Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

ભાવનગરના પડવા ગામે ત્રણ બાળકો સાથે પરિણીતાને આપઘાતની ફરજ પાડવા અંગે પકડાયેલ પતિ સહિત ત્રણ મહિલાને ૧૦ વર્ષની સજા

ભાવનગર તા.૩૦: ચાર વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પડવા ગામની પરણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી જઇ ત્રણ માસુમ બાળકો સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. મરણ જનાર પરણીતાના ભાઇએ આ અંગેની ત્રણ મહિલા અને બે પુરૂષો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.  આ અંગેનો કેસ ભાવનગરના પાંચમાં એડીશ્નલ સેશન્સ જજ વિજયસિંહ રાણાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ યાત્રીબેન પંડયાની દલીલો અને આધાર પુરાવા, સાક્ષીઓ તપાસી આરોપીઓને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ રોકડ રૃા. ૮૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદીના મરણ જનાર બહેન મનીષાબેન આ કામના આરોપી નં. ૧ પ્રવિણભાઇ વેલજીભાઇ બાંભણીયા  (ઉ.વ.૩૫, રહે. પડવા, તા. ઘોઘા, જી. ભાવનગર) ના પત્ની થાય છે. તેણીને ઘરકામ કરવા બાબતે તેમજ તેણીના નાના છોકરાઓને ખાવાનો ભાગ આપવા બાબતે તેણીના જેઠાણી દ્વારા વારોતરો (ભેદભાવ) કરવામાં આવતા , મરણ જનારે તેણીના પતિને આ અંગેની ફરીયાદ કરતા પતિએ ''મોટા કહે તેમ કાર્ય કરવાનું અને તારી જીભડી મોઢામાં રાખવાની'' તેમ કહેતા તેણીને લાગી આવેલ તેમજ આ કામમાં અન્ય આરોપીઓ (૧) પ્રવિણ વેલજીભાઇ બાંભણીયા (ઉ.વ.૩૫), (ર) વેલજીભાઇ પરશોતમભાઇ બાંભણીયા (ઉ.વ.પપ), ૩) લાખુબેન વેલજીભાઇ બાંભણીયા (ઉ.વ.૫૦),(૪) કેસરબેન ભાવેશભાઇ બાંભણીયા (ઉ.વ.૩૦), (પ) શોભાબેન મહેશભાઇ કંટારીયા, (રહે. તમામ પડવા, તા. ઘોઘા), સહિતનાઓએ એકબીજાને  મદદગારીમાં અવાર નવાર મરણ જનારને શારીરિક તથા માનસિક ત્રાસ આપી તેણીનેે ક્રુરતાનો ભોગ બનાવી, તેણીને ત્રણેય બાળકો સાથે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરેલા હોય ઉકત પતિ સહિતના આરોપીઓના ત્રાસના કારણે જીંદગી થી કંટાળી જઇ પરણિતા મનિષાબેને ગત તા. ૭-૨-૧૫નાં રોજ પોતાની વાડીનાં ૧૦૦ ફુટ ઊંડા પાણી ભરેલા કુવામાં મરણ જનાર મનીષાબેને પ્રથમ ત્રણેય માસુમ સંતાનો (૧) અર્ચના (ઉ.વ.૪), (ર) અનિલ (ઉ.વ.૩), (૩) સેજલ (ઉ.વ.પ માસ) ને કુવામાં મરણ ગયેલ તેવા મતલબની પોલીસ ફરીયાદ જે તે સમયે સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ઉકત પાંચેય આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૬,૪૯૮ (ક), ૧૧૪ મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ  ભાવનગરના એડીશ્નલ સેશન્સ જજ વિજયસિંહ રાણાની અદાલતમાં ચાલી જતા અદાલતે ઉકત આરોપીઓ પ્રવિણ વેલજીભાઇ બાંભણીયા (ર) વેલજી પરશોતમભાઇ બાંભણીયા (૩) લાખુબેન વેલજીભાઇ બાંભણીયા, (૪) કેસરબેન ભાવેશભાઇ બાંભણીયા, (પ) શોભાબેન મહેશભાઇ કંટારીયા  સામેનો ઇપીકો કલમ ૩૦૬, મુજબનો ગુનો સાબીત માની તમામને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૃા. રપ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા, ઇપીકો કલમ ૪૯૮ મુજબના ગુનામાં તમામ આરોપીઓને ત્રણ વર્ષની સજા અને રૃા. પ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.(

(11:50 am IST)