Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સાવરકુંડલાની કાળરાત્રિમાં જિંદગીને જીતવાની હોડ...એ મરજીવા નવલોહિયા યુવાન સોહીલ શેખ અને આસીફ કુરેશીએ માથે કફન બાંધીને વાવાઝોડાએ જીવન સુરક્ષા કાજે કરેલ શૌર્ય અને સાહસની અનોખી કહાની

માથે મોત ભમતું હોય; હૈયે જિંદગી જીતવાનાં જજબાત : આ કોઈ કલ્પિત પરિકથા નથી હોં ભાઈ : આ જ છે માવનજીવનની એક અલગ ભાત, જયારે જાગી ઊઠે છે સંવેદના કેરાં અહેસાસ, થઈ ઓળદ્યોળ જાય છે વારી, અહીં કુદરતનાં એ કેવાં અનોખા છે પ્રહાર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૩૦: 'સોહીલ શેખ' અર્થાત્ ચમકતો સિતારો. અને તેનાં મિત્ર આસીફ કુરેશી. અજબ જુગલબંધી ભાઈ બંધીની. આમ તો વાવાઝોડાની અસર પહેલાં સાવરકુંડલા શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં રહીશોને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ આ કાળામાથાનાં માનવીને એમ જલ્દી દ્યર છોડવાનું થોડું ગમે.. આમ પણ દરેકને પોતાના આશિયાનાનું વળગણ હોય એ પણ સ્વાભાવિક છે. શરૂઆતમાં લોકોએ પણ એ વાતને ઝાઝી ગંભીરતાથી લીધેલ ન હતી. અને વાવાઝોડાનો માર્ગ પણ હજુ એકદમ સ્પષ્ટ અને નિશ્ચિત હતો નહીં. જયાંસુધી આ વાવાઝોડા જમીન પર ન ઉતરે ત્યાંસુધી એકઝેટ લોકેશન મેળવવું પણ શકય ન હતું. પરંતુ સંભાવના તો આ વાવાઝોડાની આસપાસના વિસ્તારમાંથી પસાર થવાની પ્રબળ હતી. એટલે મોટાભાગના લોકો આમ ગણીએ તો આવનારી સંભવિત પરિસ્થિતિથી ગાફેલ જ હતાં. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો એ વાવાઝોડાની ભયાનકતાનાં એંધાણ દેખાવાના શરૂ થયાં.!! અને લગભગ રાત્રીનાં નવ વાગ્યા પછી તો ભાઈ સોહીલ શેખ અને આસીફ કુરેશી આ બંને નવયુવાનોએ લોકોને શાળા અને બોર્ડિંગ ખોલાવી કાચા મકાનવાળા લોકોને સ્થળાંતર કરાવવામાં લાગી ગયાં.. પરિસ્થિતિ જેમ જેમ વિકટ બની તેમ તેમ આ બંને મરજીવા યુવાનો બસ હવે કોઈ પણ ભોગે માનવ જિંદગીઓને સલામત સ્થળે ખસેડવી જ છે તેવાં દ્રઢ નિર્ધાર સાથે અલતાફભાઈ રાઠોડની મદદથી મણીનગર અબુબકર ઝકરીયા મસ્જિદ નાં દ્વાર ખોલાવી લોકોને મસ્જિદમાં આવવા માટે સમજાવ્યાં. આ સમય દરમિયાન લોકોનાં હાલચાલ પણ ટેલીફોન દ્વારા પૂછતાં જોવા મળ્યા. જયારે રાત જેમ પસાર થવાં લાગી અને પરિસ્થિતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું એટલે લોકોનાં ફોન આવવા ચાલુ થયાં અને એ વિકટ અને ચકલું પણ બહાર ન ફરકે એવી ભયંકર અને પવનનાં સુસવાટા વચ્ચે સોહીલ શેખ અને આસીફ કુરેશી લોકોનાં ઘર સુધી પહોંચી લોકોને મસ્જિદ સુધી પહોંચાડતાં જોવા મળેલ અહીં મસ્જિદમાં પેશ ઈમામ હમીદબાપુ કાદરી, અલતાફભાઈ રાઠોડ, પ્રમુખ યુનુસભાઈ દ્વારા બહારથી આવેલા તમામ લોકોને રહેવા માટે સગવડતા કરવામાં મદદરૂપ થયાં હતાં

