Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

મોરબી જિ. પં.ની સામાન્‍ય સભામાં નાની સિંચાઈ કૌભાંડ મુદ્દે ગરમાગરમી : કામ કોરાણે મુકાયા

જિલ્લામાં ૩૭૧ કુપોષિત બાળકો, ૧૨૯ અતિ કુપોષિત બાળકો : ડીડીઓએ કહ્યું પ્રયત્‍નો ચાલુ : આવતા મહિને રિઝલ્‍ટ દેખાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : એક સભ્‍યએ તો પરિવાર સાથે સરકારી ખર્ચે પ્રવાસ કરાવવાનો અભરખો ઉજાગર કર્યો, અધિકારીઓએ આવી જોગવાઈ ન હોવાનું કહી સભ્‍યને આદરપૂર્વક બેસાડી દીધા

ᅠમોરબી જિલ્લા પંચાયતની મળેલી સામાન્‍ય સભામાં સિંચાઈ કૌભાંડ મુદ્દે ગરમાગરમી જોવા મળી હતી. જો કે આક્ષેપ અને બચાવ કામગીરી વચ્‍ચે સિંચાઇના એક પણ કામની વાત થઈ શકી ન હતી. માત્ર ૫૦ જ મિનિટમાં સભા આટોપી લઈ સૌ સભ્‍યો અને અધિકારીઓ છુટા પડ્‍યા હતા.

મોરબી જિલ્લા પંચાયતમાં આજે ડીડીઓ ડી.ડી. જાડેજાના સચિવ સ્‍થાને તેમજ પ્રમુખ ચંદુલાલ શીહોરાની અધ્‍યક્ષતાના સામાન્‍ય સભા મળી હતી. આ સભામાં ૨૪માંથી ૨૦ સભ્‍ય હાજર રહ્યા હતા. સભાની ખાસ વાત એ હતી કે વિપક્ષના માત્ર ૨ જ સભ્‍યોએ પ્રશ્નો ઉઠાવ્‍યા હતા. જેમાં એક સભ્‍યએ ૬ પ્રશ્ન તથા બીજા મહિલા સભ્‍યએ એક પ્રશ્ન ઉઠાવ્‍યો હતો. બાકીના બીજા સભ્‍યોએ જાણે સબ સલામત હોવાની ગવાહી પૂરતા હોય તેમ એકેય પ્રશ્નો ઉઠાવ્‍યા ન હતા.

સભામાં નાની સિંચાઈ કૌભાંડ ધૂણતા બન્ને પક્ષના સભ્‍યોએ ગરમાગરમી પકડી હતી. સિંચાઇના ૩૩૪ કામો હજી બાકી છે તેને ચાલુ કરવા માટે આ સભામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બીજી તરફ જિલ્લામાં ૭૬૧માંથી ૧૪૭ આંગણવાડી ભાડાની છે. તે અંગે ડીડીઓએ જણાવ્‍યું કે આમાં જમીનની પ્રક્રિયા ચાલી રહી છે.

આ સભામાં કુપોષિત બાળકોનો મુદ્દો ઉઠ્‍યો હતો. જેમાં જિલ્લામાં ૩૭૧ કુપોષિત બાળકો અને ૧૨૯ અતિ કુપોષિત બાળકો હોવાનું જાહેર કરાયુ હતું. જવાબમાં ડીડીઓએ કહ્યું કે પ્રયત્‍નો ચાલુ છે. એક મહિનામાં રિઝલ્‍ટ દેખાશે. જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોમાં ટોયલેટ ન હોય, ૧૭ ગ્રામ પંચાયતમાં રૂ.૧૨ લાખના ખર્ચે ટોયલેટ બનાવવાના કામને મંજૂરી અપાઈ હતી.ઉપરાંત એક સભ્‍યએ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યને પરિવાર સાથે પ્રવાસ કરવાનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. જો કે આવી કોઈ જોગવાઈ ન હોવાનું જણાવીને અધિકારીઓએ તે મુદ્દો પડતો મુક્‍યો હતો.

સભામાં શહીદ પરિવારને સ્‍વંભંડોળમાંથી રૂ. ૧ લાખની સહાય આપવાની જોગવાઈને મંજૂરી અપાઈ હતી. સદસ્‍યોને બેઠકની કાર્યવાહીની નોંધ ન મળતી હોવાનો બળાપો ઠાલવ્‍યો હતો. સામે ડીડીઓએ સ્‍પષ્ટ ચેતવણી આપી કાર્યવાહીની નોંધ મળે તેવા આદેશો આપ્‍યા હતા. સભામાં ૨૧ એજન્‍ડા મંજુર કરવામાં આવ્‍યા હતા

(12:53 pm IST)