Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

ખંભાળીયા પાલિકાની વેરા વસુલાત ઝૂંબેશ ફળીઃ ટૂંક સમયમાં ૮૪ લાખ વેરો ભેગો થયો

(કૌશવ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦ :.. પાલિકા ચીફ ઓફીસર ભરતભાઇ વ્‍યાસ દ્વારા પાલિકાના સત્તાધીશો તથા સદસ્‍યોના સહયોગથી રાજૂભાઇ વ્‍યાસને ટેકસ અધિકારી બનાવીને વેરાની રકમ પ્રમાણે આઠ ટીમો બનાવીને ઘેર ઘેર તથા વ્‍યકતીઓને મળીને વસુલાત ઝૂંબેશ કરતા તે ફળી છે તથા ૮૪ લાખ રૂપિયાની વસુલાત ટૂંક સમયમાં થઇ છે.

પાલિકા દ્વારા હાલ ૩૦ સુધી ૧૭ ટકા વળતર તથા પાંચ ટકા ઓનલાઇન ભરાય તો વળતર હોય તેનો લાભ લેવાની અપીલ સાથે જરૂર પડયે પાલિકા મીલકત સીલ કરીને વેચાણ જાહેર હરરાજીથી કરી શકશે તેવી ચેતવણી પણ ચીફ ઓફીસર દ્વારા આપવામાં આવી છે.

શાળાઓ, સરકારી કચેરીઓ, બસ સ્‍ટેશન, રેવન્‍યુ કચેરીઓ વિ. ને પણ નોટીસો આપવામાં આવી છે. તથા ચીફ ઓફીસર દ્વારા તમામ આઠ ટીમોના વડાને બોલાવી મીટીંગ યોજીને એકશન પ્‍લાન આપવામાં આવ્‍યો હતો.

દરેક વ્‍યકત કરદાતાને બીલ ઘેર બેઠા મળે તે માટે સખી મંડળોને બીલ દીઠ પાંચ રૂપિયા મહેનતાણું આપીને વિતરણ વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે તથા બાકી રકમની તાકીદે પહોંચ મળે તેવી પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

૩૧-પ-ર૩ પછી વધુ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. અગાઉ જાન્‍યુઆરીમાં થતી ઝૂંબેશ આ વખતે મે માસથી થયાનો રેકોર્ડ છે.

ગાંધીનગર વિવિધ પ્રશ્નો અંગે આપે રજૂઆત કરી

દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રામજીભાઇ પરમાર તથા અન્‍ય આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

જિલ્લાની કંપનીઓ દ્વારા પ્રદુષણ તથા સ્‍થાનિક લોકોને રોજગારીના આપવી, ખેડૂતોને પ્રદુષણ વળતરણ આપવા અંગે તથા ખેતીના પાકને નુકશાનના વળતર અંગે રજૂઆતો કરી હતી. ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ, પર્યાવરણ અને વન મંત્રી, આરોગ્‍ય મંત્રી, મુખ્‍યમંત્રી તથા મુખ્‍ય સચિવ ગાંધીનગરને આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી.

લોકોએ ફાયનલ આનંદ

મોટા પડદા પર માણ્‍યો

ગઇકાલે સાંજે આઇ. પી. એલ. ફાઇનલ મેચમાં ગુજરાત તથા ચેન્નઇ સુપર વચ્‍ચેના રોમાંચક જંગમાં રેલ્‍વે સ્‍ટેશન પાસે વેદાંત હોસ્‍પીટલ પાસે ડો. અમિત નકુમ દ્વારા વિશાળ સ્‍ક્રીન પર મેચનું લાઇવ પ્રસારણ લોકો જોઇ શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવતા લોકોએ મોટી સંખ્‍યામાં તેનો લાભ લીધો હતો.

ડો. અમીત નકુમ સાથે અગ્રણી હરીભાઇ નકુમ, માહી સતવારા, ઇન્‍દ્રજીતસિંહ પરમાર,  અશોકભાઇ કાનાણી, માનભા જાડેજા વિ. પણ જોડાયા હતાં.

ગટરો-નાળાની સફાઇ શરૂ

સેનીટેશન ઇન્‍સ્‍પેકટર રાજપારભાઇ ગઢવી તથા કિશોરસિંહ સોઢાની આગેવાની હેઠળ સુપરવાઇઝર રમેશભાઇ ગુણવંતભાઇ, વાઘેલા તથા તેમની ટીમ દ્વારા શહેરમાં પ્રિ. મોન્‍સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ઉંડી ગટરો, નાળા તથા વરસાદી પાણીના નિકાલ માટેની જગ્‍યાઓ પર સાફ કરવાની કામગીરી સમુહમાં શરૂ કરવામાં આવી છે.

(1:54 pm IST)