Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

સિંચાઇ માટે મોરબી કેનાલમાં ૧૨૦૦, માળિયામાં ૮૦૦ અને ધ્રાંગધ્રામાં ૧૦૦૦ કયુસેક પાણી છોડાશે

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના સઘન પ્રયાસોથી ખેડૂતોને સિંચાઇ માટે નીર મળ્યા : પાણી છોડવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા બ્રિજેશ મેરજા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી માળિયા અને ધ્રાગંધ્રા વિસ્તારના ખેડુતોની સિંચાઈ માટે પાણીની માંગણીને ધ્યાને લઈ અવાર નવાર રજૂઆતો કરી હતી.જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મોરબી, માળિયા તેમજ ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી સરદાર સરોવર નર્મદા નિગમના મુખ્ય ઇજનેર, મેનેજિંગ ડિરેકટર, ચેરમેન, જળ સંપત્ત્િમંત્રી, નર્મદા રાજયમંત્રી તેમજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

આ રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ નર્મદાના નીરને આ ત્રણેય બ્રાન્ચ કેનાલમાં છોડવા હુકમ કર્યો છે.જે અંતર્ગત માળિયા બ્રાન્ચ કેનાલમાં ૮૦૦ કયુસેક પાણી, ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં ૧૦૦૦ કયુસેક પાણી તેમજ મોરબી બ્રાન્ચ કેનાલમાં ૧૨૦૦ કયુસેક પાણી છોડવામાં આવશે.

અષાઢી બીજનો વરસાદ હજી મન મૂકીને વરસ્યો નથી તે પહેલા જ ખેડુતોને આવડો મોટા ઉપહારનો વરસાદ રાજયમંત્રી બ્રિજેશભાઈ મરજાએ સરકાર પાસેથી અપાવ્યો છે.

રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખેડુતોની આ લાગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નર્મદા રાજયમંત્રી જીતુભાઈ ચૌધરી, જળ સંપત્ત્િમંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વગેરે સમક્ષ ભારપૂર્વક રજૂ કરી હતી જેથી આ ભગીરથ કાર્ય શકય બન્યું છે.

આ કાર્ય સફળ બનાવવા સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા અને વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરસોત્ત્મભાઇ સાબરિયા, સહકારી અગણી મગનભાઈ વડાવિયા, પૂર્વમંત્રી જયંતિભાઈ કાવડિયા, દુર્લભજીભાઈ દેથરિયાએ પણ જહેમત ઉઠાવી હતી.

મુખ્યમંત્રી ભૂેપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમણે રાજય સરકાર, મુખ્યમંત્રી ભૂેપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યકત કર્યો છે.

(1:01 pm IST)