Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કુખ્યાત ખંડણીખોર અફરોઝ હરિયાણાથી ઝડપાયો

ગાંધીધામના ઉદ્યોગપતિ મહંમદરફીક બારા અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અગ્રણી હાજી જુમા રાયમાને ધમકી આપનારઃ જન્મટીપની સજા દરમિયાન વચગાળાના જામીન પર છૂટેલા અફરોઝ ઉપર અગાઉ એક ઉદ્યોગપતિની હત્યા સહિત ૬ ગુના : ગાંધીધામના હિસ્ટ્રીશીટર અનવર રાજાની પણ ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : ગત અઠવાડિયે ગાંધીધામ કંડલા મધ્યે ગારમેન્ટ કાપડનું યુનિટ ધરાવતા ઉદ્યોગપતિ મહંમદરફીક બારાને તેના કપડાના વ્યાપારનું કામ આપી દેવા માટે ધમકી મળ્યાનો બનાવ બન્યા બાદ પોલીસ ફરિયાદમાં સાથે રહેનાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અગ્રણી હાજી જુમા રાયમાને પણ વચ્ચેથી હટી જવા ધમકી અપાઈ હતી.

આ અંગેઙ્ગ ફરિયાદ નોંધ્યા બાદ ગાંધીધામ પોલીસે સસ્પેન્સ રાખીને એ વિશે કોઈ પણ માહિતી આપી નહોતી. દરમ્યાન આ ધમકી કુખ્યાત ખંડણીખોર અફરોઝ અન્સારી દ્વારા આપાઈ હોઈ પૂર્વ કચ્છના ડીએસપી પરીક્ષિતા રાઠોડે આ ઘટનાની ગંભીરતા સમજીને આરોપીને ઝડપી લેવા ખાસ પોલીસ ટીમ બનાવી તેને ઝડપી પાડવાની વ્યૂહ રચના ઘડી હતી. આ ધમકી અફરોઝ ગુજરાત બહાર અન્ય રાજયમાંથી આપી હોવાનું ધ્યાને આવ્યા બાદ પોલીસે કરેલ વોચમાં દરમ્યાન અફરોઝ અન્સારી વારંવાર તેનું લોકેશન બદલતો હોવાનું ધ્યાને આવ્યું હતું.

આરોપી અફરોઝનું લોકેશન ટ્રેસ કરતી ગાંધીધામ પોલીસને હરિયાણામાં યમુના નદીને કાંઠે આવેલા ગડી ગામમાં ખેતરોની સીમમાં અફરોઝ છુપાયો હોવાનું ધ્યાને આવ્યા બાદ ગત ૨૭/૫ ના સ્થાનિક હરિયાણા પોલીસની સાથે તેને ઝડપવા ગાંધીધામ પોલીસ મધરાતે અઢી વાગ્યે ત્રાટકી હતી. જોકે, ચાલાક અફરોઝ પોલીસને ચકમો આપવા ખેતરોમાંથી નાસ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો. ખેતરોમાં ભરાયેલા પાણી વચ્ચે કાદવ કીચડમાં પોલીસે અફરોઝનો પીછો કરી તેને આબાદ રીતે ઝડપી પાડ્યો હતો. પૂર્વ કચ્છ ડીએસપી પરીક્ષિતા રાઠોડે આ ચકચારી ખંડણી પ્રકરણમાં ગાંધીધામના હિસ્ટ્રીશીટર અનવર રાજાની સંડોવણી હોવાનો ધડાકો કર્યો હતો. ગાંધીધામ પોલીસે અનવર રાજાને તેના ઘરેથી જ દબોચી લીધો હતો.

અફરોઝે અગાઉ ગાંધીધામના ઉદ્યોગપતિ સચિન ધવનની હત્યા કરી હતી. જે બદલ તેને જન્મટીપની સજા પણ થઈ હતી. હાલ વચગાળાના જામીન પર છૂટેલા અફરોઝ ઉપર ૬ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જોકે, અત્યારે જેની પાસે ખંડણી માંગી હતી તે ફરિયાદી ઉદ્યોગપતિ મહંમદરફીક બારા અને મૂળ હરિયાણાના પાણીપતનો અફરોઝ અન્સારી બંને એકબીજાને જાણે છે. એટલુંજ, નહિ પણ મહંમદરફીક બારાના ઈશારે જ અફરોઝે અગાઉ ઉદ્યોગપતિ સચિન ધવનની હત્યા કરી હોવાનું પણ ખુલ્યું હતું. બંને સામે આ અંગે ગુનો પણ નોંધાયો હતો.

જયારે હવેના કેસમાં અફરોઝ અને અનવર રાજા બન્ને સામસામે આવી ગયા છે. પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે આ અંગે પણ પોલીસ તપાસ કરી રહી હોવાનું કહ્યું છે. બન્ને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવીને પોલીસે તેમના કોર્ટ દ્વારા રિમાન્ડ માંગવાની તૈયારી કરી છે.

અફરોઝનો ભાઈ અલી અન્સારી તેના સાથીદાર તરીકે અગાઉના ગુના બદલ ગાંધીધામ જેલમાં છે. તો,બીજો આરોપી અનવર રાજા હત્યા અને લાકડાની ચોરીના ગુનામાં સંડોવાયેલો છે.

(11:00 am IST)