Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટયો, સતત બીજા દિવસે ૭ કોવીડ દર્દીના મોત

જુનાગઢમાં ૧૬૩ કેસનો ઉમેરો અને ૪ નાં મૃત્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: જુનાગઢ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ એક જ દિવસમાં કોરોનાનાં ર૭૩ કોરોના કેસનો ઉમેરો થવાની સાથે સતત બીજા દિવસે ૭ કોવીડ દર્દીને યમરાજાનું તેડું આવી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બુધવારે જિલ્લામાં મીની લોકડાઉનની અસર થઇ હોય તેમ ર૩૭ કેસ નોંધાયા હતા અને ૧૮૦ દર્દી સ્વસ્થ થયા હતા. તેમજ સાત કોવીડ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા.

પરંતુ મીની લોકડાઉનની અસર ઓસરી ગઇ હોય તેમ ર૦ કલાકમાં એટલે કે ગુરૂવારનાં રોજ પ૬ કેસનાં વધારા સામે નવા કુલ ૧૭૩ કોરોના કેસ નોંધાયા હતા.

ગઇકાલે નવા આવેલા ર૯૩ કેસમાં એક જ દિવસમાં જુનાગઢમાં ૧૬૩ કેસની એન્ડ્રી થઇ છે.

જુનાગઢ રૂરલમાં ૧૩, કેશોદ-ર૦, ભેસાણ-૧પ, માળીયા-ર૦, મેંદરડા-૧૭, માણાવદર-૧૧, માંગરોળ-૧૬, વંથલી-૧૦ અને વિસાવદરમાં નવા ૮ કેસ સામે આવ્યા હતા.

જોકે, ર૪ કલાકમાં જુનાગઢનાં ૧૦૦ સહિત જિલ્લાનાં ર૧૪ દર્દીઓએ સ્વસ્થતા પ્રાપ્ત કરી હતી.

પરંતુ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના સાત દર્દીને ભરખી ગયો હતો. જેમાં જુનાગઢ શહેરમાં બે કોવીડ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ સાથે જુનાગઢ ગ્રામ્યના પણ બે કોરોના દર્દીનું મૃત્યુ થયું હતું. કેશોદમાં એક અને માણાવદરનાં બે મળી કુલ સાત દર્દીનાં મોત થતા ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઇ છે.

હાલ મીની લોકડાઉનની સ્થિતિ છે છતાં ગુરૂવારે જુનાગઢ સીટીમાં કોરોનાનો ભય ન હોય તેમ લોકો આંટાફેરા કરતા અને ટોળે વળેલા જોવા મળ્યા હતા. આવીજ સ્થિતિ રહે તો કોરોના પણ ગમે તે સ્થિતિ પહોંચી શકે તેવી ભીતી સેવાઇ રહી છે.

(10:54 am IST)