Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

મરીને પણ અમર થઇ ગઇ ભચાઉની ૧૬ મહિનાની આ માસૂમ બાળકી રિયોના

રિયોના ભલે મૃત્યુ પામી પરંતુ કોઇ પ્રજ્ઞાચક્ષુને દ્રષ્ટિ અને કોઇ બાળકને જીવનદાન આપશે

અમદાવાદ તા. ૩૦ : રક્ષાબંધનનો તહેવાર મનોજ ઘેટિયા અને બીના ઘેટિયા નામના કપલ માટે દુઃખદ દિવસ સાબિત થયો. તહેવારના દિવસે આ કપલે પોતાની બાળકી રિયોના ગુમાવી. રિયોના ભલે મૃત્યુ પામી હોય પરંતુ કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યકિતને દૃષ્ટિ આપશે અને કોઈ બાળકને જીવનદાન આપશે. રિયોના ગુજરાતની બીજી સૌથી નાની ઓર્ગન ડોનર છે. તેના પિતાએ તેની આંખો અને કિડની દાન કરવાનો નિર્ણય લીધો છે.

૨૬મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે મનોજના મોટા ભાઈ હિતેશ અને તેમના પત્ની અને બે દીકરા મનોજના ઘરે ભચાઉ આવ્યા હતા. રિયોના અને તેની મોટી બહેન શ્રીવ્યા સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા આ પરિવાર ભેગા થયા હતા. સવારે લગભગ ૮.૩૦ વાગ્યે જયારે આ પરિવાર તહેવારની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો, રિયોના એકાએક પોતું મારેલા ફલોર પરથી લપસી પડી.

ઉલ્લેખનીય છે કે રિયોના હજી થોડાક સમય પહેલા જ ચાલતા શીખી હતી. પડી જવાને કારણે તેને એકાએક ખેંચ આવવા લાગી. ગાંધીધામ ખાતે આવેલી હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવી જયાંના ડોકટર્સે તેને રાજકોટ અથવા અમદાવાદ લઈ જવાની સલાહ આપી.

રિયોનાને તાત્કાલિક રાજકોટની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. રિયોનાના મામા કૌષિક જણાવે છે કે, મંગળવારે બપોરે ડોકટર્સે તેને બ્રેઈન-ડેડ જાહેર કરી. ડોકટર્સે તેમને સલાહ આપી કે જો રિયોનાના ઓર્ગન ડોનેટ કરશો તો અન્ય બાળકોને નવું જીવન મળી શકે છે. ડોકટરની સલાહથી રિયોનાના પિતા તો સહમત થઈ ગયા પરંતુ તેની માતાને કહેવું અશકય હતું.

રિયોનાના મામા આગળ જણાવે છે કે, અમને ડર હતો કે તે આ આઘાત સહન નહીં કરી શકે અન ઓર્ગન ડોનેશન માટે ઈનકાર કરી દેશે. બુધવારના રોજ જયારે સવારે ૭ વાગ્યે અમન તેનો મૃતદેહ મળ્યો અમે બીનાને આ વિષે જણાવ્યું. પરંતુ તે એટલા આઘાતમાં છે કે તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી. ઉલ્લેખનીય છે કે મનોજની ભચાઉમાં એક નાની ફેકટરી છે અને તેના ભાઈ સ્કૂલમાં શિક્ષક છે.

રિયોનાની બે કિડની IKDRC અમદાવાદ મોકલવામાં આવી અને રાજકોટની આઈ બેન્કમાં આંખો મોકલવામાં આવી. IKDRCના જણાવ્યા અનુસાર રાજકોટની એક વર્ષની ગ્રેસી અલ્પેશ લાખાણી સૌથી નાની ઉંમરે અંગદાન કરનાર ડોનર છે. ત્યારપછી બીજા ક્રમાંકે રિયોના છે. ડોકટર દિવ્યેશ વિરોજા જણાવે છે કે, રિયોનાને બ્રેઈન હેમરેજ થયુ હતું. તેના પરિવારે લીધેલો અંગદાનનો નિર્ણય વખાણવાલાયક છે. હું લોકોને મેસેજ આપવા માંગુ છુ કે જો નાના બાળકોના ઓર્ગન ડોનેટ કરી શકાતા હોય તો પછી મોટા લોકોએ અંગદાન કરવાથી ખચકાવું ન જોઈએ.(૨૧.૭)

(10:30 am IST)