Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

પોરબંદરમાં કોરોના સામે તકેદારી માટે રાજયની આરોગ્ય સવલતો ઘટીઃ રામદેવભાઇ મોઢવાડીયા

શહેરને સંપુર્ણ સેનેટાઇઝ કરાતુ નથીઃ સરકારી હોસ્પીટલમાં પેરા મેકડીકલ સ્ટાફ અપુરતો

પોરબંદર, તા., ૩૦: તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢ વાડીયાએ જણાવ્યું કે પોરબંદરમાં કોરોનાના સંક્રમણ પહેલાની રાજયની આરોગ્ય સવલતો હતી તેમાં પણ અત્યારે ઘટાડો થયો છે અને શહેરને સેનેટાઇઝ કરવામાં આવતું નથી એટલુ જ નહી કોરોના પોઝીટીવ દર્દીઓના આંકડાઓ ઓછા બતાડવાની ભાજપ સરકારની રમતમાં તંત્ર પણ ભાગીદાર બની રહયું છે જે પોરબંદરવાસીઓ માટે ચિંતાજનક છે.

કોંગ્રેસઅગ્રણી રામદેવભાઇએ જણાવેલ કે ભાવસિંહજી હોસ્પીટલમાં કોરોનાના પગલે કરવામાં આવેલા લોકડાઉન પહેલા ૧૧ મેડીકલ ઓફીસરો એટલે કે ડોકટરો હતા તેમાંથી ત્રણ મેડીકલ ઓફીસરોએ રાજીનામા આપી દીધા છે અને અત્યારે માત્ર ૮ જ મેડીકલ ઓફીસરોના ભરોસે ભાવસિંહજી હોસ્પીટલનું તંત્ર ચાલી રહયું છે. હાલની સરકારી ભાવસિંહજી હોસ્પીટલના જુના બિલ્ડીંગને કોવીડ હોસ્પીટલમાં પરીવર્તીત કરી દેવામાં આવી છે અને સરકારી હોસ્પીટલને નર્સીગ કોલેજના બિલ્ડીંગમાં ફેરવી દેવામાં આવી છે. હાલમાં કોરોના પોઝીટીવ સિવાયના દર્દીઓ અને કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ કે જેમના રીપોર્ટ ન આવે ત્યાં સુધી આવા દર્દીઓને નર્સીગ કોલેજના બિલ્ડીંગમાં કાર્યરત કરેલ કામચલાઉ  હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવે છે. ભાવસિંહજી હોસ્પીટલમાં પેરા મેડીકલ સ્ટાફ ફરજ પર છે તેમાં કાયમી ફરજ પરના પેરા મેડીકલ કર્મચારીઓ જુજ જ છે. મોટાભાગનો પેરા મેડીકલ સ્ટાફ કોન્ટ્રાકટરો દ્વારા ફાળવાયેલો અને એ પણ અપુરતો છે.

કોરોના દર્દીઓમાં ઓફસીજન લેવલ ઓછું થવા માટે ટોસીલીઝુમેબ ઇન્જેકશન આપવું પડે છે આ ઇન્જેકશન આપતા પહેલા દર્દીઓના ખાસ રીપોર્ટ કરાવવો ફરજીયાત છે. રીપોર્ટની પોરબંદરમાં વ્યવસ્થા ન હોવાને કારણે આ રીપોર્ટ રાજકોટ કરાવવો પડે છે અને જે બે દિવસે મળે છે. કયારેક લોહીના સેમ્પલ પણ રસ્તામાં જ જામી જતા હોય છે અને આ ટેસ્ટ માટે ફરીથી સેમ્પલ મંગાવવુ પડે અને તેના બીજા બે દિવસ લાગી જાય છે. આ ટેસ્ટની રાહમા઼ ભાવસિંહજી હોસ્પીટલ ખાતે કોરોના પોઝીટીવ આવેલ ટુકડા ગોસા ગામના એક દર્દીનું મૃત્યુ પામ્યા હતા.

સરકારી ભાવસિંહજી હોસ્પીટલમાં અત્યારે ૪૦ મીલીગ્રામના ર ટોસીલીઝુેમેબ ઇન્જેકશન છે. આ ઇન્જેકશન એક મીલીગ્રામ, ૧ કિલો વજન એ રીતે આપવાના હોય છે જેથી ૮૦ કીલો વજનવાળા દર્દીને આપવામાં આવે છે. રેમડીસેવર ઇન્જેકશન સરકારી હોસ્પીટલમાં ઉપલબ્ધ નથી.

એક મહિનામાં ર૬ લાખ રૂપીયા લેખે ઠકરારહોસ્પીટલને ૩ મહિના કોવીડ હોસ્પીટલ તરીકે રાખેલ હતી હવે આ હોસ્પીટલને કોવીડ હોસ્પીટલ તરીકે કરેલો ભાડા કરર સમાપ્ત કરી દીધેલ છે. અત્યારની ભાવસિંહજી હોસ્પીટલમાં આખા જનરલ વોર્ડના રપ દર્દીઓ વચ્ચે બે જ શૌચાલય આવેલા છે એવા સંજોગોમાં જયારે શહેરમાં સંક્રમીત દર્દીઓની સંખ્યા વધવામાં આવી રહયા છે ત્યારે ઠકરાર હોસ્પીટલને કોવીડ હોસ્પીટલમાં સત્વરે ફેરવવી જોઇએ.નર્સીગ  કોલેજમાં કાર્યરત સરકારી હોસ્પીટલમાં લીફટ સુવિધા નથી.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે સરકારની પ્રથમ માર્ગદર્શિકા મુજબ કોરોનાના દર્દીઓને ૧૪ દિવસ અને છેલ્લો રીપોર્ટ નેગેટીવ આવે પછી જ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવતી હતી અને બીજી માર્ગદર્શિકા મુજબ ૧૦ દિવસ પછી રજા આપવાનું જણાવેલ હતું. છેલ્લી માર્ગદર્શિકા મુજબ કોરોનાના  દર્દીને ૪-પ દિવસમાં જ નેગેટીવ રીપોર્ટ આવે એ પહેલા જ રજા આપી દેવાય છે અને આવા દર્દીઓને તેમના ઘરે સારવારની કોઇ વ્યવસ્થા રાજય સરકાર કરતી નથી.

શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે અસરકારક રીતે ટોટલ સેનીટાઇઝેશનની કામગીરી સતત ચાલુ રાખવા માટે રામદેવભાઇ મોઢવાડીયાએ રાજય સરકાર પાસે માંગણી કરી છે.

(12:49 pm IST)