Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

૧૧૩ તાલુકાઓમાં ર થી પ ઇંચ વરસાદ : સૌરાષ્ટ્રમાં સરેરાશ ર૩ ટકા

ભીંજાવામાં નડતર જેવુ લાગે છે, શરીર સુધ્ધા બખ્તર જેવું લાગે છે, મને કાનમાં કહ્યું છત્રીએ ઉઘડી જઇએ 'અવસર' જેવું લાગે છે

રાજકોટ, તા. ૩૦ :. ગુજરાતમાં વરસાદ માટે સૌથી મહત્વનો ગણાતો અષાઢ મહિનાના ૧૦ દિવસ વિતી ગયા છે. જૂન આજે પુરો થઈ રહ્યો છે છતાં ચોમાસાની જમાવટ દેખાતી નથી. આશાસ્પદ વાદળો બંધાઈ છે અને વરસાદી માહોલ બને છે પરંતુ બારે મેઘ ખાંગા થતા નથી. આંકડાકીય દ્રષ્ટિએ જોતા રાજ્યના બધા ઝોનમાં ૧૯૯૦થી ૨૦૧૯ સુધીના સરેરાશ વરસાદની સરખામણીએ સૌરાષ્ટ્ર વરસાદની બાબતમાં મોખરે છે.  સૌરાષ્ટ્રમા અત્યાર સુધીમાં ૨૩ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આ આંકડો મોસમના સરેરાશ વરસાદના પ્રમાણના આધારે છે. કચ્છમાં ૨૫.૧૭ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં ૧૦.૫૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૯.૭૧ ટકા અને મધ્ય ગુજરાતમાં ૧૪.૧૫ ટકા વરસાદ થયો છે. રાજયનો કુલ સરેરાશ વરસાદ ૧૪.૧૫ ટકા થયો છે. અત્યાર સુધીમાં ટોટલ ૨૫૧ તાલુકા પૈકી ૩૨ તાલુકાઓમાં ૨ ઈંચ સુધીનો વરસાદ થયો છે. ૧૧૩ તાલુકાઓમાં ૨ થી ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. ૯૬ તાલુકાઓમાં પડેલ વરસાદનો આંકડો ૫ થી ૧૦ ઈંચ વચ્ચેનો છે. ૧૦ ઈંચથી વધુ વરસાદ પડયો હોય તેવા માત્ર ૯ તાલુકાઓ છે. આજે સવાર સુધીમાં જૂન મહિનાનો સરેરાશ વરસાદ ૫ ઈંચ જેટલો થયો છે. ચોમાસાના મોટા ભાગનો સમય હજુ બાકી છે. સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઈ-ઓગષ્ટમાં ધોધમાર વરસાદ પડતો હોય છે અને ડેમ-તળાવોમાં નવા નીરની નોંધપાત્ર આવક થતી હોય છે. આવતીકાલથી જુલાઈ મહિનો શરૂ થઈ રહ્યો છે. વાવણી કરનાર ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ડોળ છે. નજીકના ભવિષ્યમાં જ મેઘરાજાની મહેર થવાની આશા છે.

(12:55 pm IST)