Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

કેશોદના બિલ્ડર કેવલ સવાણીની હત્યાઃ ૪ લાખની લૂંટ

કન્સ્ટ્રકશનની સાઇટ ઉપર હતા ત્યારે અજાણ્યા શખ્સો મોતને ઘાટ ઉતારીને ફરારઃ કડવા પટેલ સમાજમાં અરેરાટી

જૂનાગઢ તા. ૩૦ :.. કેશોદમાં રાત્રે બિલ્ડર કેવલ સવાણી નામના કડવા પાટીદાર યુવાનની અજાણ્યા શખ્સો હત્યા અને તેણે પહેરેલ રૂ. ૪ લાખનાં દાગીનાની લુંટ ચલાવીને નાસી જતાં કેશોદ પંથકમાં ભારે સનસનાટી મચી ગઇ છે.

પોલીસે હત્યારાઓ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

આ હત્યાનાં બનાવની પ્રાપ્ત વિગતો એવી છે કે કેશોદમાં પ્લેટીનમ એપાર્ટમેન્ટ માં રહેતા અને કન્સ્ટ્રકશન કરતા કેવલ રમેશભાઇ સવાણી (ઉ.ર૮) ની મોડી રાત્રે નિર્મમ હત્યા થયાની વિગતો સામે આવી છે.

મરનાર યુવાન રાત્રે ૧૧.૩૦ ના અરસામાં કેશોદના મોતીનગર ખાતે એપાર્ટમેન્ટની  કન્સ્ટ્રકશન સાઇટ પર હતો ત્યારે તેણી હત્યા નીપજાવવામાં આવી હતી.

અજાણ્યા શખ્સોએ કેવલ ઉપર તિક્ષ્ણ  હથિયાર અને બોથડ પદાર્થ વડે હૂમલો કરી માથા તથા મોઢાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

આથી કેવલનું સાઇટ પર મૃત્યુ થયુ હતું હત્યારાઓ કેવલે પહેરેલ સોનાની ૮ વીંટી  અને સોનાનો ચેન મળી કુલ રૂ. ૪ લાખના દાગીના અને એન્ડ્રોઇડ મોબાઇલની લૂંટ ચલાવીને નાસી ગયા હતાં.

મરનાર યુવાન મોડી રાત સુધી ઘરે પરત નહિ આવતા પરિવારજનોએ શોધખોળ કરતા કેવલનો લોહીથી લથપથ મૃતદેહ તેની પોતાની કન્સ્ટ્રકશનની સાઇટ પરથી જ મળી આવ્યો હતો.

આ હત્યાના પગલે પીઆઇ ઝાલાએ સ્ટાફ સાથે દોડી જઇ પાટીદાર યુવકની લાશ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.

પીઆઇ ઝાલાએ મૃતકનાં પિતા રમેશભાઇ અંબાવીભાઇ સવાણીની ફરીયાદ હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. (પ-૧૬)

(10:59 am IST)