Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જસદણ પાસે લાખોની હિરાની લૂંટ: આરોપીઓની શોધખોળ

બોટાદના પાટી ગામના વેપારીઓ જસદણ ડાયમંડ માર્કેટમાં હિરાની લે-વેચ માટે આવતા હતા ત્યારે કારને આંતરી ૪ લૂંટારૂઓ ૧પ.૧૯ લાખના હિરા-રોકડ લૂંટી ગયા અને લૂંટારૂઓની કાર સી.સી. કેમેરામાં કેદ

આટકોટ, તા. ૩૦ : જસદણના સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં રવિવારે ભરાતી હિરા માર્કેટમાં બહારગામના દલાલો રફ અને પોલિસ હિરાનો વેપાર કરવા જસદણ આવતા હોય છે ત્યારે ગઇકાલે બોટાદના પાટી ગામના હિરાના વેપારીઓ લાખો રૂપિયાના હિરા લઇ જસદણ આવતા હતાં ત્યારે જસદણના ગોડલાધાર ગામ પાસે ધોળે દિવસે પ૦ લાખ રૂપિયા જેટલા હિરાની લૂંટ ચલાવી લૂંટારૂઓ હવામાં ઓગળી ગયા હોય સનસનાટી ફેલાઇ જવા પામી છે. જોકે પોલિસ ચોપડે પંદર લાખની જ લૂંટ બતાવવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બોટાદના પાટી ગામના વતની જસમતભાઇ ધરમશીભાઇ મોરડીયા લેઉવા પટેલ ઉ.વ.પપ, રાજેશ અમૃતભાઇ ગોહેલ, શૈલેષ ભગવાનભાઇ કળથીયા અને ભુદરભાઇ જેરામભાઇ દલસાણીયા, જી.જે.૩૩-બી-પ૩૦૩ નંબરની કારમાં જસદણ સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં હિરા વેચવા આવતા હતાં.

આ દરમિયાન સવારે ૧૧ વાગ્યા આસપાસ જસદણ ઘેલાસોમનાથ રોડ ઉપર ગોડલાધાર અને માધવીપુર ગામની વચ્ચે કાળાસર જવાના રસ્તા પાસે પાછળથી સિલ્વર કલરની સેન્ટ્રો કારમાં આવેલા ૪ લૂંટારૂઓએ ટેક કરી રોડ વચ્ચે ઉભી રાખી યુદ્ધના ધોરણે ૪ દરવાજામાંથી ૪ જણા કાર ચાલુ જ રાખી હાથમાં છરી અને ગુપ્તી જેવા હથીયારો લઇ ફરીયાદીની કારના ચારેય દરવાજે એક-એક લૂંટારૂ, દોડી આવ્યા હતાં.

આ દરમિયાન હિરાના વેપારીઓને ખ્યાલ આવી જતા શર્ટની અંદર બનીયાનના ખીચામાં રાખેલ હિરા સગેવગે કરવા લાગ્યા હતાં, પરંતુ લૂંટારૂઓ જોઇ જતાં હિરા આપી દેવા ધમકી આપી હતી. 

આમ છતાં જસમતભાઇએ પ્રતિકાર કરતા જસમતભાઇને ગળામાં, ખંભા પાસે અને અંગુઠામાં છરીથી ઇજા થઇ હતી, પરંતુ લૂંટારૂઓ, જસમતભાઇ પાસે હિરા તેમજ રાજેશભાઇ પાસેના હિરા લૂંટી લીધા હતાં.

બીજા બે વેપારીઓ પાસેના હિરા લુંટી લીધા હોત, પરંતુ રોડ ઉપર દૂરથી કોઇ વાહન આવતું લૂંટારૂઓ જોઇ જતાં નાસી છૂટયા હતાં.

વેપારીઓએ લૂંટારૂઓની નંબર પ્લેટ વગરની ગાડીમાં ઇજાગ્રસ્ત હાલતમાં પીછો પણ કર્યો હતો, પરંતુ લૂંટારૂઓ હવામાં ઓગળી ગયા હતાં.

આ દરમિયાન વેપારીઓએ જસદણ ડાયમંડ માર્કેટના પ્રમુખ ભીખાભાઇ રોકડને જાણ કરતા ભીખાભાઇએ જસદણ પોલીસને તુરંત જાણ કરી હતી, પરંતુ લૂંટારૂ નાસી છૂટયા હતાં.

