Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં જસદણ પંથકમાં યોજાયેલ રકતદાન શિબિરમાં ૩૧૩ લોકોએ રકતદાન કર્યું

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૩૦: જસદણ વિછીયા સહકારી પરિવાર દ્વારા સૌરાષ્ટ્રના રાજકારણમાં સાવજનું ઉપનામ મેળવનાર સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં યોજાયેલી રકતદાન શિબિરમાં કુલ ૩૭૩ લોકોએ રકતદાન કર્યું હતું.

જસદણના દરબાર સાહેબ શિવરાજકુમાર ખાચર માર્કેટિંગ યાર્ડ ખાતે જસદણ અને વીંછિયા તાલુકા સહકારી પરિવાર દ્વારા યોજાયેલા રકતદાન કેમ્પમાં કુલ ૧૬૪ લોકોએ તેમજ જસદણ તાલુકાના સાણથલી ગામે સાણથલી જુથ સેવા સહકારી મંડળીના સહયોગથી સાણથલી મંડળી ખાતે યોજાયેલા રકતદાન કેમ્પમાં ૨૦૯ લોકોએ રકતદાન કર્યું હતું. આમ જસદણ તાલુકાના બંને સ્થળોએ મળીને કુલ ૩૭૩ લોકોએ રકતદાન કરી સેવાભાવના દાખવી હતી. આ પ્રસંગે જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અરવિંદભાઈ તાગડીયા, વાઇસ ચેરમેન પ્રાગજીભાઈ કુકડીયા, વિછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઇ જોગરાજીયા, જસદણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંદ્યના પ્રમુખ કાળુભાઈ તલાવડીયા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રુપારેલીયા, જસદણ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયા, રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેન્ક જસદણ શાખાના ઝોનલ ઓફિસર હર્ષદભાઈ કાકડીયા સહિતના આરડીસી બેંકના કર્મચારીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો વગેરે હાજરી આપી હતી. ગોંડલની આસ્થા બ્લડ બેન્ક દ્વારા રકત એકત્ર કરવાની કામગીરી સંભાળવામાં આવી હતી. રકતદાન કરનાર તમામ રકતદાતાઓને સ્મૃતિ ભેટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં તેમની પ્રથમ માસિક પુણ્યતિથિએ જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રકતદાન કેમ્પમાં ફુલ ૧૬૬૨ લોકોએ રકતદાન કરીને રેકોર્ડ બનાવ્યો હતો.

(1:17 pm IST)