Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

હવે રાજકોટ જિલ્લામાં મહિલાઓના જૂથને મંજુરી

મહિલા સ્વસહાય જૂથ અને મનરેગાનું જોડાણ કરીને ખેતીલક્ષી પાયલોટ પ્રોજેકટને પ્રતિસાદ મળતા : વિંછીયા તાલુકાના ઓરી ગામે પાયલોટ પ્રોજેકટમાં બહેનોએ બાગાયત નર્સરી અને જસદણનાન ગોખલાણા ગામે બહેનોએ વર્મી કમ્પોસ્ટ બનાવ્યું: રોપા- પ્રાકૃતિક ખાતરના વેચાણની આવક પણ બહેનોને થશે

રાજકોટ તા.૩૦: મનરેગા એટલે માત્ર રાહતના કામો એવી માનસિકતામાંથી ગ્રામીણ લોકોને બહાર લાવી રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ મનરેગા યોજનાનું પૂરેપૂરું ફંડ ગ્રામીણ વિકાસ માટે વપરાય તેવા હેતુએ    સમગ્ર રાજ્યમાં પ્રથમ એક નવો પ્રયોગ કર્યો છે.  પ્રાકૃતિક ખેતી, કોરોના કાળમાં મહિલાઓને સામૂહિક રોજગારી, ખેતીલક્ષી પ્રોજેકટમાં મહિલાઓના સાહસને પ્રોત્સાહન સહિત બહુઆયામી પાયલોટ પ્રોજેકટ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ઓરી ગામે હાથ ધરી સ્વ સહાય જૂથ સખી મંડળની બહેનોએ બાગાયત નર્સરી અને જસદણ તાલુકાના ગોખલાણા ગામે વર્મી કમ્પોસ્ટ  બનાવવાનું  પૂર્ણ કરતા અને તેમાં આશાસ્પદ પરિણામો મળતાં હવે સમગ્ર રાજકોટ જિલ્લામાં ખેતીલક્ષી પ્રોજેકટોને પણ મનરેગામાં જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 રાજકોટ જિલ્લામાં હાથ ધરાયેલા આ બાગાયત નર્સરી અને વર્મી કમ્પોસ્ટ ખેતીલક્ષી પ્રોજેકટની વિશિષ્ટતા એ છે કે તેમાં બહેનોને મનરેગામાંથી માનવદિન રોજગારી પ્રતિદિન રૂ.૨૨૯ મળે છે. લેબર વર્ક નો રેશિયો જળવાતો હોવાથી રો- મટીરીયલમાં પણ યોજનાને જોડી શકાય છે. જ્યારે સ્વસહાય જુથની બહેનો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે જોડાયેલી હોવાથી તેમના જૂથને રૂ.૧૦,૦૦૦ રિવોલ્વીંગ ફંડ,સી.આઇ.એફ રૂ. ૭૦,૦૦૦  અને સાહસને આગળ વધારવા રૂ. ૧ લાખ સુધીની લોન પણ મળે છે.

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ઓરી ગામના લક્ષ્મી મિશન મંગલમ માં ૧૦  બહેનો જોડાયેલા છે. મંડળના પ્રમુખ મનિષાબેન જયંતીભાઈ જમોડ છે.એન.આર.એલ.એમ.યોજનાના કર્મચારીઓ દ્વારા તેમને મનરેગા સાથે જોડાણ કરી બાગાયત નર્સરી કરવાની શક્યતાઓ અંગે મંડળને માર્ગદર્શન આપ્યું હતું .બહેનોએ મિટિંગ કરી આ પ્રોજેકટ માં રૂપિયા ૨.૪૬ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. નર્સરીની શરૂઆત કરવા માટે આયોજન મુજબ જગ્યા પસંદ કરવામાં આવી અને ગ્રામ પંચાયતમાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. શ્રમિકો બહેનોના જોબકાર્ડ કાઢવામાં આવ્યા.તાલુકા પંચાયતમાં દરખાસ્ત મંજુર કરવામાં આવતા ૨૦,૦૦૦ જેટલા રૂપા ઉગી શકે એટલા બિયારણની ખરીદી કરવામાં આવી હતી . જામફળી, દાડમ, લીંબુ, સરગવો જેવા દસ પ્રકારના બાગાયતી રોપા તૈયાર કરવામાં આવ્યા છે.

આ મંડળની બહેનોને ૭૦૦ દિવસની રોજગારી પ્રતિદિન રૂ.૨૨૯ લેખે મળશે.૨૦,૦૦૦ રોપા રૂ.૨૦ લેખે વેચવાના આયોજન સાથે વેચાણ થયે તેની આવક પણ મંડળને થશે.

 એ જ રીતે જસદણ તાલુકાના ગોખરાણા ગામે પણ એન.આર.એલ.એમ હેઠળ ખોડીયાર મિશન મંગલમ  સ્વ સહાય જૂથની ૧૦ બહેનોએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને રોજગારી માટે  વર્મી કમ્પોસ્ટ પ્રોજેકટ હાથ ધર્યો છે. 

(11:47 am IST)