Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

કાલે ગોંડલના રાણસીકીમાં ૧૦૮ યજમાનો દ્વારા નર્મદા નીરના કળશનું પૂજન

'સુજલામ સુફલામ' જળ અભિયાનનો પૂર્ણાહુતિ સમારોહ યોજાશે : પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા પ્રદર્શન : રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહેશે

રાજકોટ તા. ૩૦ : રાજયના જળાશયોની પાણી સંગ્રહશકિત વધારવા માટે રાજય સરકાર દ્વારા જનજનને જોડી આરંભવામાં આવેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ હવે પરિણામલક્ષી અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાના ગામેગામે આવેલા ચેકડેમો, ખેતતલાવડીઓને ઉંડા ઉતારવા અને કેનાલો, નદીઓની સફાઇ, એરવાલ્વના રિપેરિંગની લક્ષ્યાંક આધારિત કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે, વિવિધ પ્રકારના કાર્યક્રમો સાથે આ અભિયાનનો પૂર્ણાહુતિ સમારોહ યોજવાનું નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાનો પૂર્ણાહુતિ સમારોહ તા.૩૧ને ગુરુવારે સવારે ગોંડલ તાલુકાના રાણસીકી ગામે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં પંચાયત રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમની વિગતો આપતા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ કહ્યું કે રાણસીકી ગામે આવેલા બારનાળા તળાવ કિનારે આવેલા સ્વામિ શ્રી નિર્દોષાનંદજીના આશ્રમ પાસે મેદાનમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો પૂર્ણાહુતિ સમારોહ યોજાશે. આ કાર્યક્રમને પ્રારંભે મા નર્મદાના નીરથી ભરેલા કળશનું પૂજન કરવામાં આવશે. જેમાં વિવિધ ગામ અને વિવિધ સમાજના ૧૦૮ યજમાનો જોડાશે. આ પૂજન કર્યા બાદ જળ બારનાળા તળાવમાં અર્પણ કરી દેવામાં આવશે.

પૂર્ણાહુતિ સમારોહમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તદ્દઉપરાંત, જળ અભિયાનમાં સહભાગી બનનારા દાતાઓનું સન્માન કરવામાં આવશે તથા જિલ્લામાં જે સ્થળે ઉત્તમ કાર્ય થયું હોય એને પુરસ્કૃત કરવામાં આવશે. જળ અભિયાનના પરિણામે નીકળેલી માટી ખેતરમાં નાખવાથી અને સંગ્રહિત પાણીના કારણે થનારા ફાયદાની વાત ખેડૂતો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. જયારે, આ વિષયનું દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર અને પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા આ સ્થળે પ્રદર્શન પણ યોજવામાં આવશે. આ પ્રદર્શનમાં જળશયોની આ અભિયાન પૂર્વેની અને તેમાં થયેલી કામગીરી બાદની સ્થિતિ દર્શાવતા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે. બિફોર-આફટરની થિમ આધારે આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જે સમિતિઓની વિવિધ પ્રકારની જવાબદારી સોપવામાં આવી છે. જયારે, ગોંડલ પ્રાંત અધિકારી શ્રી રાયઝાદા તથા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી કમલેશ મહેતા વિશેષ જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉનાળાની આકરી ગરમી અને તાપની પરવાહ કર્યા વિના લોકહિતના આ મહાકાર્યના જોડાનારા સૌ કોઇ અભિનંદનને પાત્ર છે. પરિશ્રમ કરી, પરસેવો પાડી વધારવામાં આવેલી જળસંગ્રહ શકિતનું સુંદર પરિણામ આગામી ચોમાસા દરમિયાન જોવા મળશે, તે વાત ચોક્કસ છે.

પૂર્ણાહુતિ સમારોહ ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં યોજવા પાછળનું તાત્પર્ય એ છે કે ત્યાંના બારનાળા તળાવમાં બેનમૂન કામગીરી કરવામાં આવી છે. અંદાજે ૬૨ વિઘા મોટા તળાવને સાત ફૂટ જેટલું ઉંડુ ઉતારવામાં આવ્યું છે. તળાવમાંથી નીકળેલી માટી ગામની ૭૦૦ વિઘા જેટલી જમીનમાં નાખવામાં આવી છે. આ કાર્ય અન્યો માટે પ્રેરણારૂપ છે. વિશેષ બાબત તો એ છે કે ગોંડલ તાલુકાના ૭૭ ગામોમાં જળસંચયની કામગીરી સંપૂર્ણપણે લોકભાગીદારીથી કરવામાં આવી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા તેનો સંપર્ણ ખર્ચ વહન કરવામાં આવ્યો છે. ગોંડલ યાર્ડ દ્વારા રૂ.૧.૬૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. વળી, આ તાલુકામાં ખેડૂતોએ પણ ઉત્સાહભેર આ અભિયાનને વધાવી લીધું હતું.

(12:12 pm IST)