Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જસદણ વિંછીયા તાલુકામાં ૧૦.૮૪ કરોડનાં પીવાના પાણીની યોજનાનું કુંવરજીભાઇ બાવળીયાનાં હસ્તે ખાતમુહૂર્ત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૩૦: વિંછીયા ખાતે 'ન ભુતો ન ભવિષ્યતિ'એવી રૂ. ૯.૧૨ કરોડની માતબર રકમના ખર્ચે 'નલ સે જલ'યોજના અંતર્ગત વાસ્મો દ્વારા તૈયાર થનાર પીવાના પાણી વિતરણની યોજનાનું ખાતમુહૂર્ત પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે સંપન્ન થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી 'હર ઘર નલ સે જલ' યોજનાને વર્ષ ૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં પરિપુર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ યોજના રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૨માં જ પરીપૂર્ણ કરાશે તેમ જણાવતાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વધુમાં ઉમેર્યુ હતું કે આ યોજના પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારની બહેનોને પીવાના પાણી માટે માથે બેડા લઇને દુર સુધી જવાની મુશ્કેલી હવે ભુતકાળ બની જશે.

વિંછીયા ખાતે રૂ. ૯.૧૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર પીવાના પાણીના નળ દ્વારા પાણીવિતરણની આ યોજના આગામી ૩૦ વર્ષની વસ્તી અને વિસ્તારના વિકાસના અંદાજને લઇને તૈયાર થયેલ છે. આ યોજના અન્વયે ૨૧૦૦૦ની વસ્તી ધરાવતા સમગ્ર વિંછીયાને ચાર ઝોનમાં વહેંચીને ગામના છેવાડાના ઘર સુધી દરેક દ્યરને વ્યકિત દીઠ ૧૪૦ લીટર પાણી મળી રહે તેવું સુદ્રઢ આયોજન કરાયું છે. જેમાં પાણી વિતરણ માટે લોખંડની ડી.આઇ. પાઇપ લાઇન ૧૮૧૩૦ મીટર લાંબી તથા દ્યર નળ કનેકશનથી પાણી વિતરણ માટે ૩૨૯૯૬ મીટર પી.વી.સી.ની પાઇપલાઇન મળી કુલ ૫૧૧૬૬ મીટર લાંબી પાઇપલાઇનો ગોઠવવામાં આવશે. એટલું જ નહીં ખાસ ઘોડી સિસ્ટમથી નળકનેશન આપવાના હોવાથી તમામ દ્યરોને એક સમાન પાણી વિતરણ શકય બનશે.

આ યોજના અંતર્ગત પાણી સ્ટોરેજ માટે વિંછીયાના જવાહરનગર ખાતે ૨૫ લાખ લીટર ક્ષમતાનો સમ્પ અને ૫(પાંચ) લાખ લીટર ક્ષમતાની ઉંચી ટાંકી, રામદેવનગર ખાતે ૨ લાખ લીટર ક્ષમતાનો સમ્પ અને ૧ લાખ લીટરની ક્ષમતાની ઉંચી ટાંકી તથા ખોડીયાર નગર ખાતે ૩ લાખ લીટરની ક્ષમતાના પાણીના સમ્પ તથા ૧.૫૦ લાખ લીટરની પાણી સ્ટોરેજ ક્ષમતાની ઉંચી ટાંકીનું નિર્માણ થશે. આ ઉપરાંત ૫૩૨૦ ઘરોને નળ કનેશકન આપવા ૧૩૩૦ નંગ ઘોડી સીસ્ટમ, ૨૦ પમ્પીંગ મશીનરી સેટ, ૭ પમ્પ હાઉસ અને ૭ લાઇટ કનેકશનો પણ ઉપલબ્ધ કરાવાશે.

આ માટે 'સૌની'યોજના અંતર્ગત સ્થાનિક ડેમ અને તળાવોમાં ઉપલબ્ધ કરાવાતા નર્મદાના પાણી ખાતેથી પમ્પીંગ કરીને સ્ટોરેજ સુધી પાણી પહોંચાડાશે. આમ ખરા અર્થમાં વિંછીયા ખાતે ભાગીરથી સમાન નર્મદાના પાણીનું અવતરણ કરી ઘરે ઘર પહોંચાડાશે. આ તકે તેઓએ આ વિસ્તારમાં થનાર વિકાસ કામોની વિગતો આપતાં જણાવ્યું હતું કે વિંછીયા ખાતે નવી અદ્યતન સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ તથા ઓકસીજન પ્લાન્ટ, નવું આઇ.ટી.આઇ. બિલ્ડીંગ, નવું બસસ્ટેન્ડ, વિજ્ઞાનપ્રવાહની હાઇસ્કુલ તથા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગ સહિતના વિકાસ કામો ટુંક સમયમાં તૈયાર થનાર છે.

આ પ્રસંગે પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડે જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી વિકાસના કામો થકી તમામ માળખાકીય સુવિધાઓ પહોંચે તે માટે સરકાર કટિબધ્ધ અને સતત પ્રયત્નશીલ છે. તેઓએ આ તકે કોરોનાના સંક્રમણને અટકાવવા કોવિડ પ્રતિરોધક રસી એક માત્ર ઉપાય હોઇ સૌ કોઇને આ રસીના ડોઝ મુકાવી લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે વાસ્મોના વિપુલભાઇ ડેરવાળીયાએ સૌ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કરતા સમગ્ર યોજનાની રૂપરેખા આપી હતી. આ તકે સમગ્ર યોજનાને લગતી ફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઇ વાસાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ખોડાભાઇ ખસીયા, સરપંચ લીલાબેન ચતુરભાઈ રાજપરા, સતરંગ જગ્યાના મહંતશ્રી હરીરામબાપુ, તાલુકા ભાજપ મહામંત્રી હનુભાઇ ડેરવાળીયા, પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર એચ.ડી.જોધાણી, વાસ્મોના યુનીટ મેનેજર એન.જે.રૂપારેલ, કો-ઓર્ડીનેટર સુનીલભાઇ પાનસુરીયા સહિત પંચાયતના સભ્યો, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતો. જસદણ તાલુકાના સાણથલી ગામે રૂ. ૧.૪૯ કરોડના ખર્ચે તથા ભંડારીયા ગામે રૂ. ૨૩.૭૮ લાખના ખર્ચે તૈયાર 'નલ સે જલ'યોજના અંતર્ગત 'વાસ્મો'દ્વારા નિર્માણ થનાર પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું.

(11:46 am IST)