Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

દ્વારકા જિલ્લાના ૬ હજારથી વધુ આંગણવાડીના બાળકોને ૧૨ હજારથી વધુ ગણવેશ

દેવભૂમિ દ્વારકા,તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સ્થિત જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના દ્વારા આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકો માટે ગણવેશ વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખશ્રી રાજીબેન મોરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના આંગણવાડી કેન્દ્રના બાળકોના પ્રતિનિધી તરીકે ઉપસ્થિત બાળકોને ગણવેશ વિતરણ અને હાઈજીન ( સેનેટાઈઝરની નાની બોટલ, માસ્ક અને રૂમાલ)નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડીજીટલ માધ્યમ થકી રાજયવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયભરની આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણની આગવી પહેલ કરતું ગુજરાત એક માત્ર રાજય છે, આંગણવાડીના નાના ભૂલકાઓને ગણવેશ થકી એક આગવી ઓળખ મળશે અને બાળકોમાં સમાનતા જળવાશે તેમ જણાવ્યું હતું.

વધુમાં તેમણે ગત ૨જી ઓકટોબરના રોજ 'હેન્ડ વોશ'કેમ્પેઈનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઈને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે, આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ રાજય સરકાર બાળકો અને કિશોરીઓ તથા સગર્ભા અને ધાત્રીમાતાઓના સ્વાસ્થ્યને લઈ સંવેદનશીલતાથી કાર્ય કરી રહી છે તેમ જણાવ્યું હતું.

રાજયકક્ષાના મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ યુનિફોર્મથી બાળકોમાં એકસુત્રતા અને સમાનતા જળવાય છે, બાળક ગૌરવ પૂર્વક ગણવેશ પહેરી આંગણવાડીએ જાય તે માટે રાજય સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજય સરકારે ગંગા સ્વરૂપ બહેનોની સહાયની રકમ વધારી તેમના આંસુ લુછવાનું આ પૂણ્યનું કાર્ય કર્યુ છે. આંગણવાડી ખાતે બાળકો, કિશોરી તથા સગર્ભા અને ધાત્રી માતાઓનું આરોગ્ય સારૂ જળવાઈ રહે અને તેમને યોગ્ય પોષણ યુકત આહાર મળી રહે તે માટે બાલશકિત, માતૃશકિત અને પૂર્ણાશકિતનું વિતરણ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૦૦થી વધુ આંગણવાડીના અંદાજીત ૬,૦૫૮ બાળકોને બાળકદીઠ બે ગણવેશ એટલે કે, ૧૨,૧૧૬ ગણવેશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમ જણાવી ઉપસ્થિતોને પોષણ યુકત આહાર અને તેના ફાયદા વિશે માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજાએ ઉદ્બોધન કર્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફીસરશ્રી શ્રધ્ધાબેન ત્રિવેદી કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ પૃથ્વીબેન ચોરવાડીયાએ કરી હતી.

 આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજીબેન મોરી, મહિલા અને બાળ વિકાસ સમિતિ ચેરમેનશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સંજયભાઈ નકુમ, બાંધકામ સિમિતિના ચેરમેનશ્રી જીતેન્દ્રભાઈ કણજારીયા, ખંભાળીયા નગરપાલિકા પ્રમુખશ્રી ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખશ્રી રમેશભાઈ રાયચુરા, જિલ્લા પંચાયત સભ્યશ્રી એભાભાઈ કરમુર તેમજ વી.ડી.મોરી, ભારતીબેન રાવલીયા સહિત આઈ.સી.ડી.એસ.ના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(11:40 am IST)