Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

મોરબીને સમયસર જરૂરિયાત મુજબ લિકવિડ ઓકિસજન નહિ મળે તો સેંકડો મોત થશે..!!

માગણીના ૪૮ કલાક બાદ પણ ગેસ આવવાના કોઇ અણસાર નથી!!: સિરામિક આગેવાનોએ વ્યકત કરી દહેસત. : સિરામિક એસોસીએશનના ઓકિસજન પ્લાન્ટને ત્વરિત લિકવિડ ઓકિસજન મળે તો મોરબીની તમામ જરૂરિયાત પૂર્ણ થઈ શકે તેમ છેઃ સિરામિક ઉદ્યોગકારોની કેન્દ્ર – રાજય સરકારને આજીજીઃ ૧૦૦ થી વધુ ઉદ્યોગકારો સતત ઓકિસજન માટે ભાગદોડ કરે છે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૩૦: કોરોના મહામારીમાં મોરબી જિલ્લાને મળતા ઓકિસજનના જથ્થામાં અડધો અડધ કાપ મૂકી દેવાતા સિરામિક એસોસીએશન દ્વારા યુદ્ઘના ધોરણે પાંચેક કરોડના ખર્ચે પાંચથી છ દિવસમાં ૧૦૦૦ બોટલ રિફિલ થઈ શકે એવો ઓકિસજન પ્લાન્ટ ઉભો કરી દેવાયો છે પણ આ પ્લાન્ટ માટે જરૂરી લિકવિડ ઓકિસજન ન મળતા હાલમાં મોરબીમાં સેંકડો દર્દીના મોત થાય તેવી સ્થિતિ સર્જાતા સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ તાકીદની પ્રેસ કોંફરન્સ યોજી કેન્દ્ર – રાજય સરકારને લિકવિડ ઓકિસજન માટે રિતસર આજીજી કરી છે.

આજે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ રાજુભાઇ પટેલ, નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ કુંડારિયા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ અંગે ખૂબ જ ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે અગાઉ મોરબીને જરૂરત મુજબ ઓકિસજન મળતો હતો. પરંતુ ૧૫ એપ્રિલ બાદ ઓકિસજનના જથ્થામા કાપ મૂકી દેવાયો છે.

વધુમાં સીરામીક એસોસીએશનના રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં મોરબીને રેમડેસીવીરમાં ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. એ જ રીતે કોરોનાના ગંભીર દર્દીઓ માટે ઓકિસજનની તાતી જરૂરિયાત હોવા છતાં રાજકોટ, કચ્છથી મળતા જથ્થામાં કાપ મૂકી દેવાતા હાલમાં ભાવનગરથી ઓકિસજન મળે છે અને તે પણ કુલ જરૂરિયાતના ૫૦ ટકા જ મળે છે. આ પરિસ્થિતિમાં મોરબી સિરામિક એસોસિએશન દ્વારા પાંચથી છ દિવસમાં જ ૧૦૦૦ બોટલ ભરાઈ શકે તેવો ઓકિસજન પ્લાન્ટ ઉભો કરાયો છે. પરંતુ કેન્દ્ર, રાજય સરકાર લિકવિડ ઓકિસજન ત્વરિત આપતી ન હોય આ પ્લાન્ટ ઉભો થવા છતાં મોરબીને ઓકિસજન મળવો મુશ્કેલ બન્યો છે. જેના કારણે સેંકડો કોરોના દર્દીઓ માટે જીવનું જોખમ ઉભું થયું છે.

આ મામલે સિરામિક એસોસિએશનના મુકેશભાઈએ ઉમેર્યું હતું કે હાલમાં મોરબીને સમયસર ઓકિસજન મળે તે માટે સમાજના આગેવાનો અને ૧૦૦ જેટલા ઉદ્યોગપતિ દિવસ રાત એક કરી રહ્યા છે. આ સંજોગોમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ પણ મોરબી માટે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ ત્વરિત લિકવિડ ઓકિસજન માટે રજુઆત કરી ચુકયા છે. પરંતુ આશ્વાસન મળ્યા છે તે પૂરતા નથી.

દરમિયાન સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે મોરબીને જો સમયસર ઓકિસજન નહિ મળે તો બહુ મોટી ખુવારી થઈ શકે તેમ છે. હાલમાં સિરામિક એસોસિએશન દ્વારા દિવસ રાત એક કરી સમગ્ર દેશમાં ખૂબ જ ટૂંકા સમયમાં ઓકિસજન પ્લાન્ટ ઉભો કરી દીધો છે. જે કાર્યરત થાય તો મોરબીની તમામ ઓકિસજનની જરૂરિયાત પૂર્ણ થઈ શકે તેમ છે. જેથી પળવારનો પણ વિલંબ કર્યા વગર સરકાર મોરબીને ૧૨ ટન લિકવિડ ઓકિસજન ફાળવે તેવી માંગ દોહરાવી હતી. સાથો સાથ આવનાર દિવસોમાં હજુ પણ મોરબી સિરામિક એસોસિએશન આવા ચારથી પાંચ બીજા પ્લાન્ટ ઉભા કરવાની તૈયારીમાં હોવાનું પણ તેમને ભારપૂર્વક જણાવી મોરબીમાં કોરોનાથી મોતનો આકડો વધુ મોટો થાય તે પૂર્વે કેન્દ્ર રાજય સરકાર વહેલામાં વહેલી તકે જરૂરિયાત પ્રમાણે લિકવિડ ઓકિસજન ફાળવે તેવી માંગ ઉઠાવી હતી.

(1:09 pm IST)
  • ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલોમાં પથારીઓ અને ઓક્સિજન ખૂબ અછત જોવા મળી રહી છે. આ દરમિયાન મહાન ક્રિકેટ સચિન તેંડુલકરે ગુરુવારે કોરોના દર્દીઓ માટે ઓક્સિજન કોન્સેન્ટેટર્સ ખરીદવાના આશય સાથે આજે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાનું જાણવા મળે છે. access_time 9:33 pm IST

  • અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાની અસરથી મોડાસા, મેઘરજ, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ access_time 12:52 am IST

  • ઘરથી બહાર નિકળતા પહેલા એક વખત જરૂર વિચારો કે એવી શું મજબૂરી છે જે જીંદગીથી વધુ જરૂરી છે access_time 2:49 pm IST