Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કચ્છમાં ફોન પડી જવાની ભૂલ બદલ પત્નીને જીવતી જલાવી દેનારા પતિને જનમટીપની સજા

નીચે પડતા સ્વીચ ઓફ થતા પતિ આમદે પત્ની જોડે ઝઘડો કરી ઉશ્કેરાઇને તેને કેરોસીન છાંટી જીવતી જલાવી દીધી હતી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : ફ્રીજ પર રાખેલો ફોન ભૂલથી પડી જવા બદલ પત્નીને જીવતી સળગાવી દેનારાં પતિને ભુજ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ભુજની ભાગોળે આવેલા ભારાપર ગામે બે વર્ષ અગાઉ હત્યાનો આ હિચકારો બનાવ બન્યો હતો. છઠ્ઠી મે ૨૦૧૯ના રોજ મરણ જનાર ૨૪ વર્ષિય શરીફાબાઈ પાસે તેના પતિ આમદ ઓસમાણ કુંભારે ફ્રીજ પર પડેલો મોબાઈલ ફોન આપવા જણાવ્યું હતું. શરીફાબાઈ હાથમાં ફોન લઈ આપવા જતી હતી ત્યારે ભૂલથી ફોન નીચે પડી ગયો હતો અને સ્વિચ્ડ ઓફ થઈ ગયો હતો.

આટલી નજીવી બાબતે આમદે પત્ની જોડે ઝઘડો કરી ઉશ્કેરાઈને તેને કેરોસીન છાંટી જીવતી જલાવી દીધી હતી. ગંભીર હાલતમાં ૧૦૮ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલી શરીફાબાઈએ પોલીસને જણાવ્યું હતું કે ૩ વર્ષના લગ્નજીવનમાં તેનો પતિ અવારનવાર તેની જોડે નાની નાની બાબતે મારકૂટ રહેતો હતો. પરંતુ બે વર્ષની દીકરી ખાતર તે પતિના અત્યાચાર સહન કરતી હતી. સારવાર દરમિયાન શરીફાબાઈએ કાયમ માટે આંખો મીંચી દીધી હતી. ઘટના અંગે માનકૂવા પોલીસે પતિ આમદ સામે આઇપીસી ૩૦૨, ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪ હેઠળ ફરિયાદ નોંધી હતી.

આ બનાવમાં અધિક સેશન્સ જજ સી.એમ. પવારે ૧૨ સાહેદો સહિત દસ્તાવેજી પૂરાવા અને બેઉ પક્ષના વકીલોની દલીલો સાંભળી આમદને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

આ કેસમાં ફરિયાદી પક્ષ વતી એડવોકેટ વિપુલ ડી કનૈયા, હેમાલી ટી પરમાર, સઈદબીન આરબ, મહેશ એસ. સીજુએ હાજર રહીને દલીલો કરી હતી. સરકાર પક્ષે એડવોકેટ દિનેશભાઈ જે. ઠક્કર હાજર રહ્યાં હતા.

(11:44 am IST)