Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જામજોધપુરનાં સતાપર પાસે નદીના સામે કાંઠે બનેવીને બાળકો સોંપવા જતા પાણીનો ઘસમસતો પ્રવાહ ચારને તાણી ગયો

ભાઇ બહેનના મૃતદેહ મળ્યાઃ ૨ બાળકીઓની ફાયરબ્રિગેડના જવાનો -સ્થાનિકો દ્વારા શોધખોળ

જામજોધપુરઃ તસ્વીરમાં નદીનો પ્રવાહ તથા લોકો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક ઠાકર-જામજોધપુર)

જામજોધપુર, તા.૩૦: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામ પાસે ભારે કરૂણાંતિકા સર્જાઈ છે. ઉદેપુર ગામના વતની ભાઈ- બહેન અને એ ભાણેજ સહિત ચાર વ્યકિત નદીના પ્રવાહમાં તણાઈ જતાં ભારે અરેરાટી ફેલાઇ છે. જેમાં ભાઇ-બહેન બંનેના મૃતદેહ મળી આવ્યા છે. જયારે બે નાની ભાણેજ નદીના પ્રવાહમાં તણાઈ હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. નાના એવા ઉદેપુર ગામમાં આ બનાવથી ભારે કરૂણાંતિકા છવાઇ છે. જામજોધપુર મામલતદાર અને પોલીસની ટીમ ફાયરના જવાનો સાથે સર્ચ ઓપરેશન કાર્યમાં જોડાઇ ગઇ છે.

આ કરૂણાજનક બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ઉદેપુર ગામના વતની આવળાભાઇ ભોજાભાઇ સિંધવ (ઉંમર વર્ષ૩૩ ) કે જેઓની બહેન મંજુબેન રામાભાઇ સોલંકી(ઉ.વ.૩૦) કેજેને પોરબંદર જીલ્લાના રાણાવાવ ગામમાં પરણાવેલી છે તેણી ઉદેપુર ગામ માં ધાર્મિક કાર્યક્રમ હોવાથી તેમાં હાજરી આપવા માટે પોતાના ત્રણ સંતાનોને લઈને માવતરે ઉદેપુર ગામે આવી હતી. અને આજે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં મંજુબેનને તેનો ભાઈ આવળાભાઈ પરત રાણાવાવ મુકવા માટે જઈ રહ્યોં હતો.

દરમિયાન ઉદેપૂર અને સતાપર ગામ ની વચ્ચે કોઝવે આવેલો છે, જેમાં ઉપરવાસમાં વરસાદ થવાના કારણે પાણીનો પ્રવાહ શરૂ થયો હતો. આ સમયે મંજુબેન ના પતિ રામાભાઇ સોલંકી કે જેઓ સામાકાંઠે પોતાના પત્ની અને ત્રણ સંતાનો ને તેડવા માટે આવ્યા હતા. અને સૌપ્રથમ નાના પુત્રને નદીના પ્રવાહ પસાર કરીને સામે કાંઠે પહોંચાડી દીધો હતો

ત્યાર પછી પોતાની બહેન મંજુબેન તેમ જ બે ભાણેજ આનંદી (ઉં.વ.૧૩) અને જીનલ (ઉં.વ.અઢી)બંનેને લઈને નદીના પ્રવાહ માંથી પસાર થઈ રહ્યા હતા.

દરમિયાન એકાએક ઉપરવાસમાં વરસાદના કારણે ધસમસતા પાણીના પૂર આવ્યા હતા. અને તે પાણીના પ્રવાહમાં ભાઈ બહેન અને બંને બાળકીઓ સહિત ચારેય લોકો તણાઈ ગયા હતા.

આ ઘટના સમયે ભારે દેકારો થઇ ગયો હતો અને મંજુબેન ના પતિ રામાભાઇ સોલંકી કે જેઓ સામે કાંઠે હાજર હતા તેઓએ બુમાબુમ કરી હતી, અને ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા. આ બનાવ અંગેની વહીવટીતંત્રને જાણ થતા જામજોધપુરના મામલતદાર ઉપરાંત જામજોધપુરની પોલીસ ટીમ વગેરે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી.

દરમિયાન આવળાભાઇ અને મંજુબેન સહિત ભાઈ બહેન ના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા. જેથી ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. પરંતુ મંજુબેન ની બે પુત્રીઓ આનંદી અને જીનલ નદીના પ્રવાહમાં લાપત્ત્।ા બની ગઇ હોવાથી વહીવટી તંત્ર દ્વારા બંનેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

આ કરુણાજનક બનાવની જાણ થતા નાના એવા ઉદેપુર ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. અને મૃતકના પરિવારજનો માં શોકનું મોજુ ફરી વળ્યું છે. જામજોધપુર પોલીસ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

(11:50 am IST)