Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ત્રંબામાંથી બે ભાઇના બાઇક એક સાથે 'છૂ'

રાજકોટના બંને ભાઇઓ મજૂરી માટે ત્રંબા ભાડે મકાન રાખીને રહે છે

રાજકોટ તા. ૩૦: ત્રંબામાં રહેતાં બે કોળી ભાઇઓના બાઇક એક સાથે ચોરાઇ જતાં ચર્ચા જાગી છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.

ત્રંબાથી જી.એન. જાદવે જણાવ્યા મુજબ મુળ વડાળીના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા વિશાલ મનસુખભાઇ મેર (કોળી) તથા તેના ભાઇ હાલમાં લોકડાઉન ખુલ્યા પછી કામધંધો ન મળતાં ત્રંબા કલ્યાણ પાર્કમાં મકાન ભાડે રાખી અહિ મજૂરી કરે છે. આ બંને ભાઇઓએ પોતાના હોન્ડા બાઇક જીજે૦૩જેએ-૨૯૭૯ તથા જીજે૦૩જેજે-૭૯૭૯ ત્રણ દિવસ પહેલા ૨૭મીએ સાંજે કામેથી ઘરે આવ્યા બાદ ઘર બહમાર લોક કરીને પાર્ક કર્યા હતાં. બીજા દિવસે સવારે આ બાઇક ગાયબ જણાયા હતાં.

બંને ભાઇઓના બાઇક એક સાથે ઉપડી જતાં ગામમાં ચર્ચા જાગી હતી. ઉઠાવગીરોને લોકડાઉન લાગુ ન પડતું હોય તેમ બિન્દાસ્ત વાહનો હંકારી જવાયા હતાં. મજૂર ભાઇઓના બાઇક એક સાથે ચોરાઇ જતાં મજૂરીએ જવામાં પણ તકલીફ ઉભી થઇ છે. ઘરમેળે બાઇકની શોધખોળ કર્યા બાદ પત્તો ન મળતાં પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે.

(1:04 pm IST)