Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

અઢી વર્ષની પુત્રીને ભાગ લેવાનું કહી અમદાવાદ પોતાની સાથે લઇ જતા જૂનાગઢ પોલીસે બાળકીનો કબ્જો માતાને પરત સોંપ્યો

જૂનાગઢ,તા. ૩૦: જૂનાગઢ શહેરના વાળંદ સોસાયટી વિસ્તારમાં કાશીધામ બ્લોક ન. ૮૦ મા રહેતી મહિલા રીનાબેન મયુરભાઈ ભોઈ કે, જેને અમદાવાદ ખાતે પરણાવેલ હોઈ, જેને સાસરિયા તરફથી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા, પોતાની અઢી વર્ષની પુત્રી મિશીકા સાથે જૂનાગઢ પોતાના પિયરમાં આવેલ હતી. જે બાબતે જૂનાગઢ કોર્ટમાં કેસ પણ કરવામાં આવેલ છે. આ મહિલાને પોતાના સાસરિયા સાથે મનદુઃખ ચાલતા હોઈ, બે દિવસ પહેલા તેનો પતિ મયુરભાઈ રમણિકભાઈ કડીયા રહે. અલકા પાર્ક, ડોન બોસ્કો સ્કૂલ પાસે, શ્યામલ ચાર રસ્તા, અમદાવાદથી જૂનાગઢ ખાતે આવી, સમાધાન કરીને સાથે લઈ જવાની મીઠી મીઠી વાતો કરી, પોતાની અઢી વર્ષની ઉંમરની બાળકી મિશીકાને દુકાનેથી ભાગ લઈ દેવાનું બહાનું બતાવી, જૂનાગઢ ખાતેથી અમદાવાદ લઇ ગયેલ હતા. આ અંગેની જાણ મહિલા રીનાબેન દ્વારા જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરીને કરવામાં આવેલ હતી.

જૂનાગઢની મહિલાની માત્ર અઢી વર્ષની માસૂમ બાળકી મિશીકાને તેના પતિ મયુરભાઈ કડીયા દ્વારા લઈ જવાની બાબતને ગંભીરતાથી લઈને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, મહિલાને પોતાનું કુમળી વયનું બાળક પરત અપાવવા માટે સૂચનાઓ કરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી તથા સ્ટાફના હે.કો. વિક્રમસિંહ, સમીરભાઈ, પો.કો. વનરાજસિંહ, મોહસીનભાઈ, અનકભાઈ, જીલુભાઈ, સહિતની ટીમ દ્વારા મહિલાની રજુઆત આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા, મહિલાનો પતિ બાળકી મિશીકાને અમદાવાદ ખાતે લઈને જ ગયા હોવાનું અનુમાન કરવામાં આવેલ હતું. જે બાબતે અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન સાથે સંકલન કરતા, વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ઓડેદરા તથા સ્ટાફ દ્વારા તેના પતિ મયુરભાઈ તથા બાળકીને પોલીસ સ્ટેશન લાવી, જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હે.કો. સમીરભાઈ તથા પો.કો. જીલુભાઈ સહિતની જૂનાગઢ પોલીસ ટીમ રીનાબેનને લઈ, તાત્કાલિક અમદાવાદ પહોંચી, બાળકી મિશીકાનો કબ્જો મેળવી, જૂનાગઢ પરત આવી, બાળકી મિશીકાનો કબ્જો તેની માતાને સોંપતા, માત્ર અઢી વર્ષની માસૂમ બાળકી મિશીકા પરત મળતા, તેની માતા બાળકી મિશીકાને ભેટી, ભાવ વિભોર થયેલ હતી. મહિલાના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા સમયસર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની દીકરી મિશીકાનું શુ થાત અને પોતાનું બાળક જૂનાગઢ પોલીસના પ્રયત્નોથી જ તાત્કાલિક પરત મળ્યાનો ભાવ વ્યકત કરવામાં આવેલ હતો. જયારે મહિલાના પતિ મયુરભાઈ કડીયા બીકના માર્યા હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલ હતો.

(1:29 pm IST)