Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

કોઇપણ બાયપાસ જુનાગઢની અંદરથી નહિ પણ બહારથી પસાર કરવો જોઇએઃ મશેન્દ્રભાઇ મશરૂ

જુનાગઢ-ઇવનગર-મેંદરડા બાયપાસની પથરેખા-બીમાં ફેરફાર નહિ કરવા પુર્વ ધારાસભ્યની માંગ

જુનાગઢ તા. ૩૦: જુનાગઢ-ઇવનગર-મેંદરડા બાયપાસની પથરેખા-એ મુજબ કામગીરી હાથ ધરવાની કથિત હિલચાલ સામે પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂએ વાંધો ઉઠાવીને જણાવેલ  છે કે, કોઇપણ બાયપાસ શહેરની અંદરથી નહિ પણ શહેર બહારથી પાસર કરવો જોઇએ.

આ દરખાસ્ત જનહિત વિરૂધ્ધ હોવાનું જણાવી શ્રી મશરૂએ કલેકટરને પાઠવેલ વિસ્તૃત રજુઆત પત્રમાં જણાવેલ કે, રાજકોટ કે સોમનાથ તરફથી આવતા વાહનો જુનાગઢમાં ન પ્રવેશે તે માટે કૃષિ યુનિ.એ પોતાની હદની દિવાલો રસ્તો કાઢવા માટે મોટી જગ્યા વર્ષો અગાઉ ફાળવી આપેલ છે.

આ જગ્યા હેઠળ બનનાર રસ્તા પર આવતા ૧૬ જેટલા ખેડુતોમાંથી ૧૧ કિસાનોએ પોતાની જમીન કપાશે તો વાંધો નથી તેવી લેખિત બાહેધરી પણ આપી દીધેલ છે.

પુર્વ ધારાસભ્ય શ્રી મશરૂએ વધુમાં જણાવેલ કે, જમીન સંપાદન માટે રૂ. બે કરોડ ૧૦ લાખની ગ્રાન્ટ પણ ફાળવાયેલી છે અને હવે વળતરનાં નિયમો મુજબ જમીન માપણી કચેરી દ્વારા કાર્યવાહી કરવાની બાકી છે.

હાલ ઇવનગર-મેંદરડા-સાસણ જવા જુનાગઢની મધ્યમાં જફર મેદાન થઇ નાના-મોટા વાહનો પસાર થાય છે. જેના પરિણામે  ટ્રાફિકનાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ટીંબાવાડી-જુનાગઢ બાયપાસ વચ્ચે અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોય વિદ્યાર્થીઓની અવર-જવરના કારણે અકસ્માતો થવાની શકયતા વધે છે.

આથી વિદ્યાર્થીઓની સલામતી માટે પથરેખા-બી સ્વીકારવામાં આવેલ છે. જો નવી પથરેખા-એ સ્વીકારવામાં આવે તો કૃષિ યુનિ.ની મધ્યમાંથી રસ્તો પસાર થાય જેનાથી એગ્રી યુનિ. બે ભાગમાં વહેંચાઇ જશે. સુચિત પથરેખા-એ ઉપર કૃષિ. યુનિ.ના આવેલ કવાટર્સનું સ્થળાંતર કરવું પડે તેમજ એગ્રોનોમી ફામૃ સંશોધન કેન્દ્રને નુકશાન થાય તેમ છે તેમ જણાવી શ્રી મશરૂએ નવી થયેલી દરખાસ્ત પાછી ખેંચવામાં નહિ આવે તો ધરણા- ઉપવાસ કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

(1:07 pm IST)