Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જૂનાગઢ હનીટ્રેપની આરોપી ફરાર મહિલા ઝડપાઇ : જુગારમાં હારી જતા નાણાની જરૂરીયાતે નાટક કરવા તૈયાર થયેલી

સોની પ્લસ ચેનલના ક્રાઇમ પેટ્રોલનો એપિસોડ જોઇ આર્યનએ આખો પ્લાન બનાવ્યાની કબૂલાત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૩૦ : શહેરના ધોરાજી ચોકડી પાસે આવેલ રેલવે ફાટક ઉપર ગેટ કિપર તરીકે નોકરી કરતા, ફરિયાદી મુકેશભાઈ માધાભાઈ રાઠોડ ઉ.વ. ૩૪ રહે. રેલવે કોલોની, મામાદેવના મંદિર પાસે, ડેલા નં. ૨૧, જોશીપરા, અગ્રાવત ચોક પાસે, જૂનાગઢ સાથે બનેલ હની ટ્રેપના ગુન્હામા તાલુકા પોલીસ દ્વારા ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપીઓ (૧) સલમાન તૈયબભાઈ વિશળ જાતે ગામેતી ઉવ. ૨૭ રહે. રામદેવપરા, શકકરબાગ, જૂનાગઢ, (૨) બસિર ઉર્ફે ટકો હબીબભાઈ સુમરા જાતે મુસ્લિમ ઉવ. ૩૧ રહે. ૬૬ચ.વી., મહેતાનગર, જુનાગઢ, (૩) આર્યન યુનુસભાઈ  ઠેબા જાતે ગામેતી ઉવ. ૧૯ રહે. સાબલપુર, જૂનાગઢ ની કાઉન્ટર ટ્રેપ કરીને રાઉન્ડ અપ કરીને મુદામાલ સાથે પકડી પાડવામા આવેલ હતા.

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા  રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા હની ટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, ગુન્હાની ગંભીરતા પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલ બાકીની મહિલા આરોપીને પણ તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ હતી.

ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડિયા તથા સ્ટાફના એ.એસ.આઈ  સંતોકબેન, હે.કો.ભદ્રેશભાઈ, પો.કો. દિનેશભાઇ, કરણભાઇ, વિક્રમભાઈ, અજયભાઈ, રાહુલભાઈ, ભરતભાઇ, દીપકભાઈ, જૈતાભાઈ, સહિતના માણસોની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, મળેલ બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપી શબીના ઉર્ફે શબનમ ઉર્ફે શબ્બુ કાળાભાઈ પલેજા જાતે મુસ્લિમ ઉવ. ૩૩ રહે. ટીબાવડી, બસ સ્ટેન્ડ પાસે, જૂનાગઢને પણ પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ મહિલા આરોપી શબનમ ઉર્ફે શબ્બુ લાવારીસ જેવું જીવન ગુજરાતી હોઈ, જુગાર રમવાની ટેવ હોઈ, દાતાર રોડ ઉપર જુગાર રમવા જતા આરોપી સલમાન સાથે ઓળખાણ થયેલી અને જુગારમાં રૂપિયા હારી જતા, રૂપિયાની જરૂરિયાત હોવાથી હનીટ્રેપનું નાટક કરવા તૈયાર થયેલી હોવાની કબૂલાત કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી આર્યન ઠેબા સોની પ્લસ ચેનલ ઉપર આવતી સાવધાન ઇન્ડિયા, ક્રાઇમ પેટ્રોલ નામની સીરિયલમાં આવેલ એપિસોડ જોઈને હનીટ્રેપનો પ્લાન બનાવેલાની કબૂલાત કરતા, પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપી આર્યન દ્વારા સોની પ્લસ ચેનલ ઉપર આવતી સાવધાન ઇન્ડિયા નામની સીરિયલમાં એક એપિસોડ મા આ મોડસ ઓપરેનડીથી એક યુવાનને ફસાવી, લાખો રૂપિયા ખંખેરી લીધેલાનો કિસ્સો આવેલ હોઈ, એ જ સટાઇલથી ગુન્હો કરાવાનું નક્કી કરી, બાકીના આરોપીઓને આખો પ્લાન સમજાવેલ હોવાની અને એ પ્રમાણે ગુન્હો કરેલાની  કબૂલાત કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપીઓએ તાલુકા પોલીસની ટીમની પૂછપરછ દરમિયાન તમામને રૂપિયાની જરૂરિયાત હોવાથી આ પહેલી વાર જ ગુન્હો આચરેલાની કબૂલાત કરેલ હોઈ, આગળની તપાસ તાલુકા પીએસઆઈ પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:37 pm IST)