Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પૂ. હરિચરણદાસજી બાપુનો આજે ૯૯મો જન્મદિન

જરૂરીયાતમંદોને અનાજકીટ વિતરણ : ૧૦૦મો જન્મદિવસ હરીદ્વારમાં કુંભમેળામાં ઉજવાશે

રાજકોટ : ગોંડલ રામજી મંદિરના અધ્યક્ષ અને પૂ.રણછોડદાસજીબાપુના અનન્ય શિષ્ય મહામંડલેશ્વર પ.પૂ.૧૦૦૮ શ્રી હરિચરણદાસજીબાપુનો આજે જન્મદિવસ છે. પૂ.બાપુ યશસ્વી જીવનના ૯૮ વર્ષ પૂર્ણ કરી ૯૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આવતા વર્ષે કુંભ મેળામાં ઉજવવામાં આવશે. આજના દિવસે સ્વયંસેવકો દ્વારા જરૂરીયાતમંદોને અનાજકીટનું વિતરણ કરવામાં આવશે.

કોરોના વાયરસના પગલે નીજ મંદિરે તમામ ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. જયારે ભાવિકો દ્વારા જરૂરીયાતમંદોને ૫૦૦થી વધુ અનાજ કીટનું વિતરણ કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પણ શ્રી રામજી મંદિર - ગોંડલ દ્વારા અનાજકીટ વિતરણ કાર્ય કરવામાં આવેલ.

પૂ.હરિચરણદાસજીબાપુએ આજે તેમના જન્મદિવસે વ્હેલી સવારે તેમના ગુરૂ પૂ.રણછોડદાસજીબાપુની મૂર્તિને પૂજન અર્ચન કરી દિવસની શરૂઆત કરી હતી. દરમિયાન પૂ.હરિચરણદાસજી બાપુનો આગામી વર્ષનો ૧૦૦મો જન્મદિવસ હરીદ્વારમાં કુંભમેળામાં ઉજવવામાં આવે તેવી લાગણી રજૂ કરી હતી. સ્વયંસેવકો દ્વારા ૧૨ વર્ષ અગાઉ પૂ.બાપુને આ વિનંતી કરી હતી. જે આજે પણ બાપુને યાદ અપાવી હતી. આમ આગામી વર્ષે પૂ.બાપુનો ૧૦૦મો જન્મદિવસ હરીદ્વારમાં ઉજવાશે. ગોંડલ ખાતે શ્રી રામજી મંદિરે આજે કોરોનાના કારણે જન્મ દિવસ નિમિતે દર વર્ષે યોજાતા ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. આજે સવારે ભાવિકોએ દૂરથી જ પૂ. હરિચરણદાસજી મહારાજના દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

પૂ. હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારના ચંપારણ્ય જિલ્લામાં એક બ્રાહ્મણ કુળમાં થયો હતો. કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં એમ શ્રી હરિચરણદાસજી મહારાજને નાનપણથી જ સંસાર પ્રત્યે માયા ન હોવાથી નાની વયે જ ગૃહ ત્યાગ કર્યો હતો.  ૧૯૪૬માં પ્રયાગરાજ ગંગા કિનારે તેમણે નિશ્ચિય કર્યો હતો કે અહીંયા જે ગુરૂ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ. ૩ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે સંત જે ગુરૂદેવ રણછોડદાસજી મહારાજ જેવા જ દેખાતા હતા. તેમને દિક્ષા આપી અને અયોધ્યામાં રામઘાટ ઉપર ભજન કરવા આદેશ આપ્યો હતો. 

ઘણો લાંબો સમય જાનકીકુંડ તથા ચિત્રકુટમાં વિતાવ્યા બાદ ૧૯૫૪માં પૂ. હરિચરણદાસજી મહારાજ ગોંડલ આવ્યા અને પૂ. રણછોડદાસજી મહારાજના આદેશથી ગોંડલમા શ્રી રામજી મંદિરની ગાદી સંભાળી ત્યારથી ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ  ચાલી  રહ્યો છે.

(3:30 pm IST)