Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ડ્રગ્સ માફિયા શાહીદ સુમરાને આતંકવાદી સંગઠનો સાથે કનેકશન

માંડવીના આદમ સુમરા સાથે મળી માછીમારો સાથે નેટવર્ક ગોઠવ્યું: પંજાબ સરહદ બંધ થતાં ત્રણ વર્ષથી કચ્છ - સૌરાષ્ટ્રના દરિયાઇ માર્ગે કેફી દ્રવ્યોની હેરાફેરી : તપાસ માટે કચ્છ લવાય તેવી શકયતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : ૨૫૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલ શાહીદ કાસમ સુમરા સબંધિત એટીએસની તપાસમાં અનેકવિધ સિલસિલાબંધ હકીકત બહાર આવી રહી છે. દેશમાં 'ઉડતા પંજાબ'ના નામે કેફી દ્રવ્યો સબંધે ચર્ચાનું કેન્દ્ર બન્યા પછી પંજાબમાં ડ્રગ્સ માફીયાઓ સામે ગાળિયો કસાયા બાદ ડ્રગ્સ માફિયાઓને દેશમાં ડ્રગ્સ ઘુસાડવા ડ્રગ્સ પેડલર તરીકે કામ કરતા શાહીદ સુમરાએ નેટવર્ક ગોઠવવામાં મદદ કરી.

મૂળ કચ્છના માંડવીના શાહીદ સુમરાએ પોતાના સ્થાનિક સંપર્કને આધારે નેટવર્ક ગોઠવ્યું. માંડવીમાં જ રહેતા આદમ સુમરા અને અન્ય માછીમારો સાથેના નેટવર્ક ના આધારે ૨૦૧૮ થી વાયા કચ્છ સૌરાષ્ટ્રના દરિયાઈ માર્ગે ગુજરાતના રસ્તે કેફી દ્રવ્યો ઘૂસાડવાનો સિલસિલો ચાલુ થયો.

દેવભૂમિ દ્વારકા અને જખૌના દરિયા માંથી પાંચ પાકિસ્તાનીઓની સાથે ઝડપાયેલ નૂહ બોટમાં ૩૦ કિલો હેરોઈન મળ્યું. કચ્છથી પંજાબ ટ્રક વાટે પંજાબના ડ્રગ્સ માફીયાઓ રેશમપાલસિંહ, સિમરનજીતસિંહ સાથેની કડીઓ ખુલ્લી. ગુજરાત એટીએસ દ્વારા સતત વોચ રાખવામાં આવી અને શાહીદ કાસમ સુમરા દુબઈથી દિલ્હી આવતાં સાથે ઝડપાઈ ગયો.

શાહીદ ૨૫૦૦ કરોડના પંજાબના હેરોઈન પ્રકરણમાં પણ આરોપી છે. નાર્કોટિકસના અન્ય ગુનાઓ પણ જેના ઉપર નોંધાયેલા તે શાહીદ સુમરાનું આતંકવાદી કનેકશન ખુલ્યા છે.  ગુજરાત, મહારાષ્ટ્ર અને કાશ્મીરમાં શાહીદનું કેફી દ્રવ્યોનું નેટવર્ક ગોઠવાયેલું છે. શાહીદને વધુ તપાસ માટે કચ્છ લવાય તેવી શકયતા છે. જોકે, આ કેસમાં હજી વધુ કડાકા ભડાકા થશે.

(11:11 am IST)