Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ઉનાના પૂર્વ ધારાસભ્ય ઉપર ફાયરીંગ કરનાર ૮ શખ્સો સામે ગુન્હોઃ સામા પક્ષની ફરિયાદ લેવા પોલીસ અમરેલી રવાના

ચૂંટણી હારી જવાના મનદુઃખથી આરોપીઓએ ફાયરીંગ કરતા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે સ્વબચાવમાં હવામાં ફાયરીંગ કરેલઃ બઘડાટીમાં ઘવાયેલાઓમાં કાળુભાઇ સહિત ૪ રાજકોટ અને ર અમરેલી હોસ્પિટલમાં સારવારમાં

ઉના તા.૩૦ :.. પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ કાળુભાઇ રાઠોડ ઉપર મારી નાખવાના ઇરાદે તથા નગરપાલિકાની ચૂંટણી હારી જવાના મનદુઃખથી ફાયરીંગ અને ધારીયા વડે હૂમલો કરનાર ૮ શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. સામ પક્ષે હરીફ જૂથના ઘવાયેલ ર સભ્યો અમરેલી હોસ્પિટલમાં સારવારમાં હોય તેઓની ફરીયાદ લેવા ઉના પોલીસ અમરેલી જવા રવાના થઇ છે. ચૂંટણીના મનદુઃખથી આરોપીઓએ ફાયરીંગ કરતા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે સ્વબચાવ માટે હવામાં ફાયરીંગ કરેલ હતાં. બઘડાટીમાં ઘવાયેલાઓમાં હાલ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ સહિત ૪ રાજકોટમાં  અને ર અમરેલી હોસ્પિટલમાં સારવારમાં છે.

ઉનાના પૂર્વ ધારાસભ્ય અને નગરપાલીકાનાં પ્રમુખ કાળુભાઇ રાઠોડ ઉપર મારી નાખવાના ઇરાદે ૮ આરોપીએ કાવત્રુ રચી પીસ્તોલ, ધારીયા વતી હૂમલો કર્યાની ફરીયાદ નોંધાવી નગરપાલિકાની ચૂંટણીનાં મનદુઃખને કારણે આરોપીએ હૂમલો કર્યો હોવાનું જણાવ્યું છે.

બે દિવસ પહેલા બપોરના ગીરગઢડા રોડ ઉપર એમ. કે. પાર્ક સોસાયટીમાં અનંતરાય ઉર્ફે અનુભાઇ ઠાકરનાં ઘર પાસે ખુરશી રાખીને બેઠા હતાં. ત્યારે ૩ વ્યકિત વાહનમાં આવી અંધાધુધ ફાયરીંગ કરતાં કાળુભાઇ રાઠોડ, અનંતરાય ઠાકર, ત્થા લોકેશ રસીકભાઇ ત્થા મીતેશભાઇ શાહનાં હાથમાં ઇજા થઇ હતી. અને રાજકોટ સારવાર માટે ખસેડાયા ત્યાં સીનેજી હોસ્પીટલમાં ગીર સોમનાથ જીલ્લાનાં એસઓજીના પોલીસ  ઇન્સ્પેકટર એસ.એમ. વસાવા ફરીયાદ લેવા ગયેલ હતાં. ફરીયાદી કાળુભાઇ ચનાભઇ રાઠોડ રે. ઉનાવાળાએ ફરીયાદમાં લખાવેલ  હતી. કે ગત નગરપાલીકાની વોર્ડની સામાન્ય ચૂંટણીમાં યોગેશ ભગવાને  બાંભણીયા ચૂંટણી લડી હતી.  અને હારી ગયા હતા તે મનદુઃખ નું વેર રાખી, આરોપી યશવંત મનુભાઇ બાંભળીયા, મહેશ ભગવાનભાઇ બાંભણીયા, રવી મનુભાઇ બાંભણીયા, સંજય ભગવાનભઇ બાંભણીયા, મનુ ભગવાન બાંભણીયા, યોગેશ ભગવાન બાંભણીયા, ભીખા ભગવાન બાંભણીયા, સહિત ૮ રે. તમામ ઉનાવાળા એ તેમને મારી નાખવાના ઇરાદે પૂર્વ આયોજીત કાવત્રુ રચી. અને તે બેસણામાં બેસવા તેમને ફાળવેલ કમાન્ડોનાં રક્ષણ વગર ગયા હતાં.

