Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

હવે અમરેલીમાં પણ બનશે એરક્રાફ્ટઃ એરફિલ્ડ નજીક ૮.૫ વીઘા જમીન પર ચાલી રહ્યું છે મેન્યુફેકચરિંગ પ્લાન્ટનું નિર્માણ ૧૫૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ

બધુ પ્લાન મુજબ ચાલ્યું તો, વર્ષના અંત સુધીમાં વિમાન નિર્માણની કામગીરી જોરશોરથી શરૂ થઈ જશેઃ રાજયના નાગરિક ઉડ્ડયન વિભાગે અમદાવાદ સ્થિત એરો ફ્રેયર ઇન્ક સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છેઃ એરો ફ્રેયર ઇન્કે US, જર્મની અને ઇટાલી સહિતના દેશોની કંપનીઓ સાથે ટેકનોલોજી ભાગીદારી કરી છે

અમદાવાદ/અમરેલી, તા.૩૦: અમરેલીમાં ૧૫૦ કરોડના રોકાણ સાથે એરક્રાફ્ટ યુનિટ શરૂ થશે. જો બધુ યોજના મુજબ ચાલ્યું તો ૨૦૨૧ના અંત સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી ખાતે વિમાન નિર્માણની કામગીરી જોરશોરથી શરૂ થઈ જશે. રાજયના નાગરિક ઉડ્ડયન વિભાગે ગુરુવારે અમદાવાદ સ્થિત એરો ફ્રેયર ઇન્ક સાથે અમદાવાદમાં ફ્લાઇટ ટેસ્ટિંગ અને MRO (મેઈન્ટેનન્સ, રિપેરિંગ, ઓપરેશન્સ) ફેસિલિટીઝ સાથે એરક્રાફ્ટ મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપવા માટે પ્ંશ્ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે.

તાજેતરમાં સમાવિષ્ટ કંપનીએ ટૂ સીટર અને ફોર સીટર એરક્રાફ્ટ અને એર એમ્બ્યુલન્સ માટે ઉત્પાદન સુવિધા સ્થાપવા રૂ. ૧૫૦ કરોડનું રોકાણ કર્યું છે. ગુજસેલ ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે, 'આ પ્રોત્સાહક છે કે, ગુજરાત સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે આજે એરો ફ્રેયર ઇન્ક સાથે ગુજરાતમાં ફ્લાઇટ ટેસ્ટિંગ અને MRO ફેસિલિટી સાથે એરક્રાફ્ટ મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા છે.'

ગુજસેલ ઈન્ડિયાના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે, 'ભવિષ્યમાં ખાનગી અને અન્ય ઉપયોગો માટે નાના એરક્રાફ્ટની ઉત્કૃષ્ટ માંગને ધ્યાનમાં રાખીને ઉત્પાદન સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.' ચૌહાણે ઉમેર્યું કે, અમરેલી ખાતેના એરફિલ્ડ નજીક ૮.૫ વીદ્યા જમીન પર હાલ મેન્યુફેકચરિંગ પ્લાન્ટનું નિર્માણ ચાલી રહ્યું છે. એરફિલ્ડનો ઉપયોગ વિમાનના પરીક્ષણ માટે કરવામાં આવશે.

એરો ફ્રેયર ઇન્કના CEO અભિમન્યુ દેથાએ જણાવ્યું હતું કે, અમે આ વર્ષના અંત સુધીમાં અમારા પ્રથમ વિમાનનું ઉત્પાદન પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ પ્લાન્ટનો ઉપયોગ હેલિકોપ્ટર અને ફિકસ્ડ વિંગ ગ્લાઈડર્સને એસેમ્બલ કરવા માટે પણ કરવામાં આવશે. નાના એરક્રાફ્ટ સ્પોર્ટિંગ એકિટવિટિઝ, એરિયલ સર્વે, કોર્પોરેટ યુઝ, ડિફેન્સ ટ્રેનિંગ અને પાઇલટ ટ્રેનિંગ સેન્ટર્સ માટે ઉપયોગી છે.

દેથાએ કહ્યું કે, કંપનીની આગામી ત્રણથી ચાર વર્ષમાં તબક્કાવાર રૂ .૫૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના છે. નાના એરક્રાફ્ટના ઉત્પાદનની સાથે સાથે કંપની મિડ સાઈઝ એરક્રાફ્ટનું અંશત ઉત્પાદન પણ કરશે, જેમાં પાર્ટ્સ ઈમ્પોર્ટ કરવામાં આવશે. એરો ફ્રેયર ઇન્કએ સર્બિયા, સ્લોવેનીયા, યુ.એસ, જર્મની અને ઇટાલીની કંપનીઓ સાથે ટેકનોલોજી ભાગીદારી કરી છે.

(11:13 am IST)