Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ગોંડલ નવનિર્માણ પામી રહેલ એસ.ટી ડેપો નો વિકાસ રૃંધાયો

ગોંડલ, તા.૩૦: ગોંડલ એસટી ડેપો માં નવનિર્માણનું છેલ્લા ૧૮ માસથી બંધ હોય શહેર-તાલુકાના આશરે ૨૫ હજારથી પણ વધુ મુસાફરો રોજિંદા મુશ્કેલી ભોગવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ એસટી સલાહકાર સમિતિના સદસ્ય ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભાણુભા ઝાલાએ જણાવ્યું હતું કે ગોંડલ એસટી ડેપોના નવનિર્માણનું કામ છેલ્લા અઢાર માસથી બંધ છે. ડેપોના બંધ થયેલા કામને કારણે રોજિંદા હજારો મુસાફરો પરેશાની ભોગવી રહ્યા છે, એસટી તંત્ર દ્વારા અમદાવાદના કોન્ટ્રાકટરને માત્ર ૧૧ માસનો સમય આપવામાં આવ્યો હતો જેના બદલે ૧૮ માસથી તો કામ બંધ પડેલ છે અને પાણીની વ્યાપક તંગી હોવાના કારણે કોલમ તથા બીમ ને પાણી પીવડાવ્યા વગર જ ખડકી દેવામાં આવ્યા છે, આ અંગેની કોઈ જ જાતની તપાસ કરવામાં આવી રહી નથી. વધુમાં ભાણુભા ઝાલાએ જણાવ્યું હતું કે આ અંગે કોન્ટ્રાકટરને પૂછપરછ કરતા તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે એસટી તંત્ર સમયસર બીલ પાસ કરી આપતું નથી જેના પરિણામે મજૂરો કામ છોડી ચાલ્યા જાય છે, જયારે એસ.ટી.નિગમ બીલ તો પાસ કરી આપે છે તો કયા કારણોસર નવ નિર્માણ પામી રહેલ એસટી ડેપો નો વિકાસ રૃંધાયો છે, તે મોટો પ્રશ્ન છે આ અંગે સ્થાનિક રાજકીય આગેવાનો રસ દાખવે તો મુસાફરોને પડતી હાલાકી માં રાહત અવશ્ય મળી શકે.

ગોંડલ એસટી ડેપોમાં છ હજાર વિદ્યાર્થી પાસ, બે હજાર મુસાફર પાસ ઇસ્યુ કરાયા છે, એ ઉપરાંત ૧૫૦૦૦ મુસાફરોની આવનજાવન પણ રહે છે અને સાતસો બસના ફેરા ચાલુ હોય છે જેના પરિણામે ડેપોને રોજિંદા આઠથી નવ લાખની આવક થઇ રહી છે.

(11:53 am IST)