એમ.કે.પાર્કનાં રીઝર્વ પ્લોટમાં આરોપી યશવંત અને મહેશ હાથમાં પીસ્તોલ જેવા હથીયાર ધારણ કરી તથા રવિએ ધારીયુ ધારણ કરી ઘસી આવેલ અને કાંઇ સમજે વિચારે તે પહેલા કાળુભાઇ ઉપર ફાયરીંગ કરેલ હતું તેને બચાવવા વચ્ચે પડેલ અનંતભાઇ ઠાકર ત્થા લોકેશ રસીકભાઇને ઇજ થઇ હતી. અને મીતેશભાઇ શાહને ધારીયુ હાથમાં વાગેલ હતું.

આ બનાવ વખતે ચંદ્રેશભાઇ જોશી, (ઉપપ્રમુખ ન.પા.) જોઇ જતા કાળુભાઇને બચાવવા તેની  ઉપર પડેલ કાળુભાઇ ખુરશી ઉપરથી પડી ગયેલ આબાદ બચાવ થયો હતો. અને તુરંત કાળુભાઇ તેમની રીવોલ્વરમાંથી સ્વબચાવમાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા તેમ છતા આરોપી મચક ના આપતા વધુ ૩ રાઉન્ડ ફાયરીંગ કરેલ હતાં. આરોપીઓ જીવ બચાવવા નાસી ગયા હતાં. અને આજુબાજુમાં રહેતા લોકોમાં અફડાતફડી મચી ગઇ હતી. થોડીવાર પછી કાળુભાઇનો મોટરનાં ડ્રાઇવર ત્થા કમાન્ડો આવી ગયેલ હતાં. મોટરમાં દવાખાને સારવાર માટે ખસેડાયેલ હતાં.

આ બનાવમાં ૮ આરોપી સામે ફરીયાદ નોંધાવતા ઉના પોલીસે આજે ઉના પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૭, ૩ર૪, ૧ર૦ હથીયાર ધારા રપ (૧ બી), (એ.), ર૭-ર ત્થા જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરી આ બનાવનાં આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. ડીવાયએસપી એમ. એમ. પરમાર, ત્થા ઉનાનાં પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી કરી રહ્યા છે.

દરમિયાન જાણવા મળતી વિગત મુજબ અમરેલી જીલ્લાના એસ.પી. નિર્લપ્તરાયની સુચનાથી નાકાબંધી કરાવી. એલસીબી પી. આઇ. નાં કરમટા ત્થા ખાંભાના પીએસઅઇ ડી. એ. તુવેર ટીમે ગઇકાલે સાંજે ખાંભા નજીક એક સ્કોપીર્યો જીજે-૧૧ એ. એ. ર૩ર૬ રોકાવી તપાસ ૪ લોકો શંકાસ્પદ જણાતાં ઇજા પામેલ હતાં તે મહેશભાઇ બાંભળીયા, મધુવન ગ્રુપનું જણાવતા તેમને અમરેલી સીવીલ હોસ્પીટલમાં લઇ જઇ જેમાં યશવંત મનુભાઇ બાંભળીયા, મહેશ ભગવાનભાઇ બાંભણીયાને રાજકોટ પોલીસ બંદોબસ્ત વચ્ચે ખસેડેલ છે.ત્યારબાદ યશવંત અને રવિ બાંભણીયાને અમરેલી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. ઉના પોલીસને જાણ કરતા આ ત્રણેય ફાયરીંગનાં બનાવમાં સંડોવાયા છે. કે કેમ ? માહિતી માગી હતી.

ઉના થી ગીર સોમનાથ જીલ્લાના એ.એસ.પી. અમીત વસાવા, અને પીએસઆઇ રમેશભાઇ એન. રાજયગુરૂ અમરેલી સામે પક્ષની ફરીયાદ લેવા ગયેલ છે.

(11:26 am IST)