Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ટંકારાના વિરપરમાં સાથળ પાસે કેન્સરની ગાંઠ પર વૃધ્ધાએ ઝેર ચોપડ્યું: ઝેર લોહીમાં ભળી જતાં મોત

કોળી વૃધ્ધા કુંવરબેન વર્ષોથી પિડાતા હતાં: રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩૦: ટંકારાના વિરપર (મચ્છુ)માં રહેતાં કોળી વૃધ્ધાને વર્ષોથી કેન્સરની ગાંઠ થઇ હોઇ ઓપરેશન કરાવવા છતાં ફેર ન પડ્યો હોઇ કંટાળીને તેમણે આ ગાંઠ પર મોનોકોટો નામની ઝેરી દવા ચોપડી દેતાં જીવાતો નીકળી પડી હતી. આ ઝેરી દવા લોહીમાં ભળી જતાં તેમનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ વિરપરમાં રહેતાં કુંવરબેન રતાભાઇ બાવરવા (ઉ.વ.૬૫)ને સાથળ પાસે ગુપ્ત ભાગ નજીક કેન્સરની ગાંઠ થઇ હોઇ અગાઉ ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ આમ છતાં ફરક પડ્યો નહોતો. કેન્સરની ગાંઠની કારણે ભારે તકલીફ પડતી હોઇ તેઓ કંટાળી જતાં પરમ દિવસે આ ગાંઠ પર ઝેરી દવા ચોપડી દીધી હતી. આ કારણે અંદરથી જીવાતો નીકળી હતી અને તેમની તબિયત પણ લથડી ગઇ હતી. સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગઇકાલ તેમનું મોત નિપજ્યું હતું.

તબિબી તપાસમાં જે ઝેરી દવા કેન્સરની ગાંઠ પર ચોપડી તે લોહીમાં પણ ભળી ગઇ હોઇ ઝેરી અસર થયાનું ખુલતાં પોલીસ કેસ જાહેર કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે.

(11:39 am IST)