Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ચોમાસામાં કેશોદના પાડોદર, અખોદર, ચાંદીગઢ ગામના ખેતરો 'બેટ' માં ફેરવાઇ જાય છેઃ નદીઓ ઉંડી અને પહોળી કરવા માંગ

ઓઝત, સાબળી, ટીલોટી, બળોદરી, મધુવંતી સહિત જીલ્લાના ૬૦% જેવું ઉપરવાસનું પાણી ગ્રામ્ય વિસ્તારોની સાંકળી અને છીછરી નદીઓમાંથી પસાર થાય છે : નદીનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોની આજીવીકા સમાન પાક અને ખેતરોનું મોટા પ્રમાણમાં થઇ જાય છે ધોવાણઃ ઉભી થતી વિકટ સ્થિતિના કારણે ખેડૂતો તથા ખેતી આધારીત શ્રમીકોને ભારે આર્થિક ફટકોઃ તાલુકા પંચાયત સદસ્ય કિરણબેન હરેશભાઇ એરડાની અગ્રસચિવ, પાણી પુરવઠા, ગાંધીનગર સહિત સબંધીતો સમક્ષ રજૂઆતઃ વરવી સ્થિતિના કારણે ખેતી માટે મહત્વની ગણાતી ચોમાસુ સિઝન કેટલાય ખેડૂતો માટે નિષ્ફળ નિવડે છે

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૩૦ :.. કેશોદ પંથકમાં ચોમાસુ સિઝન દરમિયાન કુદરતી પાણીના નિકાસ માટે આવેલ વોંકળા અને નદીઓ સાંકળી અને છીછરી હોવાના કારણે સામાન્ય વરસાદ જેવી સ્થિતિ વચ્ચે પણ આ વોંકળા અથવા નદીઓ ઉભરાવા લાગતા પાણી સિધુ જ આસપાસના ખેતરોમાં ફેલાવા લાગતા ફળદ્રુપ ખેત જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થાય છે ઉપરાંત મોટા આર્થિક ખર્ચ અને ભારે મહેનત બાદ ઉગી નિકળેલ ઉભા પાકને પણ નુકશાની થતાં ધરતીપુત્રોએ ડબલ ફટકો સહન કરવો પડે છે.

આ વિસ્તાર માત્ર અને માત્ર ખેતી આધારીત હોઇ અત્રે પાણી સંગ્રહ અંગેના ખાસ કોઇ ભૌગોલીક સ્ત્રોત ન હોઇ આ વિસ્તારના ખેડૂતોએ માત્ર ચોમાસુ સિઝનમાં વરસતા સારા વરસાદ પર જ આધાર રાખવો પડે છે. ચોમાસુ સિઝન બાદ ભુતળમાં ઉભા થતા પાણીના અભાવના કારણે લગભગ મોટા ભાગના ખેડૂતો ને માત્ર ચોમાસુ અને શિયાળુ સિઝનનો જ લાભ મળે છે.

સામાન્ય રીતે ખેતી - ઉદ્યોગ માટે ચોમાસુ સિઝન અતિ મહત્વની હોઇ છે. પરંતુ નદીઓમાં કુદરતી નિકાસના પાણીને સમાવાની જરૂરી એવી પુરતી ક્ષમતાના અભાવે નદીઓમાં પુરપાટ દોડતું પાણી પોતાનો અલગ જ માર્ગ શોધી લેતા નદીની આસપાસમાં આવેલા ખેતરો એક તબકકે 'બેટ' માં ફેરવાઇ જાય છે. ત્યારે 'જે પોષતુ તે મારતુ'ની કહેવત મુજબ જે પાણીએ ખેતરોમાં વાવેલ બીજને પોષણ આપી ખેતરોને લીલા છમ બનાવ્યા હોઇ તે જ નદીઓના પાણી - ખેતરોમાં મોટા જથ્થામાં ધસી જઇ ખેતરોને છીન્ન ભીન કરી ઉભા પાકનો વિનાશ કરી નાખે છે. પરિણામે ખેડૂતોના મ્હોં સુધી આવેલ કોળીયો છીનવાઇ જાય છે.

