Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના કબજા મામલે દેવપક્ષની તરફેણમાં ચુકાદો આવતા આચાર્ય પક્ષને સત્તામાંથી હાથ ધોવા પડ્યા.

આચાર્ય પક્ષ અને SP સ્વામીની મોટો ઝટકો : મંદિરનો કબજો હવે દેવપક્ષ સંભાળશે.

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના લઈને આચાર્ય પક્ષ અને SP સ્વામીની મોટો ઝટકો લાગ્યો છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર પર હવે દેવ પક્ષનો કબજો છે. ચૂંટણી દરમિયાન આચાર્ય પક્ષની જીત થઇ હતી. છતાં પણ હવે દેવ પક્ષે સ્વામિનારાયણ મંદિરની સત્તા સંભાળી છે. આચાર્ય પક્ષે જ્યારે સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી જીતી હતી ત્યારે દેવ પક્ષ દ્વારા ટ્રસ્ટીઓના નામ નહીં ઉમેરવા બાબતે ચેરીટી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. દેવ પક્ષની રજૂઆતના પગલે ચેરિટી કમિશનર દ્વારા આચાર્ય પક્ષના ચાર ટ્રસ્ટીઓના નામ રદ્દ કરવામાં આવ્યા છે જેના કારણે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનો કબજો હવે દેવપક્ષ સંભાળશે.

            સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીમાં છેલ્લા ઘણા વર્ષોથી દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ મંદિરો વડતાલ, ગઢડા અને જૂનાગઢમાંથી ગઢડા અને જૂનાગઢ મંદિર આચાર્ય પક્ષ પાસે હતું પરંતુ ગઢડા મંદિરની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય થયો હતો અને ત્યારબાદ જૂનાગઢ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષનો વિજય થયો હતો.

           આચાર્ય પક્ષની જીત થતા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં પણ વિવાદ શરૂ થયો હતો અને દેવ પક્ષ દ્વારા ચેરીટી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે, વડતાલ ગાદીમાં જે સુકાન સંભાળતા હોય છે તે પક્ષને જ જૂનાગઢના ટેમ્પલમાં સુકાન સંભાળવાનો અધિકાર છે.

           દેવ પક્ષની રજૂઆતને પગલે ચેરિટી કમિશનર દ્વારા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાંથી આચાર્ય પક્ષના ચાર ટ્રસ્ટીઓના નામ રદ્દ કરવામાં આવ્યા છે. જેના કારણે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનું સુકાન હવે દેવ પક્ષના હાથમાં છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષનુ ટ્રસ્ટ બોર્ડ બેસતા આચાર્ય પક્ષના SP સ્વામીએ અનેકો સવાલ ઉઠાવ્યા છે અને બોર્ડની ગેરકાયદેસર રીતે નિમણૂક થઇ હોવાનું પણ તેઓએ કહ્યું છે.

          મહત્ત્વની વાત એ છે કે, જ્યારે ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઇ હતી ત્યારે પણ આચાર્ય પક્ષ અને તેમના એડવોકેટ દ્વારા ચૂંટણીમાં ગફલત થઇ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આચાર્ય પક્ષ અને દેવ પક્ષનો વિવાદ વર્ષ 2001થી ચાલ્યો આવે છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો સત્તાને લઈને સામ-સામે આવી જતા હોય છે પરંતુ અહીંયા સ્વામિનારાયણ મંદિરની સત્તાને લઈને પણ હવે બે અલગ-અલગ જૂથના સંતો સામ-સામે આવી રહ્યા છે.

(11:21 pm IST)