આમ શહેરમાં જયાં જયાંથી કાચા મકાનો ધરાવતાં લોકોનાં ફોન આવતાં તે તમામ લોકોને જીવની પરવા કર્યા વગર ચાલુ વરસાદે સહીસલામત મસ્જિદ સુધી પહોંચાડ્યાં. આમ જેનાં માથે જીવનું જોખમ ઝળુંબતું હતું તેવાં લોકોને મસ્જિદમાં આશરો આપવાના કાર્યમા પ્રવૃત જોવા મળેલ.અહીં ઐશ્રર્યનું એક અનોખું રૂપ પણ જોવા મળ્યું. રાત્રિ તો કેમેય કરીને પસાર થઈ સવાર થતાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો વચ્ચે રહીને લોકોની શકય થાય તેટલી મદદ પણ કરતાં આ સોહીલ શેખ અને આસીફ કુરેશી જોવા મળ્યાં હતાં.

આમ જોવા જઈએ તો વાવાઝોડાં કરતાં પણ વધારે ભયંકર પરિસ્થિતિ વાવાઝોડાનાં પસાર થયા પછી જોવા મળી. જયાં ત્યાં વૃક્ષોનો સોથ વળી ગયેલ, કયાંક લોખંડ કે સિમેન્ટ પતરાં કે દેશી વિલાયતી નળિયા કે કોઈની દિવાલ તો કોઈ રસ્તા પર વીજળીનાં તાર અને વીજળીનાં થાંભલા રસ્તા વચ્ચે આડેધડ વેરવિખેર પડેલાં. રસ્તા પણ બ્લોક હતાં. એક ભયાનક વિભિષિકાનું વિધ્વંસક ચિત્ર જોવા મળતું હતું. કદાચ મહાભારત યુધ્ધમાં સર્જાયેલ એ દ્રશ્યની યાદ પણ આ પ્રસંગે અવશ્ય આવી જતી હતી.

ના પાણી, ના લોટ, ના વીજળી આવવાનાં કોઈ અણસાર. સઘળે બસ તબાહી જ તબાહીનાં આંખમાં આંસુ આવી જાય તેવાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ એટલી હદે ભયાનક હતી કે આંખમાં આવેલ આંસુના પાણી પણ સૂકાઈ જાય.

ખાસ કરીને ભૂખ તો થોડી ઘણી પણ સહન થઈ શકે પરંતુ પાણી વગર કેમ ચાલે. આવી પરિસ્થિતિમાં આ સોહીલ શેખ અને આસીફ કુરેશી પાણીનાં ટેંકર પોતે ખુદ ચલાવીને રાત દિવસ એ ખરાબ રસ્તાઓ વચ્ચે પણ પાણી પહોંચાડતાં જોવા મળ્યાં. વળી ન કોઈ ફોટો સેશન ન કોઈ પ્રસિધ્ધિની અપેક્ષા, ન કોઈ પ્રેસ કોન્ફરન્સ. ફકત માનવતાની માવજત અને માવનજીવનને મહેંકતુ રાખવાની તમન્ના સાથે કામ કરતાં આવાં નૌજવાનોને હિસાબે જ આપણે વિપરીત પરિસ્થિતિમાં પણ ગૌરવથી જીવી શકીએ છીએ.

આવા માનવતાના પ્રહરી અને કુદરતના ફરિસ્તા સમા યુવાનોને શત શત પ્રણામ.. એટલે જ કહી શકીએ છીએ કે મેરાં હિન્દ સદા આઝાદ રહે મેરી મા કે સર પર તાજ રહે..જયહિન્દ. જય જય ગરવી ગુજરાત.. શત શત નમન એ સાવરકુંડલાની માનવતાની તાસીરને.

(12:51 pm IST)