Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વાંકાનેર પંથકમાં માવાનું વેચાણ કરતા માલધારીઓનું દૂધ લેવા સહકારી મંડળીઓનો ઈન્કારઃ માલધારીઓ મુશ્કેલીમાં !

સહકારી મંડળીમાં દૂધ દેવા જાય તો એવો જવાબ મળે છે કે કાયમી ગ્રાહકોનું દૂધ લેશુ બીજાનું નહિઃ પશુપાલકોની આવકો બંધ થતા કફોડી સ્થિતિઃ કલેકટર યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગણી

રાજકોટ, તા. ૩૦ :. લોકડાઉનના પગલે વાંકાનેર પંથકમાં માવાનું વેચાણ કરતા માલધારીઓના દૂધનો જથ્થો સહકારી મંડળીના સંચાલકોએ લેવાનો ઈન્કાર કરતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ અંગે કોઠી ગામના સરપંચ બાદીએ જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરી તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવેલ છે કે કોરોના વાયરસ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકડાઉન જાહેર કરતા દૂધનો માવો બનાવી ગુજરાન ચલાવતા માલધારીઓનો ધંધો ઠપ્પ થઈ ગયો છે. માલધારીઓ દૂધ વેચવા જાય છે તો કોઈ લેતુ નથી. સહકારી મંડળીમા દૂધનો જથ્થો લઈ માલધારીઓ જાય છે તો એવો જવાબ મળે છે કે અમે અમારા કાયમી ગ્રાહકોનું જ દૂધ લેશુ, બીજા કોઈનું નહિ ! જેના કારણે માલધારીઓનો દૂધનો જથ્થો પડતર પડયો રહ્યો છે.

માલધારીઓ લોકડાઉનના કારણે માવો પણ વેચી શકતા નથી અને તેનો દૂધનો જથ્થો સહકારી મંડળીઓ દ્વારા ન લેવાતા માલધારીઓ કફોડી પરિસ્થિતિમાં મુકાય ગયા છે. માલધારીઓને પશુઓનો કેવી રીતે નિભાવ કરવો ? તે અંગે મુંજવણમાં મુકાય ગયા છે. માવો બનાવતા માલધારીઓના દૂધની ખરીદી માટે તાકીદે વ્યવસ્થા કરવા અંતમાં કોઠી ગામના સરપંચ બાદીએ માંગણી કરી છે.

(3:35 pm IST)