Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા ભાવિકો માટે નિઃશુલ્‍ક ભોજનની સુવિધાને આવકારતા ભક્‍તજનો

નિઃશુલ્‍ક અન્‍નક્ષેત્રનો દરરોજ મોટી સંખ્‍યામાં લાભ લેતા ભાવિકો

વેરાવળ-પ્રભાસપાટણઃ દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે પ્રભાસ તીર્થમાંથી ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રતિવર્ષ સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશ-વિદેશના કરોડો ભક્તોને હવે સોમનાથ ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન પ્રસાદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ટ્રસ્ટીઓના નિ:શુલ્ક ભોજનાલયને મોટા પ્રમાણમાં લઈ જવાના નિર્ણયને શિવભકતો વધાવી રહ્યા છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, યાત્રાધામ સોમનાથમાં બારે માસ ભાવિકોનો ધસારો રહે છે. ત્યારે તહેવારોમાં અનેક ભાવિકોને ઊંચા ભાવે પણ ગુણવત્તા યુક્ત ભોજન મેળવવા સમસ્યા રહેતી હતી. સાથે ખાનગી હોટેલોમાં ભારે પૈસા ચુકવવા દરેક ભક્ત સક્ષમ પણ નથી હોતા. ત્યારે સોમનાથ ટ્રસ્ટની દિલ્હી ખાતે મળેલી બેઠકમાં ખાસ અમિતશાહ, નરેન્દ્ર મોદી, અડવાણી સહીતના ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો હતો કે સોમનાથમાં આવતાં તમામ ભાવિકોને વિના મુલ્યે ભોજન મળશે. ત્યારથી જ આ નિશુલ્ક અન્નક્ષેત્ર શરૂ કરાયું છે.

જ્યાં તમામ ભક્તો કોઈપણ ભેદભાવ વગર એકસમાન બેઠક વ્યવસ્થામાં સાથે બેસી જમી શકે છે. સાથે જ ભોજનાલયમાં જે સ્ટાફ છે, તે સ્વચ્છતાના ઊંચા ધોરણનું પાલન કરે છે. ભોજનાલય ભલે જ નિ:શુલ્ક હોય પરંતુ સન્માનની સાથે અને સુવિધા સભર બેઠક વ્યવસ્થામાં ભક્તોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. આ ભોજનમાં બે પ્રકારના શાક દાળ ભાત રોટલી અને વિશેષ દિવસોમાં મિષ્ટાનની વ્યવસ્થા રખાય છે.

સવારે અને રાત્રે બંને સમયે આ ભોજનાલય પ્રસાદ ગ્રહણ કરતા ભક્તોથી ભરેલું જોવા મળે છે. ત્યારે સોમનાથ આવતા મધ્યમ વર્ગીય લોકોને પણ પ્રશ્ન આ નિર્ણયથી ઘણો આર્થિક લાભ થયો છે અને તેમની મુસાફરી ખૂબ જ ઓછી ખર્ચાળ બની છે.

(4:51 pm IST)