Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રિલાયન્સના સામાજિક ઉત્તરદાયિત્વનાં કાર્યોમાં જળસંચય કેન્દ્ર સ્થાનેઃ રાજયનાં ૨૮ ગામોને પ્રત્યક્ષ લાભ

જામનગર તા.૩૦:  સમાજના વિવિધ ક્ષેત્રે પ્રદાન કરવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આર.આઇ.એલ.) હંમેશા અગ્રેસર રહે છે. ગુજરાત સરકારની જળ સંચયના પ્રયાસ માટેની 'સુજલામ સુફલામ જળસંચય યોજના'માં પણ રિલાયન્સ સક્રિય રીતે ભાગ લઇ રહી છે. સંસ્થાકિય સામાજિક ઉત્તરદાયિત્વ (સી.એસ.આર.) ના ભાગરૂપે આર.આઇ.એલ. દ્વારા જામનગર જિલ્લાના ૫ તાલુકાઓમાં ૨૬ સ્થળોએ અને દેવભૂમિ દ્વારકા તથા વડોદરા જિલ્લાઓમાં એક-એક સ્થળે જળસંચયનાં કામો હાથ ધરવામાં આવ્યા છે. કામગીરી માટે જામનગર જિલ્લામાં ૧૮ જેસીબી અને ૬ એસ્કેવેટર મશીનો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨ જેસીબી અને વડોદરા જિલ્લામાં ૩ જેસીબી મશીનો કાર્યરત કરાયાં છે.

ગુજરાત સરકારની 'સુજલામ સુફલામ જળસંચય યોજના' અંતર્ગત રિલાયન્સ દ્વારા તળાવ, નદી અને નહેરોમાંથી કાંપ કાઢીને તેને ઊંડા કરવાનું અને ચેકડેમોના નવીનીકરણનું કામ હાથ ધરાયું છે. કંપની દ્વારા જામનગર તાલુકામાં બેડ બંધારા, સિક્કા, ગાગવા (નદીમાંથી કાંપ કાઢવાનું તથા ગાગવા ચેકડેમ નવીનીકરણ), નાની ખાવડી, જગામેડી(સિંચાઇ યોજના) અને જાંબુડા લાલપુર તાલુકામાં કાનાલુસ, સેતાલુસ અને નવાણિયા, કાલાવડ તાલુકામાં રાજસ્થળી ખાતેની ઊંડ-૩ (નાની સિંચાઇ યોજના), જશાપર, કોડા, ભાડુકીયા, સરવાણીયા, અને બેરાજા (ભાલસણ), જામનગર શહેરની રંગમતી (નદીમાંથી કાંપ દુર કરવાનંુ) અને ખંભાળીયા તાલુકામાં રામનગર અને ગોલણ સેરડી ખાતે જળસંચયના કામો ખુબ ઝડપથી ચાલી રહયા છે. વડોદરા નજીકના શેરખી ગામના તળાવને ઊંડુ કરવાનું કામ પણ આર.આઇ.એલ.ના જળસંચય અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ  છેલ્લા ૫ વર્ષથી જળસંગ્રહ અને જળસંચયના કાર્યોમાં પ્રવૃત છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરા જિલ્લા ઉપરાંત રાજયના અરવલ્લી, રાજકોટ, અમરેલી, પાટણ, સુરત અને ભરૂચ સહિતના ૬ જિલ્લાઓમાં પણ કંપની દ્વારા સન ૨૦૧૩ થી જળસંચય માટે વિવિધ જળસંગ્રહના માળખાઓનું નિર્માણ કરવામાં આવી રહયું છે. ઉપરોકત ૬ જિલ્લાઓના ૫૨ ગામોમાં રિલાયન્સ દ્વારા ૧૫૬ ચેકડેમ, ૩૧ બોરીબંધ, ૧૮૬ ખેત તલાવડીઓ અને ૭૯ જુથ કુવાઓનું નિર્માણ કરાયું છે.

રાજય સરકાર દ્વારા 'સુજલામ સુફલામ જળસંચય યોજના' ના અમલીકરણના ભાગરૂપે રિલાયન્સ દ્વારા જામનગર, લાલપુર, અને સિક્કા તાલુકાઓમાં જળસંચયના વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે. પન્ના અને સસોઇ ડેમની જળસંગ્રહ શકિત વધારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રતિવર્ષ કાંપ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તદ ઉપરાંત ગાગવા ચેકડેમનું રૂ. ૨૫ લાખના ખર્ચે નવીનીકરણ કરાયું છે. જળસંચયના પ્રયાસોના ભાગરૂપે ૭૩,૯૦૦ ધનમીટર જળસંગ્રહ કરવાની કંપનીની નેમ છે. લાલપુર તાલુકાના કાનાલુસ અને નવાણિયા અને જામનગર તાલુકાના નાની ખાવડી ગામોના તળાવોમાંથી, કાનાલુસની પન્ના નદીમાંથી અને બેડ બંધારાની બે કિલોમીટર લાંબી કેનાલમાંથી કાંપ દુર કરવાનું કામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું છે. જામનગર તાલુકાના રંગપુર ગામના બે ચેકડેમના નવીનીકરણનું કામ પણ હાથ ધરાયું છે. આ જળસંચય કાર્યોથી લાલપુર તાલુકાના કાનાલુી, સેતાલુસ, નવાણિયા, પડાણા અને રંગપુર, જામનગર તાલુકાના નાની ખાવડી અને જીવાપર તથા સિક્કા તાલુકાના સિક્કા ગામ સહિત કુલ ૧૦ ગામોને ફાયદો થશે.

અત્રે નોંધનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક સેવા માટે રચાયેલા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પણ જળસંગ્રહ અને તે માટેના માળખાઓમાં નિર્માણની પ્રવૃતિ કાયમી ધોરણે કરવામાં આવે છે. ફાઉન્ડેશન દ્વારા કુલ ૨૯૩ જળસંચય માળખાઓનું નિર્માણકરાયું છે. જેમાં સુરત, જિલ્લાના નેત્રંગ કલસ્ટર,અરવલ્લી જિલ્લાના મોડાસા કલસ્ટર, રાજકોટ અને અમરેલી જિલ્લાના જસદણ કલસ્ટર તથા પાટણ જિલ્લાના રાધનપુર કલસ્ટરમાં ચેકડેમના નિર્માણ અને મરામત, જૂથ કુવાઓ, વોટર રિચાર્જિગ હોલીયા, ખેત તલાવડી વગેરેનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશનની આ જળસંગ્રહ પ્રવૃતિ થકી કુલ ૬,૫૨,૧૨૦ ધન મીટર જળસંગ્રહની વ્યવસ્થાનું નિર્માણ થયું છે. આ પ્રવૃતિ થકી આ ૫ જિલ્લાઓનાં ૨૮ ગામોને ફાયદો થયો છે. (૧.૨૦)

(12:58 pm IST)