવની જાણ થતાં જ એ. ડીવીઝન પોલીસ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

ખુનનાં આ બનાવનાં કારણમાં મૃતક અબ્દુલ વહાબનાં બહેન છેલ્લા ઘણા સમયથી રીસામણે હોય આ બાબતની દાઝ રાખી બનેવીનાં ભાઇ સહિતનાં બે શખ્સો એ હત્યા  કરી હોવાનું ખુલવા પામ્યુ છે. આ અંગે એ. ડીવીઝન પોલીસે બે શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાનને સંતાનમાં એક પુત્ર છે પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં ફાયરીંગનાં બનાવો વધી રહ્યા છે. ગેરકાયદે હથીયારો કયાંથી આવી રહ્યા છે. તેનું મુળ શોધવાની જરૂર છે. તાજેતરમાં પણ ફાયરીંગથી હુમલા થવાનાં અનેક બનાવો બન્યા છે.

(11:39 am IST)