Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

અંગત સ્વજનોના મૃત્યુ થયા છતા મક્કમ મનોબળે ગોરિયાવાડના ભાઇ-બહેને કોરોનાને આપી મ્હાત

કોઈપણ વિપરિત પરિસ્થિતિમાં જો માનવીનું મનોબળ મક્કમ હોય તો તે પરિસ્થિતિમાંથી તે સારી રીતે બહાર નિકળી જાય છે અને તેથી જ આપણે ત્યાં કહેવાય છે કે,  અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉકિતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે, સુરેન્દ્રનગર જિલ્લાના ગોરીયાવડ ગામના ભાઈ-બહેન સેંધાભાઈ રબારી અને રાજીબેન રબારીએ.

કોરોનાની મહામારી દરમિયાન માતા-પિતાના કુદરતી થયેલા મૃત્યુ બાદ મોટાભાઈનું કોરોનાના કારણે અવસાન થયું. પરિવાર પર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિના સમયમાં પરિવારના જ ભાઈ-બહેન એવા ૪૩ વર્ષના સેંધાભાઈ અને ૪૭ વર્ષના રાજીબેન કોરોના સંક્રમિત થયાં, પરંતુ તેમણે પરિવાર ઉપર આવી પડેલી આ પરિસ્થિતિમાં પણ તેમનું મનોબળ ડગવા ન દિધુ અને ૧૪ દિવસના હોમ આઈસોલેશનની સાથે આરોગ્ય વિભાગના કર્મીઓની સદ્યન સારવારના પરિણામે આજે તેઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે.

ગત તારીખ ૮ એપ્રિલના રોજ સેંધાભાઈ અને રાજીબેનના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયું, ત્યારબાદ તેમના મોટાભાઈ કમશીભાઇ રબારીનું પણ કોવીડના કારણે અવસાન થયું આમ એક દ્યરમાં પિતા-પુત્ર ના અવસાન થવાથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ ત્યારે પાટડી આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના બધા સભ્યોના RTPCR અને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાં પાંચ વ્યકિતના આવેલા પોઝિટિવ રિપોર્ટમાં સેંધાભાઈ રબારી અને રાજીબેન રબારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા બંને ભાઈ-બહેનને હોમ આઈસોલેશનમાં રાખી પાટડી આરોગ્ય વિભાગ દ્વારા સદ્યન સારવાર શરૂ કરવામાં આવી.

બંને ભાઈ-બહેનની હોમ આઈસોલેશનની સારવાર ચાલુ જ હતી, ત્યાં તેમના માતાનું અવસાન થયું આમ એક પરિવારમાંથી ત્રણ સભ્યોનું અવસાન થયું. તેમ છતાં આવી વિપરીત પરિસ્થિતિમાં પણ આ ભાઈ બહેન તેમના મનોબળને મક્કમ રાખી કોરોના સંક્રમણમાંથી બહાર આવી ગયા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તારીખ ૧૨ એપ્રિલના રોજ સેંધાભાઈ રબારી અને રાજીબેન રબારીની સાથે ગોરીયાવડ ગામમાં અન્ય ત્રણ વ્યકિત પણ પોઝિટિવ આવ્યા હતા. આમ નાના એવા ગામમાં એક સાથે ૫ વ્યકિત પોઝિટિવ આવે તો ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ આ પાંચેય પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સારવારના પરિણામે આ તમામ વ્યકિત આજે કોરોના મુકત થયા છે.

આ અંગે વાત કરતાં સેંધાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમારા માતા-પિતા અને ભાઇના અવસાન થયા પછી પરિવારની ચિંતા તો ખૂબ હતી, પણ અમારે હોમ આઈસોલેશનના નિયમોનું પાલન પણ કરવું એટલું જરૂરી હતું. અમે દરરોજ આરોગ્ય કર્મીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓના પાલનની સાથે ગરમ પાણી, લીંબુ પાણી અને દવાઓનું નિયમિત સેવન કરવાના કારણે ઝડપથી સાજા થઇ ગયા.

જો કોરોના પોઝિટિવ આવે તો ચિંતા કરવાની જરૂર નથી જો યોગ્ય સારવાર અને મનોબળ મક્કમ હોય તો કોરોનામાંથી ઝડપથી સાજા થઇ જવાય છે, તેવો પ્રેરણાદાયક સંદેશ પણ સેંધાભાઈએ આપ્યો હતો.

નોંધનીય છે કે, પાટડી પ્રાંત અધિકારીશ્રી ઋતુરાજસિંહ જાદવ અને નાયબ મામલતદારશ્રી રદ્યુભાઈ ખાંભલાએ ગોરિયાવડના સરપંચશ્રીને સૂચના આપીને પાંચ પોઝીટીવ દર્દીની આસપાસના તમામ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો.

લેખન

માહિતી ખાતુ, સુરેન્દ્રનગર

(11:43 am IST)