Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ચાર વર્ષમાં લોકોને આપેલ વચનો પૂર્ણ ન થયા, હવે ૧ વર્ષમાં મોદીજી તમે શું 'જાદુ' કરશો

ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે સણસણતા સવાલો કર્યા

અમરેલી, તા. ૩૦ :. ગુજરાત પ્રદેશ કિસાન-ખેત મજદુર કોંગ્રેસના પ્રમુખ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે અત્રે એક નિવેદનમાં જણાવ્યુ કે, મોદી સરકારના ચાર વર્ષના શાસનમાં દેશને સામાજિક અને આર્થિક રીતે ઘણું નુકશાન સહન કરવુ પડયું છે અને હજુ કેટલું નુકશાન સહન કરવું પડશે ? તે કોઈ કહી શકે તેમ નથી.

ઠુમ્મરે વધુમાં જણાવ્યું કે, ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદીજીએ દેશની જનતાને મોંઘવારી-રોજગાર ભ્રષ્ટાચાર, કાળુનાણું, ગરીબોનું ઉત્થાન અચ્છે દિન અને પાકિસ્તાનને સબક શીખવાડવા સહિત અનેક સપનાઓ દેખાડી ચોખ્ખી બહુમતી મેળવી સત્તામાં આવેલી મોદી સરકાર પાસે આ બધા સપનાઓ પુરા કરવા હવે માત્ર એક જ વર્ષનો સમય બચ્યો છે તે જોતા લાગે છે કે ચાર વર્ષમાં કશું જ કરી નહી શકેલી મોદી સરકાર હવે માત્ર એક વર્ષમાં શું કરી શકશે ?

મોદીજીના શાસન શરૂઆતના વર્ષમાં દેશના પણ ઘણા ભાગોમાં ધાર્મિક લઘુમતી તરીકે ઓળખાતા ખ્રિસ્તીઓ અને મુસલમાનો ઉપર તથા તેમ આસ્થાના પ્રતિક સમાન ધાર્મિક સ્થળો ઉપર યોજનાબદ્ધ રીતે બેરોકટોક ગંભીર હુમલાઓ થતા દેશ-વિદેશોમાં ભારતની ધર્મનિરપેક્ષત અને સહિષ્ણુતાની છબીને ઘણું જ નુકશાન પહોંચ્યુ છે.

શ્રી ઠુમ્મરે વધુમાં જણાવ્યું કે, મોદીજી તેમના ચાર વર્ષના શાસનમાં દેશની સવા સો કરોડ જનતાને દેખાડેલા સપનાઓએ એકેય સપનુ સાકાર કરી શકયા નથી. પાકિસ્તાનને સબક શીખવાડવાને બદલે નવાઝ શરીફની સાથે દોસ્તીનો હાથ લંબાવવા સામે ચાલીને પાકિસ્તાન ગયા પરંતુ તેનું કોઈ પરિણામ મેળવી શકયા નહીં. ઉલ્ટાનું ઘર આંગણે કાશ્મીર સમસ્યાને વધુ જટિલ બનાવી નાખી છે.

મોદી સરકારની આર્થિક નીતિઓની આલોચના કરતા જણાવ્યું હતું કે મોદીજીના શાસનમાં દેશની આલોચના કરતા જણાવ્યું હતું કે, મોદીજીના શાસનમાં દેશની સરકારી અને ખાનગી બેંકોમાં થયેલા એક પછી એક લોન કૌભાંડો બહાર આવ્યા, બેંકોએ મોટી રકમના કરેલા ધિરાણો ડુબી રહ્યા છે. મોદીજીના શાસનમાં ડોલરની સામે રૂપિયો નબળો પડતા વિદેશી રોકાણકારો ભારતીય કંપનીઓના શેરો અને બોન્ડોનો ખાત્મો બોલાવી રહ્યા છે. શરૂઆતના ત્રણ વર્ષ હાલ એફ.ડી.આઈ. (ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ-સીધુ વિદેશી રોકાણ)માં પણ ખાસ કોઈ નોંધપાત્ર વધારો થયો હોય તેમ જણાતું નથી.

શ્રી ઠુમ્મરે વધુમાં જણાવ્યુ કે, મોદી સરકારે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ-સકલ ઘરેલુ ઉત્પાદન)ની ગણતરી કરવાની પદ્ધતિમાં ફેરફાર કર્યા પછી એક સમયે દેશની અર્થ વ્યવસ્થામાં ભારે મોટી તેજીની આશા જન્માવી હતી પરંતુ નવેમ્બર ૨૦૧૨માં રાતોરાત નોટબંધીનું પગલુ ભર્યુ તેને પરિણામે આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું.

શ્રી ઠુમ્મરે અંતમાં જણાવ્યુ કે, દેશની સવા સો કરોડ જનતાને મોટા સપનાઓ દેખાડનાર મોદી સરકારે ફેબ્રુઆરી મહિનામાં તેનું અંતિમ પૂર્ણકાલીન બજેટ રજુ કર્યુ તેમા સ્વાસ્થ્ય અને ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો છે પરંતુ તેની કોઈ રૂપરેખા તૈયાર કરી હોય તેમ જણાતુ નથી.

આમ મોદી સરકાર પાસે દેશની સવા સો કરોડ જનતાએ જે આશાને અપેક્ષાઓ રાખી હતી તે ઠગારી નિવડી છે. મોદી સરકારે કોંગ્રેસના સમયમાં ચાલતી યોજનાઓના માત્ર નામ બદલ્યા છે, પછી તે સ્વચ્છ ભારત હોય કે જનધન યોજના હોય મેઈક ઈન ઈન્ડીયા હોય કે સ્કીલ ઈન્ડીયા હોય આ બધી યોજનાઓ કોંગ્રેસના સમયમાં જુદા નામથી ચાલતી હતી. મોદી સરકારે યોજનાઓના માત્ર નામ બદલવા સિવાય નવુ કશું જ કર્યુ નથી અને તેથી મોદી સરકાર પ્રત્યેથી લોકોનો ભુલ ભાંગતો જાય છે.

(12:04 pm IST)
  • તાજેતરમાં મોરબી રોડ પર સમાધાનના બહાને ભેગા થયેલ યુવાનોએ, એક યુવાનને છરા વડે ઘાયલ કરતા થયેલ હત્યાના મામલામાં ચાર લોકોની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. access_time 5:24 am IST

  • સુરત બીટકોઈન કૌભાંડ મામલો : શૈલેષ ભટ્ટના ભાણેજ, નિકુંજ ભટ્ટ પાસેથી CID ક્રાઇમે 55 લાખ ની કિંમતના વધુ 11 બીટકોઈન રિકવર કર્યા. અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 160થી વધુ બિટકોઇન રિકવર કર્યા છે, જેની અંદાજી કુલ કિંમત રૂ. 9 કરોડ અંકાય છે. access_time 5:37 am IST

  • ઉત્તર પ્રદેશની કૈરાનાના 73 અને ભંડારા-ગોંદિયાના 49 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યું છે મતદાન : સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે : પેટાચૂંટણીમાં વીવીપેટ મશીનોમાં ખરાબી આવી હતી, જેના કારણે આ બેઠકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. access_time 2:38 pm IST