ત્યારબાદ ઇજાગ્રસ્ત જસમતભાઇને જસદણના સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી અને રાત સુધી ફરીયાદીની ઉલટ-તપાસ કર્યા બાદ રાત્રે દસ વાગ્યે એસ.પી.ની હાજરીમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

આ બનાવની જાણ થતાં પોલીસે નાકાબંધી કરાવી હતી, પરંતુ આરોપીના સગડ મળ્યા નથી. નાકાબંધીમાં બોર્ડર પરના જીલ્લા મથકની પોલીસ પણ જોડાઇ હતી. તેમજ જસદણ-આટકોટ, ભાડલા, વિંછીયા, એલ.સી.બી. સહિત પોલીસ તપાસમાં લાગી હતી.

આ બનાવથી હિરા બજારમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે.

પોલીસ તપાસમાં ગઇકાલે જસદણ-ગઢડા રોડ ઉપર આવેલ જીવન શાળા સ્કૂલમાં લાગેલ સી.સી. ટીવી કેમેરામાં સીલ્વર કલરની કાર કેદ થઇ ગઇ છે. પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી  છે.

આ બનાવની વધુ તપાસ જસદણના પી.આઇ વાણિયા ચલાવી રહ્યા છે.

પ૦ લાખના હિરાની લૂંટ, પરંતુ પોલીસ ફરીયાદમાં ૧પ લાખ !

આટકોટ, તા.૩૦ : જસદણની હિરાની લૂંટમાં હિરા તેમજ રોકડ રકમનો આંક પ૦ લાખ ઉપરનો હોવા છતાં પોલીસ ફરીયાદમાં ૧પ લાખ જેટલી લૂંટ બતાવવામાં આવતા હિરા બજારમાં કચવાટ ફેલાઇ ગયો છે.

સવારે ૧૧ કલાકે બનાવ બન્યા બાદ  હિરાના વેપારીઓની અલગ-અલગ પૂછપરછ બાદ પોલીસે રાત્રે નવ વાગ્યા આસપાસ ફરીયાદ દાખલ કરી હતી.  ફરીયાદી અને જેનો વધુ માલ લૂંટાયો છે તેવા જસમતભાઇ સાથે ટેલીફોનીક વાતચીત દરમિયાન તેમણે લૂંટાયેલા હિરાની કિંમત પ૦ લાખથી વધુની હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસ ફરીયાદમાં માત્ર ૧પ લાખ જ હોવાનું જાણવા મળ્યું છે. આજે આ અંગે જસમતભાઇનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો ફોન બંધ આવે છે. (૮.૭)

કોની પાસેથી કેટલો મુદામાલ લુંટાયો

આટકોટ તા. ૩૦: જસદણની હિરા લુંટમાં ચાર વેપારીઓ પાસેથી લુંટારૂઓએ હિરા તેમજ રોકડ લુંટી લીધી હતી તેમાં મુખ્ય ફરીયાદી જસમતભાઇ ધરમશીભાઇ મોરડીયા પાસેથી ર૩૯ કેરેટ હિરા જેની કિંમત ૧૧ લાખ અને ચાર હજાર રોકઙ

સાહેદ રાજેશભાઇ અમૃતભાઇ ગોહેલ પાસેથી ૬૭ કેરેટ હિરા અને ૩ લાખ રોકડા.

બીજા સાહેદ સૈલેષ ભગવાનભાઇ કળશીયા પાસેથી ૮૦ હજાર રોકડા તેમની પાસે રહેલા હિરા બચી ગયા હતા જયારે ચોથા વેપારી અને આ બનાવના સાહેદ ભુદરભાઇ જેરામભાઇ દલસાણીયા પાસેથી ૩પ હજારની રોકડ રકમ સાથે કુલ ૧પ,૧૯,૦૦૦/- ની લુંટ થયાનું પોલિસ ચોપડે નોંધાયું છે.

જો કે આ લુંટનાં મુદામાલની કુલ કિંમત પ૦ લાખ જેટલી થાય છે તેવું ખુદ જસમતભાઇએ જ ગઇકાલે જણાવ્યું હતું.

(11:38 am IST)