Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

જુનાગઢના વૃધ્ધ નિકેતનના આંગણે જન વિજ્ઞાન જાથા દ્વારા યોજાયો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ : જુનાગઢના વૃધ્ધ નિકેતન સંસ્થા અને સત્યમ સેવા યુવક મંડળના ઉપક્રમે વૃધ્ધાશ્રમમાં અંધશ્રધ્ધા નિવારણ અર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્ધતીથી ઉદ્દઘાટન વૃધ્ધા કાશીબેનના હસ્તે કરાયુ હતુ. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાઝાએ સ્વાગત પ્રવચન  કર્યા બાદ અગ્નિનું આપોઆપ સળગવુ, એકના ડબલ, હાથમાંથી કંકુ ભસ્મ લોહી નિકળવું, હાથ માથા પર દીવા રાખવા, જીભની આરપાર ત્રિશુલ નાખવું, દરગાહની બેડી તુટવી વગેરે પ્રયોગોનું વૈજ્ઞાનિક પધ્ધતીથી નિદર્શન કરાયુ હતુ.  વૃધ્ધ નિકેતનના ટ્રસ્ટી રજનીબેન પુરોહીત, કમલેશભાઇ પંડયા, રાજુભાઇ પુરોહીત, વર્ષાબેન બોરીસાગર, પ્રવિણભાઇ ચોથાણી વગેરેએ પણ આ પ્રયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો. જાથાના ચેરમેન જયંત પંડયાએ લોકોને અંધશ્રધ્ધામાંથી બહાર આવવા આ તકે ટકોર કરી હતી. તેમજ વયોસ્કોની સુખાકારી માટે શું કાળજી લેવી તેની છણાવટ કરી હતી. વૃધ્ધોએ પણ મુળ સ્વભાવ પ્રકૃતિમાં બાંધછોડ કરી સૌની સાથે હળી ભળી જવાની સલાહ આપી હતી. આ તકે વૃધ્ધ નિકેતનના રજનીબેન અને રાજુભાઇ પુરોહીતની સેવા ભાવના બદલ જાથાથી ટીમ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. જાથાની ટીમમાં ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, ભાનુબેન, મનસુભાઇ, કિંજલબેન ગોહીલ તેમજ સ્થાનીક કાર્યકરો સાથે જોડાયા હતા. સમગ્ર સંચાલન મનસુખભાઇ વાઝા અને રજનીબેન પુરોહીતે સંભાળ્યુ હતુ. રાજયમાં કયાંય પણ આવા જનજાગૃતિ કાર્યક્રમ ગોઠવવા ઇચ્છુકોએ વિજ્ઞાન જાથાના કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(1:06 pm IST)