આ અંગે સ્થાનીક તાલુકા પંચાયતના સદસ્યા અને પાડોદર મુકામે રહેતા મહીલા કોંગ્રેસ અગ્રણી કિરણબેન હરેશભાઇ એરડાએ પાડોદર, અખોદર, ચાંદીગઢ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારનો ચિંતાર આપતા જણાવેલ કે, ચોમાસુ સિઝન દરમિયાન આ વિસ્તારની નદીઓ છીછરી અને સાંકળી હોઇ પરિણામે સામાન્ય વરસાદથી પણ નદીઓમાં દોડતા પાણી ખેતરોમાં ફરીવળે છે જેના કારણે ખેડૂતોએ ભારે આર્થિક નુકશાની વેઠવી પડે છે. આ પ્રકારનો ક્રમ લગભગ દર વર્ષે ચાલુ ચાલુ રહેતો હોઇ પરિણામે આ સ્થિતિ વચ્ચે નદી આસપાસના કેટલાય ખેડૂતો વાવણી કરતાં જ નથી પરિણામે ખેતી ઉદ્યોગ માટે મહત્વની ગણાતી ચોમાસુ સિઝન નિષ્ફળ જાય છે. જેના કારણે ખેડૂતો તથા ખેતી સાથે સંકળાયેલા શ્રમિકો આર્થિક રીતે પાયપલ બની રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે તેઓનો વિકાસ રૃંધાઇ રહેલ છે.

તાલુકા પંચાયતના સદસ્ય કિરણબેન એરડાએ વધુમાં જણાવેલ કે, દર ચોમાસુ સિઝન દરમ્યાન ઉભી થતી સમસ્યા અંગે ખેડૂતોના હીત ને ધ્યાને લઇ લાગતા વળગતા સત્તાધીશો સમક્ષ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ આ બાબતે આજ દિવસ સુધી આ અંગે તંત્રવાહકો દ્વારા કોઇપણ પ્રકારના પગલા લેવામાં આવેલ નથી.

દરમિયાન કિરણબેન એરડાએ તાજેતરમાં ગત તા. ર૬ જુનના રોજ આ સંદર્ભે અગ્રસચિવ નર્મદા જળ સંપતિ કલ્પસર, પાણી પુરવઠા વિભાગ, ગાંધીનગરને એક પત્ર લખી જણાવેલ છે કે, કેશોદ તાલુકાના પાડોદર, અખોદર, ચાંદીગઢ ગામના ખેડૂતો અને ખેત મજૂરોની ખેતી ઉપર જ તેમની આજીવીકા છે. તે સિવાય આ વિસ્તારમાં ખેડૂતો અને ખેત મજૂરોની અન્ય કોઇ આવક નથી. આ વિસ્તારમાંથી ઓઝત, સાબળી, ટીલોળી, મધુવંતી નદીમાંથી નાના મોટા વોંકળાઓ નિકળે છે અત્રેથી જુનાગઢ જીલ્લાના ૬૦ ટકા વિસ્તારનું ઉપરવાસનું ચોમાસાનું પાણી આ નાના ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં ભળે છે. ત્યારે આ ગામોમાંથી પસાર થતી નદીઓ અતિ સાંકળી અને છીછરી હોવાના કારણે ચોમાસા સમયે ખેડૂતોના આજીવીકા સમાન ખેતરો 'બેટ' માં ફેરવાઇ જાય છે. જેના કારણે દર વર્ષે ખેતીની જમીનોનું વિપુલ પ્રમાણમાં ધોવાણ થાય છે. અને ચોમાસાનો પાક કે મોલનો લાભ આ વિસ્તારના ખેડૂતો લઇ શકતા નથી. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો તથા ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોએ મોટો આર્થિક ફટકો સહન કરવો પડે છે.

આ સ્થિતી વચ્ચે આ વિસ્તારના ખેડૂતોનો આર્થિક વિકાસ રૃંધાઇ રહ્યો છે ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ અત્રેની તાત્કાલી અસરથી ઉંડી અને પહોળી બનાવવા અંતમાં તેઓએ માંગણી કરેલ છે.

આ પત્રની નકલ પરેશભાઇ ધાનાણી (વિરોધ પક્ષ નેતા, ગાંધીનગર), પ્રમુખ શ્રી જીલ્લા કોંગ્રેસ સમિતિ (જુનાગઢ), જીલ્લા કલેકટરશ્રી (જુનાગઢ), મામલતદાર શ્રી (કેશોદ)ને મોકલી આ અંગે યોગ્ય કાર્યવાહી કરાવવા વિનંતી કરવામાં આવેલ છે.

(11:48 am IST)