Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

જામનગરમાં રિલાયન્સ ૧૦૦૦ બેડની સુવિધા સાથે યુદ્ધના ધોરણે હોસ્પિટલ તૈયાર કરી રહેલ છે, પણ ડોકટરો - નર્સ અને મકાન સરકારે પૂરા પાડવાના છે!!

રાજકોટ : રિલાયન્સ ફાઉન્ડેશન સરકારની ન્યુ ડેન્ટલ હોસ્પિટલમાં ૧૦૦૦ બેડની કોવિડ કેર સુવિધા ઉભી કરી રહ્યાની રિલાયન્સે મીડીયા રીલીઝ દ્વારા જાહેરાત કરી છે. જે એક અઠવાડીયામાં ૪૦૦ બેડ અને ૬૦૦ બેડની બીજી સુવિધા ૨ અઠવાડીયામાં શરૂ કરાશે.

લોકોમાં જે ગણગણાટ થઈ રહ્યો છે તે મુજબ રિલાયન્સે કરેલ જાહેરાતમાં સ્પષ્ટ કહ્યુ છે કે 'આ સુવિધા માટે જરૂરી માનવ સંશાધન, મેડીકલ સપોર્ટ, સાધનો અને અન્ય ડીસ્પોઝીબલ આઈટમ્સ રિલાયન્સ દ્વારા પૂરી પડાશે. હોસ્પિટલમાં ડોકટરો અને નર્સીંગ સ્ટાફ રાજય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે. આ હોસ્પિટલ જામનગર, ખંભાળીયા, દ્વારકા, પોરબંદર અને સૌરાષ્ટ્રના અન્ય પ્રદેશોના લોકો માટે ખૂબ જ રાહત પૂરી પાડશે. તમામ સેવા નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે.'

હવે જો આ હોસ્પિટલને ડોકટર - નર્સ સહિત મેડીકલ સ્ટાફ સરકાર પૂરા પાડવાની હોય તો રાજકોટમાં પણ આવી મેડીકલ સવલતો તૈયાર છે, ત્યાં પણ સરકારે સવલતો પૂરી પાડવી જોઈએ તેવી ચર્ચા થઈ રહી છે.

જામનગરની અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અન્ય સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી મેડીકલ સ્ટાફની ભારે અછત છે, લાંબા સમયથી રીપ્લેસમેન્ટ નથી આપી શકાતુ, ત્યારે જામનગરની ૧૦૦૦ બેડની આ હોસ્પિટલ માટે ખૂબ મોટો મેડીકલ સ્ટાફ ૪-૬ દિવસમાં કેવી રીતે સરકાર મેનેજ કરશે? શું હાલની સરકારી હોસ્પિટલોમાંથી સ્ટાફ મોકલાશે?

રિલાયન્સ ધારે તો ચોક્કસ મેડીકલ સ્ટાફ સહિત બધી વ્યવસ્થા કરી શકે તેમ હોવાનું પણ સાર્વત્રિક મનાઈ રહ્યુ છે. રિલાયન્સે વાસ્તવમાં જામનગર - સૌરાષ્ટ્રની પ્રજા માટે સેવા અને આર્થિક યોગદાન પ્રદાન કરવું જ હોય તો તમામ જવાબદારી ઉપાડી લેવી જોઈએ તેવું મનાઈ રહ્યુ છે.

(1:14 pm IST)