Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

૨૦૨૨માં ગુજરાતમાં 'આપ'ની શિક્ષિત - ઇમાનદાર સરકાર બનશે : પ્રવિણ રામ

ઇસુદાન ગઢવી, મહેશ સવાણી બાદ હવે સફળ આંદોલનકારી પ્રવિણ રામ પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો

(યાસીન બ્લોચ - વિનુ જોષી દ્વારા) વિસાવદર - જૂનાગઢ તા. ૩૦ : જન અધિકાર મંચના અધ્યક્ષ અને આંદોલનકારી આગેવાન પ્રવિણ રામ (મો.૭૦૯૬૮ ૦૬૮૩ર) કાલે બપોરે જુનાગઢ ખાતે ''આમ આદમી પાર્ટી''માં વિધિવત  રીતે જોડાયા છે. કાલે બપોરે જુનાગઢ ખાતે આયોજીત કાર્યક્રમમાં ''આપ''ના પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયા, મહામંત્રી મનોજભાઇ સોરઠીયાની ઉપસ્થિતીમાં પ્રવિણ રામ જોડાયા છે. અને લોકોના પ્રશ્નોને વાચા આપશે.

'અકિલા' સાથેની વાતચીતમાં પ્રવિણ રામે જણાવ્યુ હતું કે હવે હું ગીર સોમનાથ જીલ્લામાં 'આપ' ની 'સંવેદના યાત્રા' માં જોડાઇશ અને 'આપ' ના માધ્યમથી લોકોના પ્રશ્નો ઉકેલીશું.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીમે ધીમે પગપેસારો કરી રહી છે, દિલ્હીમાં આમ આદમીની સરકાર દ્વારા આરોગ્ય અને શિક્ષણ બાબતે સુધારા કરવામાં સફળ રહી છે ત્યારે ગુજરાતના લોકોમાં પણ આમ આદમી પાર્ટી પ્રત્યે આશા જાગી છે, ઇસુદાનભાઈ ગઢવી, મહેશ સવાણી બાદ ગુજરાતના સફળ આંદોલનકારી પ્રવીણ રામ પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

આંદોલનકારી પ્રવીણ રામની લડતોના કારણે દોઢ લાખ જેટલા ફિકસ કર્મચારીઓને માસિક ૧૨૦૦૦ થી લઇ ૨૫૦૦૦ જેટલો પગાર વધારો મળ્યો છે, અંદાજિત ૨ લાખ કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ મળ્યો છે, ૬૦૦૦૦ આશા વર્કરને ૫૦ ટકા પગાર વધારો મળ્યો છે, ૮૦,૦૦૦  ફાર્માસિસ્ટો ને ન્યાય મળ્યો છે, ઇકોઝોનનો કાયદો સ્થગિત થતા ૨ લાખ ખેડૂત પરિવારોને ફાયદો થયો,તેમજ ગુજરાતના અંદાજિત ૩૦ થી ૩૫ લાખ બેરોજગાર યુવાનો માટે ઘણા સમયથી લડત ચલાવી અમુક નિર્ણયો લેવડાવ્યા,ત્યારે પ્રવીણ રામની લડતોના કારણે જેટલા પરિવારોને ફાયદો થયો છે એટલા પરિવારો માત્ર જો આમ આદમી પાર્ટી તરફ વળાંક લે તો પણ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ખૂબ મોટો ફાયદો મળી શકે છે,પરંતુ એટલું તો ચોક્કસથી કઈ શકાય કે પ્રવીણ રામના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી ગુજરાતના યુવા મતદારોનો પાર્ટીને આવનારા સમયમાં લાભ મળશે.

આ બાબતે આંદોલનકારી પ્રવીણ રામે જણાવ્યું કે ગુજરાતમાં આ ભ્રષ્ટ સરકારની જગ્યા એ એક શિક્ષિત અને ઈમાનદાર સરકાર બનાવવા માટે હું આમ આદમી પાર્ટીમાં જોઇન્ટ થઈ રહ્યો છું, કોરોના કાળમાં નજર સમક્ષ લોકોને સરકારની અવ્યવસ્થા ના કારણે મરતા જોયા છે, ગ્રામ્ય કક્ષા થી લઇ સચિવાલય સુધી નજર સમક્ષ ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિને બદલવા માટે આ નિર્ણય લઈ રહ્યા છે અને વધુમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું કે મારા જોડાયા બાદ મને હેરાન પરેશાન કરવાનો પ્રયાશ થશે પરંતુ એમની સાથે ખુલીને લડત લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે તેમજ પ્રવીણ રામે ૨૦૨૨ માં ગુજરાતમાં એક શિક્ષિત અને ઈમાનદાર સરકાર બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો,અને સાથે સાથે એવું પણ જણાવ્યું કે મારા સંગઠનના ૩૦૦૦૦ સભ્યો તેમજ જે પરિવારોને મારી લડતોના કારણે લાભ મળ્યો છે એ તમામ ૨૦૨૨ માં શિક્ષિત અને ઈમાનદાર સરકાર બનાવવામાં મદદ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

(11:05 am IST)