Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ઉનામાં વારંવાર થતી ચોરી રોકવામાં પોલીસ નિષ્ફળઃ ૧૧ હીરાના કારખાનામાં ચોરીનું પગેરૂ મળતું નથી

ઉના તા. ૩૦ :.. શહેરમાં એસ. ટી. ડેપો સામે ભરચક વિસ્તારમાં આવેલ શકિત કોમ્પલેક્ષમાં રાત્રીના તસ્કરોએ એક સાથે ૧૧ હીરાના કારખાનાના તાળા તોડી ૩ લાખ ૭ર હજાર જેવી માતબાર રકમના હીરા અને રોકડ રકમની ચોરી કરી નાસી જતા ઉના પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વારંવાર થતી ચોરીના બનાવવા પોલીસ નિષ્ફળ રહી છે.

ઉના એસ. ટી. ડેપોની સામેના ભાગે આવેલ કોમ્પલેક્ષમાં હીરાના કારખાના આવેલ છે. તે પૈકી શકિત કોમ્પલેક્ષના ત્રણ માળના આવેલા અગીયાર જેટલા હીરાના કારખાનામાં એકી સાથે ચોરી થતાં આ અંગે પોલીસમાં નીતિનભાઇ બાલુભાઇ છોડવડીયા પટેલએ ફરીયાદ નોંધાવતા જણાવેલ કે પોતાના કારખાનાના બંધ મુખ્ય જાળીના નકુચા તોડી પ્રવેશ કરી હિરા નંગ-૧રપ કિંમત રૂ. ત્રણ લાખ તેમજ રોકડ રૂ. ર૧પ૦૦,૦૦ ના હીરા તેમજ અજીતસિંહના કારખાનામાંથી રૂ. ૬૦૦૦,૦૦ મળી. કુલ રૂ. ૩ લાખ ૭ર હજાર પ૦૦ ની ચોરી થયા અંગેની ફરીયાદ નોંધાવેલ છે.

આ કોમ્પલેક્ષમાં આવેલ રમેશભાઇ મસરીભાઇ ડાંગોદરા, ચંદુભાઇ ઘનશ્યામભાઇ ગજેરા, દેવશીભાઇ અરજણભાઇ બાલધા, મનાભાઇ અરસીભાઇ નકુમ, (ચોચકવડવાળા), વિપુલભાઇ બાલુભાઇ ખડાધાર વાળા, દિનેશભાઇ ચાંચકવડ વાળા, ધનજીભાઇ ભાવનગર વાળા, નાનજીભાઇ સામતેરવાળા વિગેરેના કારખાના આ કોમ્પલેક્ષમાં આવેલ હોય તસ્કરોએ તેને નિશાન બનાવેલ પરંતુ કોઇપણ  ચીજ વસ્તુ ગયેલ નહીં. આ બનાવના પગલે ઉના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ સમગ્ર બનાવની વિગતો મેળવી આ અંગેની ફરીયાદ નોંધી ઉનાના પી.આઇ. ખાંભલાએ તપાસનો દોર સંભાળેલ અને તાત્કાલીક ડોગ સ્કોડ તેમજ એફ. એસ. એલ. અને ગીર સોમનાથ જીલ્લા એલ. સી. બી. પોલીસે તપાસમાં જોડાઇ અને ચોરીનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધર્યા છે.થોડા દિવસ પહેલા સંજયભાઇ દવેના મકાનમાં પણ તસ્કરો ખાબકી ૮૦ હજારના સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતાં. તેમજ એસ. ટી. ડેપો પાસેથી એક બાઇકની ચોરી સહિતની ચોરીના બનાવો બને છે. શહેર અને તાલુકામાં કડક અમલદાર હોવા છતાં પણ પોલીસને પડકાર આપી તસ્કરો વારંવાર ચોરીની ઘટનાને અંજામ આપી કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતા હોવા છતાં આજ સુધી બનેલી નાની કે મોટી ચોરીની ઘટનાના આરોપીને પકડી પાડવામાં પોલીસ નિષ્ફળ જતાં પોલીસની સામે પ્રજાનો આક્રોશ ઉઠી રહ્યો છે.

(12:12 pm IST)