Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા

જુનાગઢમાં આહિર સમાજની છ બહેનોને સિલાઇ મશીન અર્પણ

જૂનાગઢ,તા.૩૦ :  જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને આહિર સમાજ મહિલા મંડળના ઉપક્રમે તાજેતરમાં સિલાઈ મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ જૂનાગઢના દોલતપરા સ્થિત બંસીધર વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમાં આહિર સમાજની છ જરૂરિયાતમંદ બહેનોને આત્મનિર્ભર બનવા માટે સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા અત્યાર સુધીમાં ૪૫૧૦થી વધુ સિલાઈ મશીન દાતાઓના સહયોગથી બહેનોને અર્પણ કરાયા છે. આ કાર્યને બિરદાવતા કાર્યક્રમના અધ્યક્ષ મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, સમાજમાં આ પ્રકારના હકારાત્મક કાર્યો કરતી સંસ્થાઓની આજે ખાસ જરૂર છે. બહેનોની સંસ્થાઓ જરૂરિયાતમંદ બહેનોને આગળ લાવે તે આજના સમયની માંગ છે. જૂનાગઢ મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ ડાંગના આદિવાસી વિસ્તારમાં ન્હારી સંસ્થા દ્વારા કરવામાં આવતી બહેનોની રોજગારી માટેની આવી જ પ્રવૃત્તિનું ઉદાહરણ આપી સંસ્થાની કામગીરીને આવકારી હતી.

 ઉદ્યોગપતિ સંજયભાઈ કોરડિયાએ સિલાઈ કામથી મળેલી આવકની બચત કરીને તેનો બાળકોના શિક્ષણ માટે ઉપયોગ કરવાની બહેનોને અપિલ કરી હતી. મહાપાલિકાના શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળિયાએ પણ જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની કામગીરી બદલ ખુશીની લાગણી વ્યકત કરી હતી. આહિર સમાજના અગ્રણી હમીરભાઈ રામે જણાવ્યું હતું કે, હરસુખ વઘાસિયા જેવા મહારથી યોદ્ઘાઓ દ્રારા જ ગામ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ શકચ છે.

સમુહલગ્ન પ્રણેતા અને સમાજ સેવક હરસુખભાઈ વદ્યાસિયા તથા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન બી. વઘાસિયાએ જણાવ્યું હતું કે, સમાજના સક્ષમ લોકો નબળા લોકોને મદદરૂપ થાય તે સાચો ધર્મ છે. કોઈને રોકડ રકમની આર્થિક મદદ કે અનાજની સહાય કરવામાં આવી હોય તો તે થોડા દિવસો માટે ઉપયોગી થાય છે, પણ તે પરિવારની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. ઉલટાનું આવી સહાયથી જે તે પરિવારો માનસિક વિકલાંગ બનતા જાય છે. આ સ્થિતિ વચ્ચે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળે નવો ચિલો ચાતરીને સિલાઈ મશીન અર્પણ કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

આ પ્રસંગે આહિર સમાજના અગ્રણી કનુભાઈ સોરઠિયા, મનપાના દંડક ધરમણભાઈ ડાંગર, ગોવિંદભાઈરામ, રમણીકભાઈ હિરપરા, કરશનભાઈ ધડુક, દિલીપભાઈ ગલ, પુનિતભાઈ કરમુર, શિતલબેન જોષી , કમલેશભાઈ પંડ્યા, ભાણાભાઈ રામ, લાભુબેન મોકરિયા, શોભનાબેન પીઠીયા વગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે હાજર આગેવાનોના હસ્તે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે આહિર મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(11:41 am IST)
  • ઉદ્ધવ સરકારનો નવો ફતવો : સરકારી ઓફિસોમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરો : અમલ નહીં કરનારાનો પગાર નહીં વધે : ભવિષ્યમાં નોકરીમાંથી હાથ ધોવાની પણ નોબત આવશે access_time 8:38 pm IST

  • મોડી રાત્રે આંધ્ર પ્રદેશ - વિશાખાપટ્ટનમના પરવડા વિસ્તારની દવા કંપની સાઈનાર લાઈફ સાયન્સિઝમાં ગેસ લીક થતા 2 લોકોના મોત : 4ને હોસ્પિટલમાં ખસેડાયા : વિસ્તારમાં અફરાતફરી મચી : હાલાત હાલ નિયંત્રમણમાં : મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીએ કંપનીમાં ગેસ લીકેજને લઈને તપાસના આદેશ આપ્યા access_time 9:03 am IST

  • ખાબોચીયાના પાણીમાં તરસ છીપાવતા ઉંટ : રાજસ્થાનના રણમાં તસ્વીરકારે સુંદર તસ્વીર કલીક કરી છે. રાજસ્થાનમાં પણ ચોમાસુ બેસી ગયું છે. પરંતુ વરસાદ હજુ જામ્યો નથી. ત્યારે રાજસ્થાનના રણ વિસ્તારમાં ઉંટોની નજર ખાબોચીયામાં ભરેલા પાણી ઉપર પડતા ઉંટો પોતાની તરસ છીપાવવા પહોંચી ગયા હતા. access_time 3:04 pm IST